પ્રાચીન જ્ઞાનના સંશોધક અને પરિવર્તનના દ્રષ્ટાવાન સંશોધક ડૉ. પંડિત કાશીનાથ મિશ્રા દ્વારા આજે અમદાવાદના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ડૉ. મિશ્રાએ પ્રાચીન ગ્રંથોના આધારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ અને કળિયુગના અંત બાદ આવનારા નવા યુગના સંકેતો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 600 વર્ષ પૂર્વે પંચસખા દ્વારા રચાયેલ ભવિષ્ય માલિકા ગ્રંથોમાં અત્યારની ભૌગોલિક અને રાજકીય સ્થિતિનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે, જે મુજબ આગામી સમય માનવજાત માટે પરિવર્તનકારી સાબિત થશે. આ સંવાદ દરમિયાન ડૉ. કાશીનાથ મિશ્રાએ ભગવાન મહાવિષ્ણુના દશમા અવતાર એટલે કે કલ્કિ અવતારના પ્રાગટ્ય પાછળના સત્ય વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યું કે ગ્રંથોના સંકેતો મુજબ કળિયુગનો અંત નજીક છે અને ટૂંક સમયમાં જ વિશ્વમાં મોટા ફેરફારો જોવા મળશે. ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓ અને વૈશ્વિક સંઘર્ષો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં વિશ્વમાં અસ્થિરતા વધી શકે છે, પરંતુ આ કઠિન સમયના અંતે ભારત 'વિશ્વગુરુ' તરીકે ઉભરી આવશે. તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંભવિત સંઘર્ષ અને વિશ્વના 13 જેટલા દેશોની તેમાં સામેલગીરી અંગે પણ શાસ્ત્રોક્ત વિગતો રજૂ કરી હતી. વધુમાં, ડૉ. મિશ્રાએ માનવજાત સામે આવી રહેલા આર્થિક અને પ્રાકૃતિક પડકારો વિશે ચેતવણી આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં મોંઘવારી અને કુદરતી આફતોમાં વધારો થવાની શક્યતા છે. જોકે, તેમણે આ કઠિન સમયમાંથી માર્ગ કાઢવા માટે આધ્યાત્મિક ઉકેલો અને માનવતાના માર્ગે ચાલવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. ભવિષ્ય માલિકાના વિવિધ ભાષાઓમાં થયેલા અનુવાદો અને તેના વૈશ્વિક સ્વીકાર અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આ જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ તેમને આવનારા સમય માટે જાગૃત કરવાનો છે.
પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા સુરત-નવસારી ટ્વિન સિટીના સપનાને સાકાર કરવા તરફ રાજ્ય સરકારે મોટું કદમ ઉઠાવ્યું છે. સુરત-સચિન-નવસારી રોડ પર સતત વધતા ટ્રાફિકના ભારણને હળવો કરવા માટે 945.92 કરોડના ખર્ચે 'હાઇસ્પીડ કોરિડોર' સ્કીમને મંજૂરી આપી દેવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પણ ઇસ્યુ કરી દેવાયા છે. 24 મહિનામાં તૈયાર થશે હાઇટેક રોડઆ પ્રોજેક્ટ અંતર્ગત હાલના 14 કિલોમીટરના ફોર લેન રસ્તાને સિક્સ લેન હાઇટેક માર્ગમાં ફેરવવામાં આવશે. ચોમાસા બાદ આ કામગીરીના શ્રીગણેશ થશે અને તેને પૂર્ણ કરવા માટે 24 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ કોરિડોર બનવાથી સુરત અને નવસારી વચ્ચેની મુસાફરીમાં અંદાજે 20 મિનિટનો ઘટાડો થશે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓએલિવેટેડ કોરિડોર: સુડા બાયપાસ રોડ પર 1.9 કિમી લંબાઈનો ભવ્ય એલિવેટેડ કોરિડોર બનશે.બ્રિજ અને ફ્લાયઓવર: મરોલી જંક્શન પર નવો ફ્લાયઓવર અને મીંઢોળા નદી પર મોટો મેજર બ્રિજ બનશે. આ ઉપરાંત 8 નાના બ્રિજ પણ બનાવવામાં આવશે.અંડરપાસ: સચિન-પારડી આલ્ફા હોટેલ, લાજપોર અને કપલેથા પાસે બે Vehicular Underpass (VUP) અને એક લાઈટ વ્હીકલ અંડરપાસનું નિર્માણ થશે.અપગ્રેડેશન: સચિનથી નવસારી સુધીના 14.3 કિમીના માર્ગને હાઇટેક સિક્સ લેનમાં ફેરવાશે.4 ગામોની જમીન સંપાદન કરવામાં આવશે સિક્સ લેન રોડના નિર્માણ માટે મુખ્યત્વે 4 ગામોની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે: સ્થાનિક રહીશો અને ખેડૂતોને વિશ્વાસમાં લઈને વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ વિકાસને કારણે આસપાસના વિસ્તારોમાં નવી ટાઉનશિપ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ માટે મોટી તકો ઊભી થશે. દક્ષિણ ગુજરાતની કનેક્ટિવિટી બદલાઈ જશે: સંદીપ દેસાઈચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, આ કોરિડોર માત્ર બે શહેરોને જ નહીં, પણ વલસાડ-વાપી જેવા કેમિકલ હબ અને ગણદેવી જેવા કૃષિ કેન્દ્રોને પણ સુરત સાથે હાઇટેક લિંકથી જોડશે. ઉદ્યોગોની કાર્યક્ષમતા વધશે અને નિકાસમાં પણ મોટો ફાયદો થશે. શા માટે આ પ્રોજેક્ટ જરૂરી હતો?સચિન-પાંડેસરા GIDC, હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ અને હજીરા પોર્ટને કારણે આ રોડ પર રોજિંદા 25,000થી વધુ વાહનો પસાર થાય છે. ભારે માલવાહક વાહનોને કારણે પીક અવર્સમાં અહીં કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાતો હતો, જે હવે ભૂતકાળ બની જશે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા 2 કરોડથી વધુની નકલી નોટો ઝડપવાને મામલે સુરતના આરોપી પ્રદીપ જોટાંગીયા સહિત કુલ 7 આરોપીઓને 14 દિવસના રિમાન્ડ અર્થે મેટ્રો કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. આ રિમાન્ડ આજે પૂર્ણ થતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ તરફથી વધુ રિમાન્ડની માંગ ન કરાતા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. આરોપીઓએ કેવી રીતે નકલી નોટો છાપી છે, તેને ક્યાં વાપરીઆ કેસમાં આરોપીઓ પાસેથી રૂપિયા 500ના દરની 5600 નોટ રિકવર કરવામાં આવી હતી. ક્રાઇમબ્રાન્ચે અગાઉ આરોપીઓના રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, સહ આરોપીઓની સાથે રાખીને સત્યમ ફાઉન્ડેશનમાં તપાસ કરવાની છે. જો આરોપીઓ પાસે અન્ય નકલી નોટ હોય તો ક્યાં સંતાડી છે, તેની તપાસ કરવાની છે. આરોપીઓએ કેવી રીતે નકલી નોટો છાપી છે, તેને ક્યાં વાપરી છે, નોટ છાપવા માટેના લેપટોપ પ્રિન્ટર વગેરે કબ્જે કરવાના છે. નકલી નોટોના ખરીદ વેચાણમાં કેટલા રૂપિયા કોણે આપ્યા?આરોપીઓએ કઈ ઓરીજનલ નોટોને સ્કેન કરીને નકલી ચલણી નોટો બનાવવાની છે તે જાણવાનું છે. આરોપીઓ અમદાવાદમાં નોટો વેચવા આવ્યા હતા, તો સુરતમાં પણ નોટો વેચી હોવાની પૂરી શક્યતા છે તે દિશામાં તપાસ કરવાની છે. નકલી નોટોના ખરીદ વેચાણમાં કેટલા રૂપિયા કોણે આપ્યા? તેની પણ તપાસ કરવાની છે. આરોપીઓના ઇન્કમટેક્સ રિટર્ન અંગે માહિતી મેળવવાની છે. આરોપીઓ નકલી નોટ છાપવા માટે ચાઇનાથી કાગળ મંગાવ્યા હતા તે કોણે મંગાવ્યા અને કેવી રીતે ભારતમાં આવ્યા તે જાણવાનું છે. આરોપીઓના કોલ ડેટા રેકોર્ડ અને ભૂતકાળ અંગે તપાસ કરવાની છે.
સેલ્ફ ડ્રાઇવની ગાડીઓ ખોટા ડોક્યુમેન્ટ પર મેળવીને છેતરપિંડી કરતી ટોળકીના ઝડપાઈ છે. ટ્રાવેલ્સ ઓફિસમાં નોકરી કરતા કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ખોટા ડોક્યુમેન્ટ પર બુકિંગ લઇ લેતા હતા. જે બાદમાં તેનું ભાડુ લઇને જે તે શખ્સને ગાડી આપી દેતા હતા. જીપીએસ બંધ કરીને રાજસ્થાન ગાડી લઈ જવામાં આવતી હતી. જ્યાં ગાડીઓનું કટિંગ કરીને 4-5 લાખ રૂપિયા ચૂકવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જો કે પોલીસે બે આરોપીની ધરપકડ કરી ગેંગના અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે. ખોટા ડોક્યુમેન્ટના આધારે સ્કોર્પિયો ગાડી ભાડે લીધીસેલ્ફ ડ્રાઇવ કાર ભાડે આપતી પેઢીઓને નિશાન બનાવી એક સુનિયોજિત ગેંગ દ્વારા છેતરપિંડી કરાતી હોવાનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ ગુપ્તા ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. તેમની સ્કોર્પિયો ગાડી ખોટા ડોક્યુમેન્ટના આધારે ભાડે લઇ જવામાં આવી હતી. ગ્રાહક તરીકે રજૂ થયેલા શખ્સે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જ ગાડી મેળવી લીધી હતી. બાદમાં ગાડીનું GPS બંધ થઇ જતા શંકા ઉઠી અને તપાસ કરતાં ગાડી ખેડાના મિતેશ નામના વ્યક્તિ સુધી પહોંચી હોવાનું સામે આવ્યું. જે બાદ તપાસમાં કરતા સામે આવ્યું હતું કે ગાડી વેપારી વર્તુળમાં ફેરવાતી રહી અને અંતે જીનાંશુ કલાલ સુધી પહોંચી હતી. જેને ગાડી આગળ અન્ય આરોપીઓને સોંપી દીધી હતી. ગાડી રાજસ્થાનના સાંચોર લઇ જઈ કટિંગ કરી દેતાપોલીસ તપાસમાં ગેંગની ચોંકાવનારી હકીકત સામે આવ્યો છે. ગેંગના સભ્યો પહેલા ટ્રાવેલ્સ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સાથે સેટિંગ કરીને ખોટા ડોક્યુમેન્ટ પર ગાડી બુક કરાવતા હતા. ખાસ કરીને રાજેન્દ્ર ઉર્ફે રાજુ કલાલ, જે ફરિયાદીની ઓફિસમાં જ કામ કરતો હતો, તે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને એગ્રીમેન્ટની પ્રક્રિયા સંભાળતો હોવાથી કોઈને શંકા ન થાય તે રીતે ગાડીઓ આપી દેતો હતો. ત્યારબાદ નીલ પટેલ અને અંકિત દરજી જેવા સાથીઓ ગાડી પોતાના કબજામાં લઇ લેતા અને તેને રાજસ્થાનના સાંચોર વિસ્તારમાં લઇ જઈ તેનું કટિંગ કરી દેતા હતા. આ કટિંગ બાદ ગાડીના ભાગો વેચી 4 થી 5 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી લેવાતી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં એક ગાડી પાછળ લાખો રૂપિયાનો ગેરકાયદે નફો કમાતી ગેંગ લાંબા સમયથી સક્રિય હોવાનો અંદાજ છે. નીલ પટેલ અને રાજુ કલાલની ધરપકડજેને લઈને ગૌતમભાઈએ પોલીસને જાણ કરતાં ચાંદખેડા પોલીસે જીનાંશુ કલાલ, રાજુ કલાલ, નીલ પટેલ અને અંકિત દરજી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી વિસનગરનો નીલ પટેલ અને રાજસ્થાનનો રાજેન્દ્ર ઉર્ફે રાજુ કલાલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. ગેંગે અત્યાર સુધી કેટલી ગાડીઓ આ રીતે ગેરકાયદે રીતે મેળવી અને કટિંગ કરી વેચી છે તેની પણ તપાસ પોલીસ કરી રહી છે.
રાજકોટ શહેર નજીક જીયાણા ગામમાં ફોન ન ઉપાડવા બાબતે ઝઘડો કરી મારે બીજી પત્ની કરવી છે તેમ કહી પતિએ પત્નીને લોખંડના પાઈપથી માર મારી હાથ-પગ ભાંગી નાંખ્યા હતાં. બનાવ અંગે કુવાડવા પોલીસમાં મહિલાના ભાઈએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ નજીક જીયાણા ગામે રહેતા દીપકભાઈ જેસીંગભાઇ જખાણીયા (ઉં.વ.35)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેના બનેવી લાલા બાબુ વાજેલિયાનું નામ આપી જણાવ્યું હતું કે, સૌથી નાની બહેન નાગલપર સાસરે છે તેમણે સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. ગત તા.24ના રોજ સાંજના 7 વાગ્યે નાગલપરમાં રહેતા તેના માસી જમનાબેનનો ફોન આવ્યો હતો કે, તેની બહેન અને તેના પતિ લાલા વાજેલીયા વચ્ચે ઝઘડો થયો છે તુ જલ્દીથી અહીં આવી જા આથી યુવક અને તેના પિતા બહેનના ઘરે જવા નીકળી ગયા હતા. ઘર પહોંચ્યા બાદ બહેન સાથે વાત કરતા બહેને જણાવ્યું હતું કે, તે ઘરે એકલી હતી અને રોટલી બનાવતી હતી ત્યારે બનેવીએ બહારથી આવીને કહ્યું કે, તું ફોન કેમ ઉપાડતી નથી મેં તને બે ફોન કરેલા, તું તારા ઘરે જતી રહેજે, જોતી નથી, મારે બીજી પત્ની કરવી છે, આટલું કહી ગાળો આપવા લાગ્યા હતા અને ઢીકાપાટુનો માર મારી ઘરમાં પડેલ લોખંડના પાઇપથી હાથ પગમાં માર માર્યો હતો. બનેવીએ બહેનને માર મારતા ભાઈ જીયાણા ગામે પોતાની ઘરે લઈ આવ્યો હતો. બહેનને માર માર્યાનો દુ:ખાવો થતાં વાંકાનેર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા ડોક્ટરે રિપોર્ટમાં જણાવ્યું હતું કે બહેનને જમણા હાથમાં અને ડાબા પગમાં ફ્રેક્ચર થયું છે આથી ઓપરેશન કરવું પડશે. બનેવીએ નજીવી બાબતે બહેનને માર મારતા ભાઈ દીપકે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વૈશ્વિક સ્તરે રશિયા-યુક્રેન બાદ હવે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી તંગદિલીની સીધી અને નકારાત્મક અસર સૌથી મોટા ટેક્સટાઇલ હબ ગણાતા સુરત પર પડવાની શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ઉભી થયેલી અડચણોને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગના પાયાના કાચા માલ એવા યાર્નના ભાવમાં અસહ્ય વધારો ઝીંકાયો છે. આ કટોકટીના સમયે ઉદ્યોગને જીવંત રાખવા અને લાખો કારીગરોની રોજીરોટી છીનવાતી અટકાવવા માટે ફોગવા દ્વારા આજે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારોઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં વપરાતા વિવિધ પ્રકારના યાર્નના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ, યુદ્ધની સ્થિતિને જોતા વેપારીઓમાં પણ ફફડાટ છે, જેના કારણે નવા ઓર્ડરમાં ધરખમ ઘટાડો થયો છે. માર્કેટમાં તૈયાર કાપડનો ભરાવો થઈ રહ્યો છે અને પેમેન્ટની સાઈકલ પણ ખોરવાઈ રહી છે. જો ઉત્પાદન અવિરત ચાલુ રાખવામાં આવે તો ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી સ્થિતિ ઉભી થઈ છે. માત્ર એક જ શિફ્ટ એટલે કે 12 કલાક જ મશીનો ચલાવશેસુરતના વિવિધ વિસ્તારોના ઉદ્યોગ અગ્રણીઓ અને ફોગવા ફેડરેશનના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે, ઉદ્યોગને સંપૂર્ણપણે ઠપ્પ કરવાને બદલે પ્રોડક્શન કાપનો આશરો લેવો જોઈએ. આ માટે જે એકમો અત્યાર સુધી 24 કલાક ધમધમતા હતા, તેઓ હવે માત્ર એક જ શિફ્ટ એટલે કે 12 કલાક જ મશીનો ચલાવશે. આનાથી વીજળી બિલ અને અન્ય મેન્ટેનન્સ ખર્ચમાં ઘટાડો થશે. ઘણા એકમોએ અઠવાડિયામાં રવિવાર ઉપરાંત અન્ય એક દિવસની રજા રાખવાનું નક્કી કર્યું છે. આમ, સપ્તાહમાં માત્ર 5 દિવસ કામ કરવાથી ઉત્પાદનમાં અંદાજે 30% થી 40% નો ઘટાડો લાવી શકાશે. કામના કલાકો ઘટાડી સતત રોજગારી મળે તેવો પ્રયાસસુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ લાખો પરપ્રાંતીય શ્રમિકો પર નિર્ભર છે. ભૂતકાળમાં લોકડાઉન કે લાંબી મંદી દરમિયાન કારીગરો મોટા પાયે વતન તરફ હિજરત કરી ગયા હતા, જેની અસર ઉદ્યોગ પર વર્ષો સુધી રહી હતી. ફોગવાના અગ્રણીઓએ જણાવ્યું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય કારીગરોને સાચવવાનો છે. જો ઉદ્યોગ સાવ બંધ કરી દેવામાં આવે તો શ્રમિકો પાસે વતન જવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. પરંતુ કામના કલાકો ઘટાડીને તેમને સતત રોજગારી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી તેઓ સુરત છોડીને ન જાય. તમામ એસોસિએશનની એક જાહેર સભા મળીફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આજે ફોગવા અને સંયુક્ત સુરત શહેરના તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી હતી, જેની અંદર આશરે મોટી સંખ્યામાં વિવર્સ ઉપસ્થિત રહ્યા હતા. અને એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અથવા તો અઠવાડિયામાં બે રજા રાખવાની છે. એક પાળી ઇન્ડસ્ટ્રીઝ બંધ રહેશેતેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ કોઈપણ જો 24 કલાક માટે વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે, કારણ કે 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી. પણ આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે, જેથી કરીને ગ્લોબલી આપણા બિઝનેસને કોઈપણ જાતનું નુકસાન ન થાય એના માટેની ખાસ આ સભાની અંદર ચર્ચાઓ થઈ છે. અને સર્વાનુમતે, એક સૂરમાં, એક જ અવાજે તમામ એસોસિએશનો સાથે મળીને આજે એક જાહેરાત કરવામાં આવી હતી કે એક પાળી ઇન્ડસ્ટ્રીઝ બંધ રહેશે. ઉદ્યોગ અગ્રણીઓના મતે, હાલમાં કાપડની માંગમાં મોટો ઘટાડો છે. જો સતત ઉત્પાદન ચાલુ રાખવામાં આવે તો માર્કેટમાં માલનો ભરાવો થઈ જાય અને ભાવ વધુ ગગડે. પ્રોડક્શન કાપ મુકવાથી શ્રમિકો સચવાશે અને ઉદ્યોગની મંદી વચ્ચે આ ઉદ્યોગ ટકી રહેશે. તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. માર્કેટમાં સંતુલન જાળવવાનો પ્રયાસજો યુદ્ધની સ્થિતિ વધુ વણસે અને યાર્નના ભાવ કાબૂમાં ન આવે, તો આગામી દિવસોમાં વધુ કડક નિર્ણયો લેવાની તૈયારી પણ ઉદ્યોગકારોએ રાખી છે. હાલ પૂરતું, પ્રોડક્શન કાપ દ્વારા માર્કેટમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ CBI કોર્ટે આજે આવકવેરા વિભાગના તત્કાલીન અધિકારી રમેશ વદાદિયા અને તેમની પત્ની જશોદા વદાદિયાને અપ્રમાણસર મિલકતના કેસમાં 2 વર્ષની સખત કેદ અને 20 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. 29 લાખની વધુની અપ્રમાણસર મિલકતો એકઠી કરી હતીCBI એ 30 જૂન, 2007 ના રોજ ગાંધીનગર ખાતે એડિશનલ ઇન્કમ ટેક્સ કમિશનરની કચેરીમાં તત્કાલીન ઇન્કમ ટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા આરોપી રમેશ વદાદિયા વિરુદ્ધ આ કેસ નોંધ્યો હતો. તેઓની ઉપર આરોપ હતો કે 1 જાન્યુઆરી, 2001 થી 30 એપ્રિલ, 2007 ના સમયગાળા દરમિયાન આરોપીઓએ તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતા 29.15 લાખની વધુની અપ્રમાણસર મિલકતો એકઠી કરી હતી, જે તેમની જાણીતી આવકના 247% હતી. અપ્રમાણસર મિલકત મેળવવા બદલ ચાર્જશીટ દાખલ કરીતપાસ પૂર્ણ થયા બાદ CBIએ 24 ડિસેમ્બર, 2008ના રોજ રમેશ ફૂલચંદ વદાદિયા અને તેમના પત્ની જશોદાબેન રમેશભાઈ વદાદિયા વિરુદ્ધ આવકના જાણીતા સ્ત્રોતો કરતા 25.46 લાખ જે આવકના 133.98% હતી. તે અપ્રમાણસર મિલકત મેળવવા બદલ ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલ દરમિયાન આરોપી રમેશ વદાદિયાનું અવસાન થતા, કોર્ટ દ્વારા તેમની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને દોષિત ઠેરવી સજા સંભળાવીકોર્ટે આરોપોમાં તથ્ય જણાતા આરોપી જશોદાબેન વદાદિયાને તેમના પતિને અપ્રમાણસર મિલકત મેળવવામાં મદદગારી કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા અને તે મુજબ આ અપ્રમાણસર મિલકતના કેસમાં ગુનાની મદદગારી માટે તેમને સજા ફટકારી હતી. કોર્ટે ટ્રાયલ બાદ આરોપીને તે મુજબ દોષિત ઠેરવી સજા સંભળાવી છે.
સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલી લોકભારતી સ્કૂલમાં એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ અને શિક્ષકના ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ મામલે હવે સ્કૂલના ટ્રસ્ટી દિનકર નાયકે મૌન તોડ્યું છે. તેમણે વિદ્યાર્થીની સુસાઈડ નોટ અને વાલીઓના વર્તન સામે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ટ્રસ્ટીએ સ્પષ્ટ કર્યું છે કે, જો શાળાના સ્ટાફની ભૂલ જણાશે તો કડક પગલાં લેવામાં આવશે, પરંતુ હાલની વિગતો મુજબ આમાં કંઈક અજુગતું હોવાની શંકા છે. સુસાઈડ નોટ અને નિયમિત નોટબુકના અક્ષરોમાં મોટો તફાવતલોકભારતી મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી દિનકર નાયકે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીએ લખેલી કથિત સુસાઈડ નોટના અક્ષરો અને તેની નિયમિત નોટબુકના અક્ષરોમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. વર્ષ 2025માં વિદ્યાર્થીએ કરેલા તોફાન બાદ જે માફીનામું લખી આપ્યું હતું, તેના અક્ષરો સાથે પણ આ ચિઠ્ઠી મેળ ખાતી નથી. ટ્રસ્ટીના મતે, સુસાઈડ નોટમાં જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તેવી ભાષા આ ઉંમરનો વિદ્યાર્થી લખી જ ન શકે. આ અક્ષરો કોઈ ત્રાહિત વ્યક્તિના હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. શનિવારે વાલીઓએ સ્કૂલમાં મચાવ્યો હતો હોબાળોઘટનાની વિગતો આપતા દિનકરભાઈએ જણાવ્યું કે, શનિવારે જ્યારે મેનેજિંગ કમિટીની મીટિંગ ચાલી રહી હતી, ત્યારે વિદ્યાર્થીના વાલીઓ અને તેમની સાથે અન્ય કેટલાક શખ્સો આચાર્યની ઓફિસમાં ધસી આવ્યા હતા. વાલીઓ અત્યંત આક્રમક મૂડમાં હતા અને આચાર્ય સાથે ગરમાગરમી કરી રહ્યા હતા. આચાર્યએ તેમને બેસવા માટે વિનંતી કરી હોવા છતાં તેઓ માન્યા નહોતા અને ધમકીભર્યા સૂરમાં વાતો કરી રહ્યા હતા. આ મામલે ટ્રસ્ટી મંડળે તાત્કાલિક એક સભ્યને તપાસ માટે મોકલ્યા હતા. વિદ્યાર્થીના તોફાની વર્તન અંગે વાલીઓને કરાઈ હતી જાણશાળા પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ વિદ્યાર્થી અગાઉ પણ શિસ્તભંગના મામલે ચર્ચામાં રહ્યો છે. વર્ષ 2025 દરમિયાન જ વાલીઓને ત્રણ વાર શાળામાં બોલાવીને વિદ્યાર્થીના તોફાની વર્તન અંગે જાણ કરવામાં આવી હતી. અન્ય વિદ્યાર્થીઓ તેનાથી પરેશાન થતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. તે સમયે વાલીઓએ આશ્વાસન આપ્યું હતું કે તેઓ બાળકને સમજાવશે અને તે સુધરી જશે. વિદ્યાર્થીએ પોતે પણ લેખિતમાં ખાતરી આપી હતી કે તે હવે ધમાલ નહીં કરે અને માત્ર ભણવામાં ધ્યાન આપશે. ટ્રસ્ટી પોતે વિદ્યાર્થી અને મિત્રો સાથે કરશે વાતચીતમામલાની ગંભીરતાને જોતા ટ્રસ્ટી દિનકર નાયકે જાતે તપાસની કમાન સંભાળી છે. તેમણે જણાવ્યું કે, હું શિક્ષણ જગત સાથે વર્ષોથી જોડાયેલો છું અને આવી ઘટનાઓ ક્યારેય ન બનવી જોઈએ. સત્ય જાણવા માટે હું પોતે વિદ્યાર્થીને રૂબરૂ મળીશ. એટલું જ નહીં, તેના ક્લાસના અન્ય મિત્રો અને વર્ગશિક્ષકો સાથે પણ વ્યક્તિગત વાત કરીશ જેથી સાચી હકીકત સામે આવી શકે. સોમવારે વિદ્યાર્થી શાળાએ આવ્યો હતો અને શાંતિથી અભ્યાસ પણ કર્યો હતો, જે તેના માનસિક તણાવના દાવાઓ સામે એક અલગ ચિત્ર રજૂ કરે છે. કસૂરવાર સામે લેવાશે સખત પગલાંની ખાતરીઅંતમાં ટ્રસ્ટીએ વિશ્વાસ અપાવ્યો છે કે, શાળા હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરે છે. જો તપાસ દરમિયાન એવું માલૂમ પડશે કે આચાર્ય કે કોઈ શિક્ષકની ખરેખર ભૂલ છે અથવા તેમણે વિદ્યાર્થી પર બિનજરૂરી દબાણ કર્યું છે, તો તેમની સામે સંસ્થા દ્વારા સખત શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. હાલમાં શાળા દ્વારા આંતરિક તપાસ તેજ કરી દેવામાં આવી છે અને તમામ પાસાઓને ચકાસવામાં આવી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે બે દિવસ પૂર્વે રાત્રીના રબારીના નેસમાં રહેતા રવિભાઈ ઉર્ફે લાલાભાઈ અનિલભાઈ ક્લોતરા નામના યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા થવા પામી હતી. જે બનાવને લઈ મૃતકના માતાએ ફરીયાદ નોંધાવતા પોલીસ બે આરોપીની ધરપક્ડ કરી લીધા બાદ મોડી રાત્રીના વધુ એક સિહોરના શખસને દબોચી લીધો હતો. જે તમામને પોલીસે આજરોજ કોર્ટમાં રજુ કરી સાત દિવસના પોલીસ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટે 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.તેમજ આ બનાવનો હજુ એક મુખ્ય આરોપી ફરાર છે જેને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.. આ બનાવ અંગે વરતેજ પોલીસ મથેકથી મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના વાળુકડ ગામના મૃતક રવિભાઈ રબારીના માતા ધનીબેન અનિલભાઈ કળોતરાએ વરતેજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, તેનો દિકરો લાલાભાઈ અમદાવાદના મુના બલ્યાના પરિચયમાં આવતા તેની દિકરી જાનવીબેન સાથે પ્રેમસબંધ હતો. પરંતુ મુનાને તેનો સબંધ પસંદ ન હતો જેથી તેના દિકરાએ ત્રણ વર્ષ પહેલા અમદાવાદમાં જાનવીબેન સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. જે વાત મુના બલ્યાને ગમતી ન હોય જેને લઈ ચાર દિવસ પુર્વે કિશોર, હરેશે આવી મોડી રાત્રે તેનો ઘરનો દરવાજો ખખડાવી લાલો કર્યા છે. હુ કિશોર છુ અને મુના બલ્યાએ મોકલ્યા છે. બાદ હરીએ કહ્યું કે લાલાને કહી દેજો કે તેણે અમારી ઈજ્જત પર હાથ નાખ્યો છે. આજે મળી ગયો તો પુરો કરી દેવાના હતા તેમ કહી જતા રહ્યા હતા. ત્યારબાદ બે દિવસ પુર્વે રાત્રીના તેનો દિકરો ઘરે વાળુંપાણી કરી બાઈક લઈ બસ સ્ટેન્ડ પાસે જતા મુના પ્રફુલભાઈ બલ્યાના કહેવાથી તમામે એક સંપ કરી તેના દિકરા લાલાભાઈ ઉપર જીવલેણ હુમલો કરી છરીના આડેધડ ઘા ઝીંકી તેનુ મોત નિપજાવી તમામ નાસી છુટ્યા હતા.જે ફરિયાદના અનુસંધાને વરતેજ પોલીસે મુના પ્રફુલભાઈ બલ્યા રહે, અમદાવાદ, હરેશ ઉર્ફે હરી ગોપાલભાઈ આલ રહે.સિહોર, કિશોર ઉર્ફે કિશન ધીરુભાઈ ચૌહાણ રહે સિહોર, એક અજાણ્યા શખસ સામે BNS એક્ટ 103(1), 61(2), 3(5), 351(3), તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સિહોરના હરેશ ઉર્ફે હરી ગોપાલભાઈ આલ, કિશોર ઉર્ફે કિશન ધીરુભાઈ ચૌહાણ રહે સિહોરની ધરપકડ કરી લીધી હતી. જ્યારે ઝડપાયેલા બન્ને શખસોની પુછપરછ દરમિયાન અજાણ્યો શખસ રોહિત હોવાનું ખુલતા પોલીસે રોહિત કનૈયાલાલ ઉર્ફે કાળુભાઈ શિહોરા ઉ.વ. 24, રહે. સિહોરની ધરપકડ કરી લીધી હતી. આ બનાવના પગલે વરતેજ પોલીસ મથકના પીઆઈ ચુડાસમાએ દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે, આજરોજ ત્રણેય આરોપી હરેશ, કિશોર અને રોહિતને હોસ્પિટલ લઈ જઈ મેડીકલ ચેકઅપ કરાવાયુ હતું જ્યારે આ બનાવની વધુ તપાસ માટે ત્રણેય આરોપીને કોર્ટમાં રજુ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેમાં કોર્ટે ત્રણેય શખ્સના (દિવસ 4) તા.3 એપ્રિલ બપોરના 1 કલાક સુધીના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે દરમિયાન શખસોના કબજામાંથી ગુનામાં વપરાયેલા હથીયાર, બાઈક સહિતનો મુદામાલ કબ્જે કરાશે.વધુમાં જણાવ્યુ હતું કે, વરતેજ પોલીસની જુદી જુદી ટીમો બનાવી આ હત્યા કેસનો મુખ્ય આરોપી મુના બલ્યા જે ફરાર છે.જેની ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
અમદાવાદના ઈસનપુરનો ફરાર આરોપી ખંભાતથી ઝડપાયો:જામીન પર છૂટ્યા બાદ પોલીસને હાથતાળી આપી હતી
અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં 2021માં નોંધાયેલા ગુનામાં જામીન પર છૂટ્યા બાદ ફરાર થયેલા આરોપી જમશેદખાન જોરાવરખાન પઠાણને ખંભાત શહેર પોલીસે તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો છે. જમશેદખાન પઠાણ, જે સાલવા રસુલબાદ સોસાયટી, કદમે રસુલ પાસે, ખંભાતનો રહેવાસી છે, તે ઈસનપુર પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નંબર-3976/2021 મુજબના ગુનામાં આરોપી હતો. જામીન પર મુક્ત થયા બાદ તે પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો હતો, જેના કારણે તેને 'ફરાર' જાહેર કરવામાં આવ્યો હતો. ખંભાત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.બી. કુંપાવતના માર્ગદર્શન હેઠળ, ખંભાત સિટી પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી. ચૌહાણે અલગ-અલગ ટીમો બનાવી હતી. પેટ્રોલિંગ દરમિયાન ખંભાત સિટી પોલીસ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહને બાતમી મળી હતી કે ફરાર આરોપી જમશેદખાન તેના ખંભાત સ્થિત નિવાસસ્થાને છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંતરામપુર પોલીસે પ્રતાપપુરા સર્કલ નજીકથી એક ઇકો ગાડીમાંથી લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, કારનો ચાલક જંગલ વિસ્તારમાં નાસી છૂટ્યો હતો. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા જિલ્લાની પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે I/C નાયબ પોલીસ અધિક્ષક જી.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સંતરામપુર પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. ડીંડોરના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એસ.એસ. પલાસ અને સંતરામપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન કોન્સ્ટેબલ દિનેશભાઈને બાતમી મળી હતી કે, રાજસ્થાનમાંથી એક સફેદ કલરની ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરીને સંતરામપુર તરફ આવી રહી છે. બાતમીના આધારે પ્રતાપપુરા સર્કલ ખાતે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. ઉખરેલી તરફથી આવતી શંકાસ્પદ ઇકો ગાડીને રોકવાનો ઇશારો કરતા ચાલકે ગાડી રોકી ન હતી અને ગરાડિયા તરફ હંકારી હતી. પોલીસે પીછો કરતા ગરાડિયા પેટ્રોલ પંપથી થોડે દૂર ગાડી ઉભી રાખી ચાલક જંગલ-ઝાંડીઓમાં નાસી ગયો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 500 MLના બીયરના 615 ટીન (કિંમત ₹1,46,885), 180 MLના પ્લાસ્ટિક ક્વાર્ટરિયાના 192 નંગ (કિંમત ₹65,909) અને 180 MLના કાચના ક્વાર્ટરના 480 નંગ (કિંમત ₹92,901)નો સમાવેશ થાય છે. દારૂનો કુલ મુદ્દામાલ ₹3,05,695નો હતો. દારૂ ઉપરાંત, પોલીસે ઇકો ગાડી (રજી. નંબર GJ.31.BB.2753) પણ જપ્ત કરી હતી, જેની કિંમત ₹5,00,000 આંકવામાં આવી છે. ગાડી પર ખોટી નંબર પ્લેટ GJ-35-HB-2849 લગાવેલી હતી, જ્યારે તેનો અસલ રજીસ્ટ્રેશન નંબર GJ.31.BB.2753 હતો. આમ, કુલ ₹8,05,695નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65AE, 98(2), 116(B) અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 336(2), 336(3), 340(2) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વલસાડ સિટી પોલીસ મથકે PI ભાવિક જીતિયાની વડોદરા બદલી થતાં તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ તેમને વિદાય આપી હતી. વિદાય પ્રસંગે PI ભાવિક જીતિયાએ વલસાડ જિલ્લામાં પોતાના કાર્યકાળના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે જણાવ્યું કે અહીં તેમને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામ કરવાની તક મળી, જેનાથી વ્યાવસાયિક રીતે ઘણું શીખવા મળ્યું. જીતિયાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે લોકો સાથે સારો સંબંધ બાંધવાના અનુભવને પણ યાદ કર્યો હતો. સમારોહમાં ઉપસ્થિત અધિકારીઓએ PI ભાવિક જીતિયાના કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે જીતિયાની નિષ્ઠા, કાર્યશૈલી અને ટીમ વર્કને બિરદાવ્યા હતા. સહકર્મચારીઓએ તેમને નવા કાર્યસ્થળે પણ સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય સમારોહના અંતે, સૌએ PI જીતિયાને વિદાય આપી હતી. આ પ્રસંગે સહકર્મચારીઓ સાથેના તેમના સંસ્મરણો યાદ કરવામાં આવ્યા હતા.
બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી સાંજના સમયે હાથ ધરવામાં આવી હતી. નાશ કરાયેલા દારૂની કુલ કિંમત આશરે 72 લાખ 74 હજાર 490 રૂપિયા આંકવામાં આવી છે. વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ સાત ગુનાઓમાં આ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 21 હજાર 772 બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને તેનો નાશ કરાયો હતો. આ દારૂ નાશ કરવાની કાર્યવાહી બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી અને ડિવાયએસપી મનિષા દેસાઈની હાજરીમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાળીયાદ ખાતે વિદેશી દારૂના જથ્થાના નાશ અંગે બોટાદના DYSP મનિષા દેસાઈએ માહિતી આપી હતી.
વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને એક કેદી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. હેડ ક્વાર્ટરના પોલીસ કર્મચારીઓના જાપ્તા દ્વારા આરોપીને જેલમાંથી લઈને કોર્ટમાં રજૂ કરવા માટે લવાયો હતો. વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં આરોપી અજય ઉર્ફે આકાશ રોકડીને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી. જેથી તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા કાપવા માટે રાખવામાં આવ્યો હતો.સોમવારના રોજ આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર્ટમાં રજૂ કરવાનો હતો. જેના કારણે પોલીસ હેડક્વાર્ટરના સ્ટાફ દ્વારા કેદીને સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં કડક બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો. આરોપીને લઈ પોલીસ સ્ટાફના માણસો ઊભા હતા. તે દરમિયાન આ આરોપીએ વોશરૂમ જવા માટે પોલીસ સ્ટાફને જણાવ્યું હતું. જેથી તેને વોશરૂમ તરફ લઈ જવામાં આવતો હતો ત્યારે જ આ કેદી પોલીસ કર્મચારીની નજર ચૂકવીને અચાનક ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ ભાગી છૂટેલા આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. પ્લીઝ દ્વારા આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે. હાલ પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે.
રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે આરોપી ધ્રુવ સંજયભાઈ જોશીની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન વધુ મુદામાલ કબ્જે કરી રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો જેને જામીન પર છૂટવા અરજી કરતા કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. રાજકોટના જે.કે.ચોક નજીક પુષ્કરધામ મૈન રોડ ઉપર આવેલ કેવલો પોતે મેગી નામની દુકાન પાસેથી આરોપીને પકડી પોલીસે પ્રથમ 69.380 ગ્રામ હાઈબ્રીડ ગાંજો અને ત્યાર બાદ રિમાન્ડ દરમિયાન વધુ 296 ગ્રામ હાઈબ્રિડ ગાંજો કબ્જે કર્યો હતો જેના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવતા આરોપીએ પોતાના વકીલ મારફત કોર્ટ સમક્ષ જામીન મુક્ત થવા માટે જામીન અરજી કરી હતી જેમા બંને પક્ષની દલીલના અંતે આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કામે આરોપી વતી એડવોકેટ નિલ શુક્લા, ધુવીન છાયા, સંદીપ ખેમાણી, કપીલ શાકરીયા, નિરમીત ગોસ્વામી, અનિરૂધ્ધ ઘાણેચા અને વિશાલ સોલંકી રોકાયા હતા. સામસામે બાઇક અથડાતા ઈજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન મોત વિરેન્દ્રભાઈ કકડ (ઉ.વ.36) ગત તારીખ 28 માર્ચે સવારે 11 વાગ્યે પોતાના સ્કૂટર ઉપર તેમના ભાઈ અનિલભાઈ સાથે જઈ રહ્યા હતા ત્યારે પેલેસ રોડ ઉપર ટી પોઇન્ટ સ્વામિનારાયણ મંદિર સામે પૂર ઝડપે આવેલા એક બાઈકએ ટક્કર મારી હતી જેમાં વિરેન્દ્રભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમણે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. મૃતક વિરેન્દ્રભાઈના ભાઈ અનિલભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, બનાવ વખતે તેઓ સ્કૂટરની પાછળ બેઠા હતા અને વિરેન્દ્રભાઈ સ્કૂટર ચલાવતા હતા. અકસ્માત પછી વિરેન્દ્રભાઈની તબિયત સારી હતી. તેઓ ઘરે ગયા બાદ તબિયત બગડી હતી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિરેન્દ્રભાઈ બે ભાઈ અને એક બહેનમાં મોટા અને અપરણિત હતા પોતે સ્કૂટરમાં ખાખરા લઈ જુદા જુદા વિસ્તારમાં વેચવા જતા હતા. હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. IPL મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયા રાજકોટ માલવિયાનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે નાનામવા મેઇન રોડ પર રાજનગર ચોક પાસે ગેલેક્સી સ્પા નજીક જાહેર રોડ પર મોબાઇલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહેલા શખસને ઝડપી તેના મોબાઇલની તપાસ કરતા પ્લેઝોન-9 ગેમ્સ નામની સાઈટમાં IPLની બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચેની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ શખ્સની પૂછતાછ કરતા તેનું નામ લલિત દેવજીભાઈ ચુડાસમા (ઉ.વ.38) હોવાનું સામે આવ્યું હતું. જયારે બીજા બનાવમાં એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, એક શખસ સોની બજારમાં વિરમ ચેમ્બર પાસે મોબાઈલમાં આઇડી મારફત ક્રિકેટ સટ્ટો રમે છે જેથી પોલીસે શખ્સ પાસે રહેલ ફોનમાં તપાસ કરતા IPLના ચાલુ મેચ પર સટ્ટો રમતો હતો અને મેચ પર 5000નો સોદો કરેલ જોવા મળ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા આ શખ્સે પોતાનું નામ કરણ મોહિતભાઈ મુંધવા (ઉ.વ.20) જણાવ્યું હતું.
અરવલ્લીના મેઘરજ પોલીસ સ્ટેશને ગત ફેબ્રુઆરી મહિનામાં આરોપી ધર્મેશ પટેલ અને વિનોદ પારગી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેઓને આજે ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા છે. આરોપી ઉપર આક્ષેપ છે કે, આરોપીઓએ પોતાના ખેતરમાં પાકને પશુઓથી બચાવવા માટે ખેતર ફરતે કરેલી લોખંડની ફેન્સીંગમાં વીજ કરંટ ચાલુ રાખતા, તેમાં 21 વર્ષીય યુવક કિરણને કરંટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આરોપી પોલીસ ચોકીથી ભાગી છૂટ્યો હતોઆરોપીના વકીલે જણાવ્યું હતું કે, અરવલ્લી પોલીસે મૃતક કિરણને નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો. તેને પોલીસ ચોકી લઈ જવાયો હતો. આરોપીનો ગુનો જામીન પાત્ર હોવાથી તેને પોતાના ઘરેથી જામીન માટે લોકોને બોલાવ્યા હતા. પરંતુ આ દરમિયાન પોલીસના જણાવ્યા મુજબ આરોપી કુદરતી ક્રિયા કરવાનું કહીને પોલીસ ચોકીથી ભાગી છૂટ્યો હતો. ત્યાંથી 7 કિલોમીટર દૂર આવેલા ખેતરના ફેન્સીંગમાં કરંટ લાગવાથી તેનું મૃત્યુ થયું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. પોલીસે જવાબ નોંધવા બોલાવ્યા અને આરોપી બનાવી દીધાઆરોપીઓનું કહેવું હતું કે, કોઈ વાડ કે ફેન્સીંગ તેઓએ કરી નથી કે તેમાં કોઈ કરંટ પસાર કર્યો નથી. ખેતરની બાજુની ખુલ્લી જમીનમાં લાશ મળી આવ્યું હોવાની જાણ થવાથી તેમને પોલીસે જવાબ નોંધવા બોલાવ્યા હતા અને આરોપી બનાવી દીધા હતા. વળી મૃતકના શરીર ઉપર માર મારવાના નિશાન દેખાઈ રહ્યા છે. પોલીસ આરોપીને 7 કિમી સુધી કેવી રીતે ન પકડી શકી?હાઇકોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, આરોપીને પકડીને ફક્ત દોઢ કલાકમાં તેને કેવી રીતે છોડી દેવામાં આવ્યો? વળી જો તે પોલીસને થાપ આપીને ભાગવાની કોશિશ કરી હોય તો ચિક્કાર નશામાં રહેલા માણસને પોલીસ 7 કિલોમીટર સુધી કેવી રીતે ન પકડી શકી? મૃતક નશાની હાલતમાં 7 કિલોમીટર ચાલીને ગયો કેવી રીતે ગયો? હાઇકોર્ટે કહ્યું કે તેમને ટ્રાન્સફર કરવાથી કામ નહીં ચાલેઉપરોક્ત ઘટના સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં આજે વધુ સુનાવણી યોજાઇ હતી. જેમાં અરવલ્લીના SP ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બે હેડ કોન્સ્ટેબલને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે તેમને ટ્રાન્સફર કરવાથી કામ નહીં ચાલે, શા માટે તેઓએ કસ્ટડીમાંથી આરોપી ભાગી ગયો હોવા છતાં ઉચ્ચ લેવલના અધિકારીઓ અથવા કંટ્રોલ રૂમમાં ફોન કર્યો ન હતો? આરોપીનું મૃત્યુ થયાને બે દિવસ જેટલો સમય વીતી ચૂક્યો હતોઘટનાની ખબર પડ્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ શા માટે કોઈ પગલા લીધા નહોતા? આ ઘટના ઉપર ઢાંક પીછોડો કરવાની કોશિશ કરવામાં આવી છે. મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેના શરીરના ભાગમાં સડવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. તેમજ તેના મૃત્યુ થયા ને બે દિવસ જેટલો સમય વીતી ચૂક્યો હોવાનું સામે આવ્યું હતું. ફક્ત રાજ્યના મહાનગરના લોકો જ નાગરિક હકો નથી ભોગવતા, પરંતુ આદિજાતિ જિલ્લાઓના લોકો પણ એક સમાન નાગરિક હકો ભોગવે છે. બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવેપોલીસ કસ્ટડીમાં મૃત્યુ મામલે મેજિસ્ટ્રેટ અને હ્યુમન રાઇટ કમિશનને જાણ કરીને તપાસ કરવાની સરકારી વકીલે બાહેંધરી આપતા હાઇકોર્ટે નિર્દેશ આપ્યા હતા કે ઘટના ઉપર તપાસ યોજાય અને બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ તપાસનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. હાઇકોર્ટે ઉપરોક્ત નિર્દેશ સાથે અરજીનો નિકાલ કર્યો હતો. પરંતુ 20 એપ્રિલે રિપોર્ટ સંબંધની કાર્યવાહી હાથ ઉપર રાખી છે.
દ્વારકામાં સંત પ્રેમભીક્ષકજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે અખંડ રામધૂન હરીનામ સર્કિટર્ન મંદિરમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિર છેલ્લા 58 વર્ષથી સતત શ્રી રામ જય રામ જય જય રામ ના અખંડ જાપથી ભક્તિનું કેન્દ્ર બન્યું છે. આ પવિત્ર સ્થળની સ્થાપના પૂજ્ય સંત પ્રેમભીક્ષકજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી, અહીં અખંડ રામનામ ધૂન નિરંતર પ્રજ્વલિત રહી છે, જે હજારો ભક્તો માટે શ્રદ્ધાનું પ્રતીક છે.સંત પ્રેમભીક્ષકજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે, રામધૂન સકિર્તન મંદિર ટ્રસ્ટ અને કમિટી દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં વિશેષ રામધૂન, પૂજન, ભજન, સત્સંગ અને પ્રસાદ વિતરણનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામભક્તો, સંતો-મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહી સંત શ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ પ્રસંગે રામનામની મહિમા સાથે ભક્તિમય વાતાવરણ સર્જાશે.કાર્યક્રમની વિગતવાર રૂપરેખા નીચે મુજબ છે: સમુદ્ર પૂજન સવારે 8:30 કલાકે, 16 અભિષેક પૂજન સવારે 10:30 કલાકે, જયત્ય ઉત્સવ આરતી બપોરે 12:00 કલાકે, ગુરૂ પ્રસાદી (ભોજન) બપોરે 12:30 કલાકે અને નગર કીર્તન સાંજે 6:30 કલાકે.
દ્વારકાના પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિ ઉજવાશે:ગુરુવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
દ્વારકાના ગાયત્રી મંદિર પાસે આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે આગામી ગુરુવાર, 2 એપ્રિલ, 2026ના રોજ હનુમાનજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમની વિગતો અનુસાર, સવારે 9:30 કલાકે હનુમાનજીનું પૂજન કરવામાં આવશે. ત્યારબાદ સવારે 10 કલાકે સુંદરકાંડના પાઠ યોજાશે. સાંજે 5 કલાકે સત્યનારાયણની કથાનું આયોજન કરાયું છે. સાંજે 7 કલાકે મહાઆરતી કરવામાં આવશે. રાત્રે 7:30 કલાકે બ્રહ્મભોજન, સંતભોજન અને મહાપ્રસાદનું વિતરણ થશે. રાત્રે 10 કલાકે કલાકારો નિર્મળાબેન દુધરેજીયા તથા અભુભા કેર દ્વારા સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. આ તમામ ધાર્મિક કાર્યક્રમો મંદિરના પટાંગણમાં યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે શહેરના ધર્મપ્રેમી ભક્તોને મંદિરના મહંત દયાદાસબાપૂ ગુરુ શ્રી કિશોરદાસ બાપૂ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રાજકોટ મહાનપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વાવડી સર્વેમાં ગોંડલ રોડ પર આવેલા જાણીતા પ્રેમવતી રેસ્ટોરન્ટના બિનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની દરખાસ્તને સત્તાવાર રીતે ફગાવી દેવામાં આવી છે. મ્યુ. કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા ઓર્ડર મુજબ, આ એકમ દ્વારા બાંધકામની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જણાતા 'ઓર્ડર ટુ રિફ્યુઝ રેગ્યુલરાઈઝેશન' (ફોર્મ-ડી) જારી કરવામાં આવ્યો છે. ટાઉન પ્લાનિંગ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વારંવાર પૂર્તતા કરવા તક આપ્યા છતાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવતા કડક નિર્ણય લેવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કલેક્ટર તંત્ર દ્વારા રૂ. 13,13,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ અને ઉપલબ્ધ દસ્તાવેજો મુજબ, વાવડી ગામના રેવન્યુ સર્વે નંબર 38/1P અને ટી.પી. સ્કીમ નંબર 21 માં આવેલા ફાઈનલ પ્લોટ નંબર 7/1 ઉપર આ બાંધકામ કરવામાં આવ્યું છે. આ મિલકત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ હસ્તક છે. અગાઉ તંત્રએ તારીખ 21/06/2025 ના રોજ પૂર્તતા પત્રક નં. 1006 પાઠવીને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે સમય મર્યાદા આપવામાં આવી હતી. જોકે, આ નિર્ધારિત સમય મર્યાદામાં જરૂરી પૂર્તતા કરવામાં સંસ્થા નિષ્ફળ રહી હતી. મુખ્યત્વે ત્રણ કારણોસર આ ઇમ્પેક્ટ પ્લાન નામંજૂર કરવામાં આવ્યો છે. જેમાં સંસ્થા દ્વારા ટી.પી. અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો નથી. અને ફાયર વિભાગનું NOC પણ આપવામાં આવ્યું નથી. જે પણ જાહેર સુરક્ષા અને અહીં આવતા લોકોની સલામતી માટે અત્યંત અનિવાર્ય છે. તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની નિયંત્રણ રેખા તેમજ NOC પણ રજૂ કરવામાં આવ્યું નથી. આ મામલે અગાઉ જમીન મહેસૂલ નિયમોના ઉલ્લંઘન બદલ અને બિનખેતીના હેતુફેર માટે રૂ. 13,13,000 જેવી માતબર રકમ પણ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી હતી. છતાં, 'ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-2022' હેઠળ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની પાયાની જરૂરિયાતો અને નિયમોનું પાલન નહીં થતા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર દ્વારા અંતે આ પ્લાનને રિજેક્ટ કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો અરજદાર આ હુકમથી નારાજ હોય, તો તેઓ નોટિસ મળ્યાના 60 દિવસની અંદર આ ઓર્ડિનન્સની કલમ 12 હેઠળ નિમાયેલા એપેલેટ ઓફિસર સમક્ષ અપીલ દાખલ કરી શકે છે. આ સાથે જ અપીલ દાખલ કર્યાના 15 દિવસમાં સત્તાધિકારીને જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. હાલમાં આ પ્લાન નામંજૂર થતા પ્રેમવતી રેસ્ટોરન્ટનાં બાંધકામ ઉપર કાયદેસરની તલવાર લટકી રહી છે. ત્યારે આ મામલે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ક્યારે અને શું જવાબ અપાય છે તે જોવું રહ્યું.
ગુજરાત ભાજપ દ્વારા રાજ્ય અનુશાસન સમિતિની રચના જાહેર કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ આ સમિતિના સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે. સમિતિમાં અનુભવી નેતાઓને સ્થાન અપાયું છે, જેમાં રજનીભાઇ પટેલને સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમામ નેતાઓ રાજ્યમાં સંગઠનને મજબૂત બનાવવા માટે મદદરૂપ બનશેસમિતિમાં સભ્ય તરીકે શબ્દસરણ બ્રહ્મભટ્ટ, રાજેશભાઈ પટેલ, દિલીપસિંહ પરમાર (પૂર્વ મંત્રી, રાજ્ય સરકાર), પીયુષભાઈ દેસાઈ (પૂર્વ ધારાસભ્ય) અને બીનાબેન આચાર્ય (પૂર્વ પ્રદેશ મંત્રી)ને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ નેતાઓ અલગ-અલગ જિલ્લાઓમાંથી આવતાં હોવાથી સમગ્ર રાજ્યમાં સંગઠનને મજબૂત બનાવવા માટે મદદરૂપ બનશે. ભાજપ સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે આ સમિતિ અસરકારકપાર્ટી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અનુશાસન સમિતિ સંગઠનમાં શિસ્ત જાળવવા, આંતરિક વિવાદો ઉકેલવા અને કાર્યકર્તાઓ વચ્ચે સંવાદ વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આગામી સમયગાળામાં ભાજપ સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે આ સમિતિ અસરકારક સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી શ્રીરામનગર સોસાયટીમાં 29 માર્ચ રવિવારની રાત્રે કમકમાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. માત્ર સિગારેટ પીવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક 20 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે. અમરોલી પોલીસે ગુનાની ગંભીરતા સમજી ગણતરીના કલાકોમાં જ આરોપીને રિંગ રોડ પાસેથી દબોચી લીધો છે. સિગારેટ પીવાની ના પાડતા ઝઘડો થયોબનાવની વિગત મુજબ, આરોપી શોહેબ ઉર્ફે બંગાળીના ઘર પાસે એક પાણીપુરીની લારી ચલાવતો શખ્સ સિગારેટ પી રહ્યો હતો. શોહેબે તેને પોતાના ઘર પાસે સિગારેટ પીવાની ના પાડી ટોક્યો હતો. આ સામાન્ય બાબતને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, તે સમયે આસપાસના લોકોએ સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો, પરંતુ આ વિવાદનો અંત આવ્યો નહોતો. બપોર બાદ ફરી મામલો ગરમાયોબપોરના સમયે પાણીપુરીની લારી ચલાવનાર શખ્સ તેના અન્ય મિત્રોને લઈને ફરી શોહેબ પાસે પહોંચ્યો હતો. સિગારેટ પીવાના મુદ્દે ફરી એકવાર જૂની અદાવત તાજી થઈ અને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ગાળાગાળી અને ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. સમાધાન કરાવવા ગયેલા મહેન્દ્ર પર હુમલોજ્યારે શોહેબ અને પાણીપુરીવાળા વચ્ચે ઝઘડો ચાલતો હતો, ત્યારે પડોશમાં રહેતો 20 વર્ષીય મહેન્દ્ર બાબુલાલ રાજપૂત ત્યાં આવી પહોંચ્યો હતો. મહેન્દ્રએ માનવતાના ધોરણે વચ્ચે પડી પાણીપુરીવાળા અને તેના મિત્રોને સમજાવીને ત્યાંથી રવાના કર્યા હતા. મહેન્દ્રનો ઈરાદો માત્ર ઝઘડો શાંત કરાવવાનો હતો, પરંતુ કમનસીબે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ. ‘તું કેમ વચ્ચે પડે છે’ કહી શોહેબ લાલચોળ થયોપાણીપુરીવાળા ગયા બાદ શોહેબનો ગુસ્સો મહેન્દ્ર પર ઉતાર્યો હતો. શોહેબને એ વાતની ખીજ હતી કે મહેન્દ્રએ કેમ વચ્ચે પડીને પેલા લોકોને જવા દીધા. બંને વચ્ચે ફરી બોલાચાલી શરૂ થઈ અને આવેશમાં આવી ગયેલા શોહેબે મકાન નં. 2050 પાસે મહેન્દ્ર પર છરા વડે હુમલો કરી દીધો હતો. શોહેબે મહેન્દ્રની પીઠના ભાગે જોરદાર ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં મહેન્દ્રનું ઘટનાસ્થળે જ મોતહુમલો એટલો ભયાનક હતો કે મહેન્દ્ર લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આસપાસના લોકો દોડી આવે તે પહેલાં જ મહેન્દ્રનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. 20 વર્ષીય આશાસ્પદ યુવકની હત્યાથી સમગ્ર શ્રીરામનગર સોસાયટીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અમરોલી પોલીસે આરોપીને રિંગ રોડ પાસેથી ઝડપી પાડ્યોહત્યાની જાણ થતા જ અમરોલી પોલીસ સ્ટેશનનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તુરંત જ આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી શોહેબ ઉર્ફે બંગાળીને અમરોલી રિંગ રોડ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી માત્ર એક મહિના પહેલા જ સુરત આવ્યો હતોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલો આરોપી શોયેબ ઉર્ફે બંગાળી ઉર્ફે અમન અકબર હુશેન હજારીકા (ઉ.વ. 25) મૂળ આસામનો વતની છે. તે માત્ર એક મહિના પહેલા જ આસામથી સુરત મજૂરીકામ માટે આવ્યો હતો. જ્યારે મૃતક મહેન્દ્ર રાજપૂત છેલ્લા એકાદ વર્ષથી અહીં રહી એમ્બ્રોડરીના વ્યવસાય સાથે જોડાયેલો હતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીમૃતક મહેન્દ્રના ભાઈ સુરજ રાજપૂતની ફરિયાદના આધારે પોલીસે શોહેબ વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે કે આ અગાઉ તેની કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ છે કે કેમ. માત્ર એક સિગારેટના ધુમાડાએ એક યુવાનનો જીવ લીધો અને બીજાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
હિંમતનગર તાલુકાના દલપુર ગામે રૂ. 25 લાખના ખર્ચે બનેલા નવીન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે દલપુર ગામ માટે રૂ. 80 લાખના સી.સી. રોડને મંજૂરી મળતા ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ રાજ્ય સરકાર અને ધારાસભ્ય વી.ડી. ઝાલાનો આ વિકાસલક્ષી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં APMCના પૂર્વ ડિરેક્ટર નરસિંહભાઈ પટેલ, આગિયોલ સેવા સહકારી મંડળીના ચેરમેન રવિભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ, મોડાસિયા કડવા પાટીદાર કારોબારી સભ્ય સુરેશભાઈ પટેલ, NRI કનુભાઈ પટેલ, જશુભાઈ પટેલ, સરપંચ રીટાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ વિક્રમસિંહ રાઠોડ, પંચાયત સભ્યો સંગીતાબેન દરજી, ચંદુસિંહ પરમાર, સુરેખાબેન પટેલ, ગાયત્રીબેન પટેલ, લીલાબેન પટેલ, હસમુખસિંહ પરમાર, કૌશિકભાઈ આસોડિયા, જીતેન્દ્રભાઈ પટેલ, તલાટી કમ મંત્રી ઉમંગીબેન પટેલ, અરવિંદભાઈ પરમાર, બાબુભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને જયેશભાઈ પરમાર સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલા ધાનેરા નિવાસે ઉપાશ્રયમાં આગામી દિવસોમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય મોહત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ મંગલ પ્રસંગે જૈન મુનિ સાગરચંદ્ર મહારાજને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. જોકે, તેમની પધરામણી સાથે જ વિવાદનો વંટોળ શરૂ થયો છે. અનેક જૈન મહિલાઓ અને શ્રાવિકાઓ દ્વારા આ મુનિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, જે સાધુ સામે સાધ્વીજીઓ અને શ્રાવિકાઓના શારીરિક શોષણના ગંભીર આરોપો છે તેમને આવા પવિત્ર પ્રસંગે બોલાવવા યોગ્ય નથી. આ વચ્ચે જૈન મુનિનો કથિત ઓડિયો પણ વાઇરલ થયો હતો. તો બીજી તરફ મુનિ વિરૂદ્ધ અવાજ ઉઠાવનાર અને ફરિયાદ કરનાર મહિલાઓને અજાણ્યા નંબરોથી ધમકી મળી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદી મહિલાએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા આ મામલે તપાસ તેજ કરી છે, ત્યારે આક્ષેપ-પ્રતિઆક્ષેપના જંગથી જૈન શાસનમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કમિશનર કચેરીએ મહિલાઓની ઉગ્ર રજૂઆત28 માર્ચ શનિવારના રોજ સુરત જૈન સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી. આ મહિલાઓએ આવેદન આપીને જૈન મુનિ પર ચારિત્ર્યહીનતાના ગંભીર આક્ષેપો કર્યા હતા. મહિલાઓનું કહેવું છે કે, ધર્મના ઓઠે આવા શિથિલાચાર ચલાવી લેવાય નહીં. આ વિરોધ પ્રદર્શન બાદ સમગ્ર સુરત જૈન સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. મહિલાઓએ સ્પષ્ટ માંગ કરી છે કે, જો આવા મુનિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે તો સમાજની છબી ખરડાશે અને શાસનની ગરિમાને હાનિ પહોંચશે, જેથી તેમની સામે કડક તપાસ થવી જોઇએ. જુનો કથિત ઓડિયો વાઇરલ થતા વિવાદ વકર્યોઆ વિવાદમાં ઘી હોમવાનું કામ એક કથિત ઓડિયો ક્લિપે કર્યું હતું. સોશિયલ મીડિયામાં જૈન મુનિનો એક જૂનો ઓડિયો વાઇરલ થયો હતો, જેમાં વાંધાજનક વાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિરોધ કરી રહેલી મહિલાઓ આ ઓડિયોને પુરાવા તરીકે રજૂ કરી રહી છે. આ ઓડિયો વાઇરલ થતા જ સામાન્ય જૈન શ્રાવકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ ઓડિયો અંગે પણ જૈન મુનિએ સ્પષ્ટતા કરી છે. 'વિરોધ કરનારા લોકો મળ્યા નથી કે મને કંઈ પૂછ્યું પણ નથી'વિવાદનો મધપૂડો છંછેડાયા બાદ આખરે જૈન મુનિ સાગરચંદ્ર મહારાજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું સુરત આવ્યો છું, પરંતુ વિરોધ કરનારા લોકો મને મળ્યા નથી. મને કંઈ પૂછ્યું પણ નથી. તેમને આ ન્યૂઝ કોણે આપ્યા અને શા માટે તેઓ આવું કરી રહ્યા છે તેની મને કોઈ જાણ નથી. 'અગાઉ પણ કોઈ વ્યક્તિએ આવી રીતે આરોપો લગાવ્યા હતા'પોતાના બચાવમાં મુનિએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા પણ કોઈ વ્યક્તિએ આવી જ રીતે આરોપો લગાવ્યા હતા. તે સમયે ગુરૂ ભગવંતો દ્વારા વકીલ મારફતે નોટિસ મોકલવામાં આવી હતી અને પુરાવા માંગવામાં આવ્યા હતા. પરંતુ સામા પક્ષે ત્રણ-ત્રણ નોટિસો મોકલ્યા છતાં કોઈ જ પુરાવા આપ્યા નહોતા. ત્યાર બાદ ગચ્છાધિપતિએ આ બાબતે તપાસ કરાવી હતી અને જાહેર કર્યું હતું કે, આમાં કોઈ સત્ય નથી અને વિવાદનો અંત લાવવો જોઇએ. તેમણે આ બાબતે શાસનની મર્યાદા જાળવવાની પણ વાત કરી હતી. 'વ્યાખ્યાનમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે'સાગરચંદ્ર મહારાજે જણાવ્યું હતું કે, જે સંઘમાં તેઓ પધાર્યા છે ત્યાં કોઈ વિરોધ નથી. 1100થી 1200 લોકોનો આ સંઘ એક થઈને કાર્ય કરી રહ્યો છે. તેમને છ મહિના પહેલા ઉજ્જૈન અને પાર્શ્વપુરમમાં વિધિવત ઠરાવ કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અત્યારે પ્રતિદિન વ્યાખ્યાન ચાલે છે અને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. સંઘમાં પ્રતિષ્ઠા મહોત્સવને લઇને ભારે ઉત્સાહ છે અને આયંબિલની ઓળી જેવી આરાધનાઓ પણ ખૂબ જ સુંદર રીતે ચાલી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. 'કમિશનર કચેરીથી 50% બહેનો પરત નીકળી ગઈ હતી'મહિલાઓના વિરોધ પર કટાક્ષ કરતા મુનિએ કહ્યું કે, બહેનોના એક વિહાર સેવા ગ્રુપમાં એવો મેસેજ નાખવામાં આવ્યો હતો કે, શાસનનો પ્રશ્ન છે એટલે કમિશનર કચેરીએ આવો. ત્યાં ગયા પછી 50 ટકા બહેનોને ખબર પડી કે વિષય અલગ છે. એટલે તેઓ ત્યાંથી નીકળી ગઈ હતી. મુનિએ દાવો કર્યો હતો કે, તેમના જ સંઘની આઠ-દસ બહેનો જે ત્યાં ગઈ હતી તેઓ પણ હકીકત જાણતા જ પરત આવી ગઈ હતી. ઘણી બહેનોએ તો તે ગ્રુપમાંથી રાજીનામું પણ આપી દીધું છે. સીધા પોલીસ કમિશનર પાસે જવાનો અર્થ શું?જૈન મુનિએ વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ પ્રશ્ન હોય તો આચાર્ય, ભગવંતો કે સંઘ પાસે જવું જોઇએ. સીધા પોલીસ કમિશનર પાસે જવાનો અર્થ શું? તેમણે વિરોધને 'ડ્રામાબાજી' ગણાવતા કહ્યું કે, જો ખરેખર કંઈ ખોટું હોય તો ત્યાં 15-20 બહેનો નહીં પણ હજારોની મેદની હોત. જેમ શિખરજી બચાવવા માટે લાખો જૈનો રસ્તા પર ઉતર્યા હતા. તેમ શિથિલાચાર સામે પણ જૈન સમાજ જાગૃત જ હયો છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ માત્ર બદનામ કરવાનું કાવતરું છે. 'અમે આ બાબતે લીગલી કાર્યવાહી કરવાના છીએ'વાઇરલ ઓડિયો અંગે પૂછતા મુનિએ સ્પષ્ટ કર્યું કે, તેઓ સોશિયલ મીડિયામાં નથી એટલે તેમને મોડેથી જાણ થઈ. તેમણે આ ઓડિયોને સત્યથી વેગળો ગણાવ્યો છે. મુનિએ કહ્યું કે, અમારી પાસે તમામ દસ્તાવેજો છે અને અમે આ બાબતે લીગલી કાર્યવાહી કરવાના છીએ. કોર્ટમાં કેસ ચાલુ છે અને ત્યાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. તેમણે ભગવાન પર શ્રદ્ધા વ્યક્ત કરતા કહ્યું કે, સત્યની જીત થશે અને વિરોધીઓને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના છે. 'અવાજ ઉઠાવનાર મહિલાઓને અજાણ્યા નંબરો પરથી ધમકી'તો બીજી તરફ આવેદનપત્ર આપવા આવેલી મહિલાઓએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. એક મહિલાએ પોલીસ કમિશનરને જણાવ્યું હતું કે, જ્યારથી તેમણે મુનિ વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે અને ફરિયાદ કરી છે, ત્યારથી તેમને અજાણ્યા નંબરો પરથી ધમકીઓ મળી રહી છે. આક્ષેપ છે કે, તેમને ડરાવવા-ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ મામલે પોલીસે હવે તપાસ તેજ કરી છે. 'અમારી બધી બહેનોને ફોન કરી માનસિક ત્રાસ આપી રહ્યા છે'ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, અમે બધી બહેનોએ ભેગા થઈને પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું કે, આવા સાધુ સમાજમાં ચાલે નહીં તમે નિષ્પક્ષ તપાસ કરાવો. અમે બધી બહેનો કમિશનરની ઓફિસે ભેગા થયા હતા, પરંતુ શનિવારે બધુ મીડિયામાં આવતા સાગરચંદ્ર મહારા સાહેબ અને એમના માણસો અને અમુક અમારા સંઘના માણસો અમારી બધી બહેનોને ફોન કરીને માનસિક ત્રાસ આપી રહ્યા છે. અત્યારે આ બાબતની રજૂઆત કરવા માટે અમે કમિશનરને મળવા આવ્યા હતા. અમારી બહેનોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદરની સેશન્સ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી છે. આ કેસની વિગતો મુજબ, વર્ષ 2024માં વિસાવદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, તેમની 16 વર્ષની સગીર દીકરીને શાહરૂખ બચુશા ગુલજારશા શેખ નામનો શખ્સ લલચાવી-ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે આરોપીએ સગીરાને પોતાની સાથે લઈ જઈ એક ટ્રાવેલ્સ બસમાં તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસમાં પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાં પીડિતાની શાળાના દસ્તાવેજો મુજબ તેની ચોક્કસ ઉંમર 15 વર્ષ, 8 માસ અને 2 દિવસ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. કાયદાકીય દ્રષ્ટિએ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ 'બાળક'ની વ્યાખ્યામાં આવતી હોવાથી આ સમગ્ર કેસ પોકસો (POCSO) એક્ટ હેઠળ ચલાવવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 363, 366, 376(3) અને પોકસો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. અદાલતી કાર્યવાહી દરમિયાન ફરિયાદી પક્ષ દ્વારા મજબૂત દલીલો અને પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ 10 મૌખિક સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં પીડિતાની જુબાની સૌથી મહત્વની સાબિત થઈ હતી. પીડિતાએ કોર્ટ સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આરોપીએ તેને બસમાં બેસાડીને તેની છેડતી કરી હતી અને ત્યારબાદ પરાણે શારીરિક સંબંધ બાંધ્યો હતો. સાક્ષીઓ ઉપરાંત મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન, તબીબી રિપોર્ટ અને એફ.એસ.એલ. અહેવાલ જેવા દસ્તાવેજી પુરાવાઓએ આરોપીના ગુનાને સાબિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બચાવ પક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે સગીરા પોતાની મરજીથી આરોપી સાથે ગઈ હતી. જોકે, અદાલતે આ દલીલને ફગાવી દેતા અવલોકન કર્યું હતું કે, કાયદા મુજબ સગીર વયની વ્યક્તિની સંમતિનો કોઈ અર્થ રહેતો નથી. ન્યાયાધીશે નોંધ્યું કે પીડિતાનો પુરાવો વિશ્વાસપાત્ર છે અને તેમાં કોઈ વિરોધાભાસ જણાતો નથી. આરોપીએ પોતાની ગરીબ આર્થિક સ્થિતિ અને પરિવારની જવાબદારીનો હવાલો આપી સજામાં રાહતની માંગ કરી હતી, પરંતુ અદાલતે ગુનાની ગંભીરતા અને સમાજ પર તેની પડતી અસરને ધ્યાને રાખી કોઈ પણ પ્રકારની નરમાશ દાખવવાનો ઇનકાર કર્યો હતો. જૂનાગઢ જિલ્લાના ચોથા અધિક સત્ર ન્યાયાધીશ હેતલકુમાર વિનોદરાય જોશીએ તારીખ 30 માર્ચ, 2026ના રોજ આ કેસમાં ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો. અદાલતે આરોપી શાહરૂખ શેખને દોષિત ઠેરવીને પોકસો એક્ટની કલમ 6 હેઠળ મરણ સુધીની સખત આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, આઈપીસીની કલમ 363 હેઠળ અપહરણ માટે 7 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયા દંડ, તેમજ કલમ 366 હેઠળ 10 વર્ષની સખત કેદ અને 15,000 રૂપિયા દંડની સજા સંભળાવી છે. આરોપીને કુલ 70,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી આ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે, તો તેણે વધુ 2 વર્ષની સાદી કેદ ભોગવવી પડશે. અદાલતે તમામ સજાઓ એકસાથે ભોગવવાનો હુકમ કર્યો છે. આ સાથે જ ન્યાયાધીશે માનવીય અભિગમ અપનાવી પીડિતાને થયેલા અન્યાય બદલ વળતર આપવાનો પણ આદેશ કર્યો છે. વિસાવદર તાલુકા કાયદાકીય સેવા સમિતિને પીડિતાને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવા સૂચના આપવામાં આવી છે. સમાજમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ વધતા ગુનાઓ વચ્ચે અદાલતનો આ કડક નિર્ણય ગુનેગારો માટે લાલબત્તી સમાન છે. વિસાવદર પંથકમાં આ ચુકાદાને પગલે ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.
બોટાદમાં સરસ્વતી ક્લાસીસ દ્વારા 100 કિલો કિડિયારું વિતરણ:વિદ્યાર્થીઓએ અબોલ જીવો માટે અનોખી સેવા કરી
બોટાદ શહેરમાં સરસ્વતી ટ્યુશન ક્લાસીસ દ્વારા અબોલ જીવો માટે 100 કિલો કિડિયારું (જુદા જુદા અનાજ અને ખાદ્ય સામગ્રી) તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માનવતા અને બંધારણીય મૂલ્યોનું સિંચન કરવાનો હતો. આ કાર્યમાં ક્લાસીસના સંચાલક જયેશ સર, શિક્ષક ટીમ, વિદ્યાર્થીઓ અને તેમના મિત્રમંડળનો સહયોગ પ્રાપ્ત થયો હતો. સૌએ સાથે મળીને આ 100 કિલો કિડિયારું તૈયાર કર્યું હતું.તૈયાર કરાયેલું કિડિયારું કીડીઓ સહિતના અન્ય જીવો વસવાટ કરતા હોય તેવા શહેરના જુદા જુદા સ્થળોએ મૂકવામાં આવ્યું હતું. આ સેવાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો હતો કે કોઈ પણ અબોલ જીવ ભૂખ્યો ન રહે. સામાન્ય રીતે લોકો વિવિધ પ્રકારે જીવદયા કરતા હોય છે, ત્યારે આ સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવેલી 100 કિલો કિડિયારુંની સેવાને સ્થાનિક લોકોએ ખૂબ જ સરાહી હતી.
દેશના વડાપ્રધાન આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને રાજ્યમાં વિકાસની નવી દિશા ખુલવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે વડાપ્રધાન સવારે 9:40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને 10 વાગ્યે કોબા ખાતે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ગાંધીનગર સચિવાલય હેલીપેડ પરથી બપોરે 12 વાગ્યે સાણંદ હેલીપેડ માટે પ્રસ્થાન કરી 12:30 વાગ્યે ત્યાં પહોંચશે અને 12:45 વાગ્યે કેચ સેમીકોન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. બપોરે 2:55 વાગ્યે ફરી અમદાવાદ એરપોર્ટ આવીને ડીસા તરફ જવાના છે. 3:45 વાગ્યે વાવ-થરાદના નાણી ગામે ₹19,800 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને સાંજે 5:05 વાગ્યે ડીસાથી આસામ માટે રવાના થશે. વાઘાણીએ કહ્યું કે વડાપ્રધાનના દરેક પ્રવાસનો હેતુ રાજ્ય અને દેશને સુખાકારી તરફ આગળ વધારવાનો હોય છે. 30 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાણી વગરની માછલી જેવી તરફડી રહી છેઆ સાથે કોંગ્રેસ પર નિશાન સાધતા વાઘાણીએ કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાણી વગરની માછલી જેવી તરફડી રહી છે. ભૂતકાળમાં થયેલા ભ્રષ્ટાચાર અને કૌભાંડો માટે કોંગ્રેસ જવાબદાર હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં ચાલી રહેલા વિકાસકાર્યો વચ્ચે કોંગ્રેસ માત્ર આક્ષેપો કરી રહી છે અને પક્ષમાં આંતરિક ગેરસમજૂતી પણ સામે આવી રહી છે. “કોંગ્રેસના સર્ટિફિકેટની જરૂર નથી, જનતા વિકાસ જોઈ રહી છે,” એમ તેમણે જણાવ્યું. ખેડૂતોના પ્રશ્નોને લઈને પણ સતત સંવાદ ચાલુખેડૂતોના પ્રશ્નોને લઈને વાઘાણીએ જણાવ્યું કે, સરકાર ખેડૂત હિત માટે પ્રતિબદ્ધ છે અને ભારતીય કિસાન સંઘ સાથે સતત સંવાદ ચાલી રહ્યો છે. સુજલામ સુફલામ અને સૌની યોજના હેઠળ તળાવો-ડેમ ભરવાના નિર્ણયોથી ખેડૂતોને ફાયદો થશે. ફુવારા અને ડ્રિપ સિંચાઈ માટે સબસિડી વધારવા વિચારણા ચાલી રહી છે. ઉપરાંત ટ્રેક્ટર-ટ્રોલી પાસિંગમાં 5 વર્ષની છૂટ, તાર ફેન્સિંગ સબસિડીમાં ફેરફાર, રનીંગ ફુટ સહાયમાં 33% વધારો જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાતર વિતરણ વ્યવસ્થામાં સુધારા માટે નવી પોલિસી લાવવામાં આવશે તેમજ વીજ ટાવર વળતર મુદ્દે પણ સરકાર નીતિ બનાવશે. બટાકા સહાય મુદ્દે તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે અને જરૂરી હોય ત્યાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
યુદ્ધ પહેલાં ટ્રમ્પ ઈરાનીઓને કહેતા હતા કે તમારા શાસકો સામે બળવો કરો, મદદ રસ્તામાં છે. પણ આજે ઈરાનીઓ તો શાંત છે, પરંતુ લાખો અમેરિકનોએ ટ્રમ્પ સામે મોરચો માંડ્યો છે. જીહાં, 28 માર્ચથી ટ્રમ્પ સામે અમેરિકામાં એક જનજુવાળ શરૂ થયો છે જેમાં અત્યાર સુધીમાં આવેલા લેટેસ્ટ ડેટા કહે છે કે 90 લાખ જેટલા લોકો રસ્તા પર ઉતરી ગયા છે. આ આંદોલનનું નામ છે નો કિંગ્સ આંદોલન. ડોનાલ્ડ ટ્રમ્પે એવું તો શું કર્યું કે અમેરિકાની જનતાના ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો અને તેનાથી આવનાર મિડ ટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પને કેટલું નુકસાન થઈ શકે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર... નો કિંગ્સ પ્રોટેસ્ટમાં અમેરિકાના 50 જેટલા રાજ્યોમાં અંદાજે 3200-3300 જેટલી જગ્યાઓ પર વિરોધ થયો. પણ એક સવાલ થાય કે આ આંદોલનનું નામ નો કિંગ્સ પ્રોટેસ્ટ કેમ છે? તો તેની પાછળ જવાબદાર છે અમેરિકાનું બંધારણ. અમેરિકામાં લોકશાહી છે રાજાશાહી નથી. લોકો નેતાઓને ચૂંટે છે પેઢી દર પેઢી રાજાઓ નથી બનતા અને રાજાઓ કહે તેમ દેશ ચાલે એવું પણ નથી. ડોનાલ્ડ ટ્રમ્પના તરંગી નિર્ણયો જ લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે જેના કારણે જ લોકો હેરાન થઈને કહી રહ્યા છે કે તમે રાજા નથી રાષ્ટ્રપતિ છો, તમારી હદમાં રહો. ખેર અહીં એક નંબર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે અમુક લોકો આ આંદોલનને નો કિંગ્સ સિવાય 50-50-1 આંદોલન પણ કહી રહ્યા છે. જેનો મતલબ છે અમેરિકાના તમામ 50 રાજ્યોમાં તમામ 50 જગ્યાઓ પર એક જ ઉદ્દેશ્ય સાથે આંદોલન થાય. અહીં આંદોલન કરનાર લોકોનું કહેવું છે કે ટ્રમ્પ સંસદને પૂછ્યા વગર નિર્ણયો લઈ રહ્યા છે. આવું તો રાજાઓ કરતા હોય છે અને અમેરિકામાં રાજા નહીં રાષ્ટ્રપતિ મેઈન હોય છે. માટે આપણે હવે એ સમજવું પણ જરૂરી બની જાય કે કયા એવા પાંચ કારણો છે જેના કારણે 90 લાખથી વધુ લોકો ખાલી 2 જ દિવસમાં આટલું મોટું આંદોલન કરી રહ્યા છે. વિરોધ કરનારા લોકોનું માનવું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ન્યાય વ્યવસ્થા અને સંસદને સિરિયસલી નથી લેતા અને રાજાની જેમ પોતાને નિયમોથી ઉપર સમજે છે. ઈરાન સાથેનું યુદ્ધ ઈઝરાયલનું હતું છતાં નેતન્યાહુની ઉશ્કેરણી અને ખુશામદીના કારણે લેવા-દેવા વગર અમેરિકાને જંગમાં ઉતારી દીધું. જેના કારણે તેલ અને ગેસના ભાવ ખૂબ જ વધી ગયા છે અને લોકો પર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. સૌથી મોટો ટર્નિંગ પોઈ્ટ ત્યારે આવ્યો જ્યારે સેન્ટ પોલ મિનેસોટામાં ફેડરલ એજન્ટે ઈમિગ્રેશન ક્રેકડાઉન સમયે રેની ગુડ અને એલેક્સ પ્રેટી નામના અમેરિકન્સ પર ગોળી ચલાવી અને તેમના વગર કારણે મોત થઈ ગયા. આંદોલનકારીઓનું માનવું છે કે ઓપરેશન મેટ્રો સર્જમાં જે હત્યાઓ થઈ તેમાં સુરક્ષાની જવાબદારી ફેડરલ એજન્ટ્સની હતી. માટે પ્રદર્શનકારીઓ ફેડરલ એજન્ટ્સને અર્બન મિલિટરી કહી રહ્યા છે. વિરોધમાં ટ્રમ્પને ICE એજન્ટ કહેવાના પણ નારા લાગી રહ્યા છે. કારણ કે તેમણે ઓપરેશન ક્લીન સ્વીપ કરીને હજારો લોકોને અમેરિકામાંથી રાતોરાત કાઢીને પોત-પોતાના દેશભેગા કરી દીધા હતા. આ સમયે અમેરિકન્સના ઘરે-ઘરે જઈને ઓપરેશન્સ કર્યા હતા અને તેનાથી લોકો હેરાન થયા હતા. ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસતા બીજા દેશના લોકોનો દેશ નિકાલ કરવા માટે ટ્રમ્પે ઓપરેશન ક્લિન સ્વિપ ચલાવ્યું હતું. જે ICE દ્વારા ચલાવવામાં આવ્યું હતું. એટલે જ આંદોલનકારીઓ ICE નામના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટનો વિરોધ કરી રહ્યા છે. ટ્રમ્પના પહેલા ટર્મમાં તેણે ચીન સાથે ટેરિફ વોર કરી હતી અને હાલમાં પણ અનેક દેશો પર અમેરિકન ફર્સ્ટ નીતિના નામે ટેરિફનો વરસાદ કર્યો જેના કારણે યુરોપ સહિત મિત્ર દેશો પણ ધીમે ધીમે અમેરિકાથી દૂર થઈ ગયા. અમેરિકાને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે 28 ફેબ્રુઆરીએ ઈરાનના મીનાબમાં એક ગર્લ્સ સ્કૂલ પર બોમ્બમારો કર્યો. આ હુમલામાં નિર્દોષ 170 બાળકીઓના મોત થયા. નિર્દોષોનું લોહી વહેતા અમેરિકા સહિત આખી દુનિયામાં આ પગલા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો. આના પર વિરોધમાં એવા નારા બોલવામાં આવી રહ્યા છે કે ઈઝરાયેલી રાજાઓના ઈશારે અમેરિકાની લોકશાહી પર દબદબો બનાવવામાં આવી રહ્યો છે. હવે વાત લોકશાહીની કરીએ જેનો મતલબ ડોનાલ્ડ ટ્રમ્પને ખબર છે પણ તેમને આ શબ્દથી પડી કંઈ નથી. જાણીને નવાઈ લાગશે કે થોડા દાયકાઓમાં અમેરિકામાં થયેલા ટોપ 5 મોટા જનજુવાળ કે આંદોલનમાં ચાર ટ્રમ્પના સમયગાળામાં થયા છે. આપણે એ પણ જાણવું જોઈએ કે 1970માં અમેરિકામાં અર્થ ડે આંદોલનમાં 20 લાખ લોકો રસ્તા પર ઉતર્યા હતા પણ તે રાજકારણના લીધે નહીં પણ પર્યાવરણ વિષય પર આંદોલન હતું. નો કિંગ્સ 3.0માં મિનેસોટાનું સેન્ટ પોલ આંદોલનનું કેન્દ્ર બિંદુ છે. વોશિંગ્ટડન ડીસીમાં તો એટલી ભીડ જામી કે લેવલ ફોરનું લોકડાઉન લગાવવું પડ્યું. લોસ એન્જલસ અને ન્યૂયોર્કમાં પણ રસ્તાઓ જામ થઈ ગયા હતા. હવે વાત કરીએ કે ટ્ર્મ્પ સરકાર સામેના આંદોલનમાં વ્હાઈટ હાઉસે શું કહ્યું. જાણીને નવાઈ લાગશે કે 90 લાખથી વધુ લોકો એટલે કે લગભગ આખા અમદાવાદ શહેરમાં જેટલા લોકો હશે તેટલા લોકોએ વિરોધ કર્યો પણ ટ્રમ્પના પેટનું પાણી ન હલ્યું. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેલ જેક્સને કહ્યું કે આ ટ્રમ્પ ડીરેન્જમેન્ટ થેરાપી સેશન્સ છે, ફાર લેફ્ટિસ્ટ નેટવર્કે આંદોલનમાં ફંડીંગ કર્યું છે, લોકોનો કોઈ ટેકો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે તો આ આંદોલનને જોક કહી દીધું. તેમણે કહ્યું કે તે લોકો મને રાજા કહે છે પણ હું આ દેશને મહાન બનાવવા માટે રાત-દિવસ સખત મહેનત કરું છું. ટ્રમ્પ સરકારે તો દુનિયામાં ફજેતી ન થાય તેના માટે આંદોલનને કચડવા AI જનરેડેટ વીડિયો પણ ફેલાવ્યા. પણ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ આંદોલનો થાય તો પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા રસ્તા પર ઉતરે છે. આ આંદોલનને દબાવવા પણ ટ્રમ્પે પોલીસનો ભરમાર ઉપયોગ કર્યો. લોસ એન્જલ પોલીસ ડિપાર્ટમેન્ટે ટેક્ટિકલ અલર્ટ જાહેર કર્યા. ડેનવરમાં આંદોલનોને ગેરકાયદેસર ગણાવી દેવાયા. પોલીસે લોકોને રોકવા ટીયર ગેસ, સ્મોક બોમ્બ, ફ્લેશ બેગ્સ અને રબરની ખોટી ગોળીઓ પણ વરસાવી. આંદોલન રોકવા પોલીસે LAમાં 75થી વધુ લોકોની ધરપકડ કરી હતી. કેલિફોર્નિયા અને વોશિંગ્ટન ડીસીના ગવર્નરોની મરજી વગર ટ્રમ્પે ત્યાં નેશનલ ગાર્ડ્સ ઉતારી દીધા છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે લાખો લોકો રસ્તા પર ઉતરે છે તો તે ભીડને સંભાળવી કે મેનેજ કરવી અઘરી થઈ જાય છે. નાનું એવું પણ છમકલું થાય તો ભીડ હિંસા કરી બેસે તેનો પણ ખતરો હોય છે. આવું ન થાય તેના માટે આંદોલનકારીઓ ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. વેબસાઈટ્સથી 3 હજારથી વધુ જગ્યાઓ પર થતી રેલીઓને સ્વયંસેવકોથી મેનેજ કરાય છે. સરકાર ઈન્ટરનેટ બંધ કરે તો મેશ નેટવર્કની પણ વ્યવસ્થા ઉભી કરવાનો વિચાર છે. મેસેજ પકડી ન શકાય કે સરકાર વાંચી ન શકે તેના માટે સિગ્નલ કે બ્લૂ સ્કાય જેવી એપ્સ પણ યુઝ કરવામાં આવી રહી છે. લોકો ટ્રમ્પના મોટા ફુગ્ગા ફુલાવને રેલી કરી રહ્યા છે જેમાં ટ્રમ્પ બાળક છે અને બંધારણનું પુસ્તક ઉંધું છે. ICEની જગ્યાએ LICE લખીને ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટની ઠેકડી કરવામાં આવી રહી છે. માત્ર અમેરિકામાં જ નહીં પણ દુનિયાના અનેક ભાગોમાં પણ અમેરિકન્સ વિરોધ કરી રહ્યા છે. જ્યારે આવું બધું થાય એટલે એક સવાલ ઉઠે કે ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અમેરિકાના લોકોને જ પસંદ નથી આવી કે શું? કારણ કે ચૂંટણી સમયે તો ટ્રમ્પે લોકોને યુદ્ધો રોકવાની વાતો કરી હતી. પણ આજે સામાન્ય અમેરિકન નાગરિકોના ટેક્સના રૂપિયેથી જ ઈઝરાયલના ઈરાન યુદ્ધને ફંડ કરવામાં આવી રહ્યું છે. ઈરાન સામે યુદ્ધ ઈઝરાયલનું પણ રૂપિયા અમેરિકાના નાગરિકોના ટેક્સના વપરાઈ રહ્યા છે. આ લોકોથી સહન નથી થઈ રહ્યું કારણ કે અમેરિકામાં મોંઘવારી વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. હવે આપણે શરૂઆતમાં જે નંબરની વાત કરી હતી તે 50501ને વિગતે જાણીએ. આ કોઈલેશન એટલે કે ગઠબંધન નો કિંગ્સ આંદોલનનું ભેજું છે. જાન્યુઆરી 2025માં જે વિરોધો થયા તેમાં સામાન્ય લોકોને કેમ ભેળવવામાં આવે તે પ્લાનિંગ આ નંબરના ગઠબંધે જ કરી હતી. આ નેટવર્કમાં ઇન્ડિવિઝિબલ, મૂવઓન, લેબર યુનિયન અને ACLU જેવા લોકલ સપોર્ટરના પાવરફુલ ગ્રુપ્સ છે. અહીં પણ ઈરાનની મોઝેઈક સિસ્ટમની જેમ જ કામ થાય છે એટલે કે કોઈ એક શહેરનો મેઈન આંદોલનકારી નેતા જો પકડાઈ જાય તો આંદોલન બંધ ન થઈ શકે. હાર્વર્ડના રિસર્ચર એરિકા ચેનોવેથનું કહેવું છે કે જો દેશની વસ્તીના 3.5 ટકા લોકો સતત અને અહિંસક રીતે કોઈ આંદોલનમાં ભાગ લે તો તે સરકારને બદલવા અથવા નીતિઓના પાયા હલાવવા માટે પૂરતું હોય છે. અમેરિકાની વસ્તી અંદાજે 34 કરોડ છે. ગ્રાઉન્ડ પર અંદાજે 90 લાખ લોકો વિરોધ કરી રહ્યા છે, આ 3.5 ટકાની નજીક છે. માટે ટ્રમ્પ સરકાર માટે 50501 મૂવમેન્ટ ખતરાની ઘંટડી છે. પણ એક સવાલ થાય કે લાખો લોકો રસ્તા પર ઉતરે તેના કરતાં તો ટ્રમ્પ પર મહાભિયોગ લગાવીને પણ રાષ્ટ્રપતિ પદેથી હટાવી શકાય ને? તો હવે આપણે જાણીએ કે ઈમ્પિચમેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ ચલાવવા માટે અમેરિકાના બંધારણમાં શું પ્રોસેસ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિને હટાવવા માટે બે રસ્તા છે. પહેલો છે મહાભિયોગ ચલાવીને. જ્યારે રાષ્ટ્રપતિ દેશદ્રોહ, લાંચ કે બીજા ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય તો ઈમ્પીચમેન્ટથી તેમને હટાવી શકાય. જેના માટે નીચલા ગૃહ એટલે કે હાઉસમાં સામાન્ય બહુમતિથી રાષ્ટ્રપતિ પર ચાર્જશીટ પસાર થાય છે. જે ઉપલા ગૃહ એટલે કે સેનેટમાં જાય છે. અહીં કોર્ટની જેમ ટ્રાયલ ચાલે છે જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ્ટની નજર હેઠળ થાય છે. જો 67 ટકા સભ્યો રાષ્ટ્રપતિને દોષિત કહી દે તો તેમને હટાવી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં એન્ડ્રુ જોનસન, બિલ ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ થયો છે પણ કોઈને હટાવી શકાયા નથી. જો ફરી ટ્રમ્પ પર ઈમ્પીચમેન્ટ થાય તો તેઓ અમેરિકાના એવા રાષ્ટ્રપતિ બની જશે જેના પર ત્રણ-ત્રણવાર મહાભિયોગ લાગ્યો કહેવાશે. બીજો રસ્તો છે ટ્વેન્ટી ફિફ્થ એમેન્ટમેન્ટ એક્ટ. આનો ઉપયોગ ત્યારે કરી શકાય જ્યારે રાષ્ટ્રપતિ શારીરિક કે માનસિક રીતે પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ જાય. આ કેસમાં ઉપરાષ્ટ્રપતિ અને કેબિનેટ લેખિતમાં સંસદને કહે છે કે રાષ્ટ્રપતિ પોતાની ફરજ બજાવી શકે તેમ નથી. આવું થાય તો ઉપરાષ્ટ્રપતિ એક્ટિંગ પ્રેસિડેન્ટ બની જાય છે. પણ રાષ્ટ્રપતિ પાસે હક હોય છે કે તે વિરોધ કરી શકે. જો આવું થાય તો મામલો સંસદમાં જાય. સંસદે 21 દિવસમાં વોટિંગ કરવું પડે. જો 66 ટકા મત મળે તો રાષ્ટ્રપતિને પદ પરથી હટાવી શકાય છે. પણ આવું હાલમાં થઈ શકે તેમ નથી કારણ કે વિરોધ પક્ષ પાસે હાઉસ એટલે કે નીચલી સંસદ અને સેનેટ એટલે કે ઉપલી સંસદમાં બહુમતિ જ નથી કે ટ્રમ્પને હટાવી શકે. તો હવે વાત કરવી પડે આવનાર ચૂંટણીની કે તેમાં ટ્રમ્પની પાર્ટીના નેતાઓ ઓછા જીતે ને ટ્રમ્પને ફરી હટાવવા ટ્રાય કરી શકાય. આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકામાં આ વર્ષે મીડ ડર્મ ઈલેક્શન આવવાનું છે. નો કિંગ્સ આંદોલનની અસર જો ઈલેક્શનમાં દેખાય તો ટ્રમ્પને આ આંદોલન ભારે પડી શકે તેમ છે. ઈન્ડિવિઝિબલ અને 50501 ગઠબંધનો નવા લાખો મતદારોનું રજિસ્ટ્રેશન કરી રહ્યા છે. તેમની ખાસ નજર પેન્સિલવેનિયા, જ્યોર્જિયા અને એરિઝોનામાં છે. કારણ કે અહીં મીડ ટર્મ ઈલેક્શનની રસાકસી ટાઈટ જોવા મળી રહી છે. રોઈટર્સ અને ઈપ્સોસ પોલનું કહેવું છે કે ટ્રમ્પનું નવું એપ્રુવલ રેટિંગ ઘટીને 36 ટકા પર આવી ગયું છે. જે તેમના રાષ્ટ્રપતિ પદના સેકન્ડ ટર્મમાં સૌથી ઓછું છે. ટ્રમ્પ રિપબ્લિકન પક્ષમાંથી આવે છે, ઈડાહો અને ઉટાહ રાજ્યો રિપબ્લિકન્સના ગઢ છે. છતાં આ બંને રાજ્યોમાં વિરોધ પ્રદર્શનની સંખ્યામાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી બાજુ કન્ઝર્વેટિવ્સ ઈરાન સાથેના કારણ વગરના યુદ્ધથી નારાજ છે. જે ટ્રમ્પના નો વોર એજેન્ડાની એકદમ વિરુદ્ધ છે. અને છેલ્લે,... ઈરાન સાથે જંગ છેડીને હવે યુદ્ધ રોકવું કેમ તે મામલે ટ્રમ્પ મુંજાયા છે. એવામાં હવે નિવેદન આપ્યું છે કે વેનેઝુએલા બાદ હવે ક્યૂબાનો વારો છે. આવા નિવેદનોથી દુનિયાનું ધ્યાન ભટકાવી શકશે કે નહીં એ તો હવે સમય જ જણાવશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
બનાસકાંઠા જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે ખુશખબર છે. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે નવીન i-ખેડૂત પોર્ટલ 2.0 (https://ikhedut.gujarat.gov.in) ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેડૂતો 27 માર્ચ, 2026 થી 26 એપ્રિલ, 2026 સુધી આ પોર્ટલ પર અરજી કરી શકશે. આ યોજનાઓમાં કૃષિ યાંત્રિકરણ (જેમ કે મીની ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટીવેટર, ટ્રેલર, પાણીનું ટેન્કર), કાચા/પાકા શાકભાજી મંડપ, હાયબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર, પ્રાકૃતિક કૃષિ, ફળ પાકોમાં ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ (આંબા, જામફળ, કેળ, પપૈયા), ટીશ્યું કલ્ચર ખારેક, કમલમ, દાડમ, સુગંધીત પાકો, ફૂલ અને મસાલા પાકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મધમાખી પાલન માટે સહાય, ખેતર પરના ગ્રેડિંગ-શોર્ટીંગ-પેકિંગ એકમો, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી, નેટ હાઉસ, મલ્ચીંગ, ક્રોપ કવર, વોટર સોલ્યુબલ ખાતર, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, પેકિંગ મટીરીયલ્સ, મહિલા તાલીમાર્થીઓને વૂતિકા સહાય, કોલ્ડ સ્ટોરેજ, રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ, પ્રોસેસિંગ યુનિટ અને સોલાર ક્રોપ ડ્રાયર જેવા વિવિધ ઘટકો પણ ઉપલબ્ધ છે. અરજી કરવા માટે, ખેડૂતોએ સૌપ્રથમ મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ ઓનલાઈન અરજી ભરી, યુઝર મેન્યુઅલ મુજબ જરૂરી કાગળો અપલોડ કરવાના રહેશે. અરજી કન્ફર્મ કર્યા પછી, તેની પ્રિન્ટ આઉટ લઈને ખેડૂતોએ પોતાની પાસે રાખવી ફરજિયાત છે. વધુ માહિતી અને સહાય માટે, ખેડૂતો નાયબ બાગાયત નિયામકની કચેરી, પાલનપુર, બનાસકાંઠાનો સંપર્ક કરી શકે છે.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સરાજાહેર છરીના ઉપરા છાપરી 7 ઘા ઝીંકી યુવકની હત્યા નિપજાવવા કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આરોપી મહેશ ઉર્ફે એમ.ડી.બાબા જેઠવાને શંકા વ્હેમ હતો કે, મૃતક નિલેશ હરિભાઈ ધોકીયા તેની બહેનની પજવણી કરે છે જેથી આરોપી મહેશ ઉર્ફે એમડી બાબાએ નિલેશને સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ માધવ હોટલ પાસે મળવા માટે બોલાવી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતોરાજકોટ શહેરના કાલાવડ રોડ પર સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક ગત તારીખ 3 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે સરાજાહેર હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં શહેરના અંકુર રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા યુવાનની મુળ ખોરાસા ગીરના અને હાલ રાજકોટ રહેતાં યુવાને ક્રુરતા પૂર્વક માત્ર 44 સેકન્ડમાં છરીના 8 ઘા ઝીંકી નિલેશ હરિભાઈ ધોકીયાની હત્યા નિપજાવી હતી અને પછી પોતે સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. હત્યાના બનાવના CCTV પણ સામે આવ્યા હતા જે કબ્જે કરી પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી આરોપી મહેશ દિનેશભાઈ જેઠવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બાદમાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. કોર્ટે જામીન અરજી ફગાવીઆ પછી આરોપી તરફે જામીન ઉપર છૂટવા માટે જામીન અરજી દાખલ થતા સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આબિદ સોસન દ્વારા જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને હાલમાં આરોપી સામેનો પ્રથમ દ્રષ્ટિએ કેસ સાબિત થતો હોવાથી નજરે જોનાર સાહેદોએ બનાવને સમર્થન આપ્યું છે અને હત્યા જેવા બનાવ અને ગંભીર ગુનાના આરોપીને જામીન આપી શકાય નહીં એવી દલીલોને ધ્યાનમાં રાખી આરોપી મહેશકુમાર ઉર્ફે એમડી બાબા જેઠવાની જામીન અરજી રાજકોટના એડિશનલ જજ ટી.એસ બ્રહ્મભટ્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આ પણ વાંચો - રાજકોટમાં પરિણીતા સાથેના સંબંધમાં યુવકને મોત મળ્યું:બહેનને ફોન કરીને હેરાન કરતો હતો, ઉશ્કેરાયેલા ભાઈએ પહેલાં ચા પીવા બોલાવ્યો પછી 44 સેકન્ડમાં છરીના 8 ઘા ઝીંકી દીધા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિકોલ વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટરમાં રવિવારના દિવસે ધાબા ઉપર ચાલતું જુગાર ધામ પોલીસે ઝડપી પાડ્યું છે પોલીસે 15 હજાર રૂપિયા રોકડ રકમ સાથે સાત લોકોની ધરપકડ કરી છે. રવિવારની રજા હોવા છતાં પણ સિવિક સેન્ટર ચાલુ રાખી અને ધાબા પર જુગારધામ રમવામાં આવતો હતો ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની સિક્યુરિટી સામે ખૂબ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસે રેડ દરમિયાન ઘટના સ્થળેથી 15 હજારથી વધુની વસ્તુઓ જપ્ત કરીપોલીસને બાતમી મળી હતીકે નિકોલ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટરમાં જુગારધામ ચાલી રહ્યુ છે. જેના આધારે પોલીસ સિવિક સેન્ટર ખાતે પહોંચી હતી અને સીડી વાટે ધાબા ઉપર પહોચી ત્યારે કેટલાક લોકો કુંડાળુ કરીને જુગાર રમવા માટે બેઠા હતા. પોલીસની ટીમ તરતજ જુગારીઓ પાસે પહોચી ગઈ હતી. નિતીન ધામેલીયા (રહે, બાપુનગર), વિપુલ પટેલ (રહે, નિકોલ), હાર્દિક પટેલ (રહે, નવાનરોડા), અમીત શર્મા (રહે, નિકોલ), વિશાલ સાવલીયા (રહે, નિકોલ), જયમીન ત્રિવેદી (રહે, નરોડા) અને અજય ડોબરીયા (રહે, નિકોલ)ની ધરપકડ કરી છે. પોલીસે રેડ દરમિયાનમાં ઘટના સ્થળેથી 15 હજારથી વધુની કિંમત જપ્ત કરી છે. રવિવારે સિવિક સેન્ટર બંધ હોવા છતાં પણ કેવી રીતે ચાલુ રાખવામાં આવ્યું અને આ જગ્યા ઉપર સિક્યુરિટી ગાર્ડ હતા કે કેમ તે અંગે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
પાલડીમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે સંવિધાન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે CWC ના સભ્ય કનૈયા કુમાર અમદાવાદ આવ્યા છે. પહેલા બહેરામપુરા વિસ્તારમાં ખોડિયારનગર પાસે સંવિધાન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે અગાઉ પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી હતી. જેથી તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓને અને નાગરિકોને સંવિધાન સંકલ્પ સભામાં હાજર રહેવા માટે પણ કહેવામાં આવી ગયું હતું પરંતુ, અચાનક જ આજે બપોરે જાહેર કાર્યક્રમ કરવા માટે આપેલી પોલીસ પરમિશન કેન્સલ કરી દેવામાં આવી હતી. આખરે રાજીવ ગાંધી ભવન પર જ સંવિધાન સંકલ્પ સભા યોજવાનું નક્કી કરવામાં આવ્યુંઅચાનક જ પોલીસ પરમિશન રદ કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા હતા કારણ કે, જાહેર સભાની સાથે સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આખરે રાજીવ ગાંધી ભવન પર જ સંવિધાન સંકલ્પ સભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યાં કનૈયા કુમારનું ઢોલ નગારા સાથે કોંગ્રેસના અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાના પ્રવાસ શરૂ જતા રાજકીય હલચલ પણ તેજ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર તે પહેલા જ રાષ્ટ્રીય નેતાના પ્રવાસ શરૂ થયા છે. જેથી રાજીવ ગાંધી ભવન પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો હતો.
સચિન વિસ્તારમાં મજૂર પાસેથી ચાકુની અણીએ લૂંટ ચલાવી છેલ્લા બે મહિનાથી પોલીસને હંફાવતા રીઢા ગુનેગારને સુરત શહેર ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે મરોલી ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રાજ ઉર્ફે આર.પી. વિરુદ્ધ અગાઉ ખૂન, લૂંટ અને હથિયાર રાખવા જેવા 7 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ફરિયાદીના પેન્ટના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રોકડ લઈ ફરારમળતી માહિતી મુજબ, તા. 29/01/2026 ના રોજ મૂળ બિહારના અને હાલ સચીનની સાંઈનાથ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય ચુન્નુ બ્રહ્મા સીંગ મજૂરીકામ માટે જઈ રહ્યા હતા. સાંજના આશરે સાડા ચારેક વાગ્યે જ્યારે તેઓ સચીન હોજીવાલા રોડ નંબર-08 પરથી પસાર થતા હતા, ત્યારે આરોપી રાજ ઉર્ફે આર.પી. સંજયભાઈ પાટીલ અને તેના સાગરીત સુબોધ રામાણીએ તેમને રસ્તામાં આંતર્યા હતા. આરોપીઓએ ફરિયાદી ચુન્નુ સીંગને ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ડરાવી-ધમકાવીને ફરિયાદીના પેન્ટના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રોકડા રૂપિયા 8,000 કાઢી લૂંટ ચલાવી બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે સચીન પોલીસ સ્ટેશનમાં BNS-2023 ની કલમ 309(4), 126(2), 351(3), 54 મુજબ લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવીને આરોપીની ધરપકડ કરી હતીસુરત શહેરમાં મિલ્કત સંબંધીત ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત નાસતા ફરતા સ્કોડના પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ચોક્કસ અને આધારભૂત બાતમી મળી હતી કે, સચિન લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપી મરોલી ચાર રસ્તા પાસે ઉભો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવીને 21 વર્ષીય આરોપી રાજ ઉર્ફે આર.પી. એસ/ઓ સંજયભાઈ પાટીલ (રહે. રાહી રેસીડન્સી, કારેલીગામ, પલસાણા; મૂળ રહે. જલગાંવ, મહારાષ્ટ્ર) ને ઝડપી લીધો હતો. આ આરોપીની ધરપકડ માટે નામદાર કોર્ટ દ્વારા અગાઉ BNSS ની કલમ-72 મુજબનું વોરંટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. આરોપીનો ગુનાહિત ઇતિહાસપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલ આરોપી રાજ ઉર્ફે આર.પી. અત્યંત રીઢો અને ખતરનાક ગુનેગાર છે. તેની વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓની યાદી નીચે મુજબ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં તેની સામે હત્યા (IPC 302) અને હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો નોંધાયો હતો. સચિન અને ડીંડોલી વિસ્તારમાં ચાકુ વડે ગંભીર ઈજા પહોંચાડવાના બે અલગ-અલગ ગુનાઓ તેની સામે નોંધાયેલા છે. આરોપી અગાઉ બે વખત પ્રતિબંધિત રેમ્બો ચાકુ સાથે ઝડપાઈ ચુક્યો છે. તેની સામે સચિન પોલીસમાં રાયોટીંગ અને તોડફોડનો ગુનો પણ નોંધાયેલ છે. પલસાણા પોલીસમાં લોકોમાં ભય ફેલાવવા અને ત્રાસદાયક કૃત્ય કરવા બદલ ફરિયાદ થયેલી છે. હાલમાં સુરત ક્રાઈમ બ્રાંચે આ રીઢા ગુનેગારની ધરપકડ કરી સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે અને તેના અન્ય સાગરીત અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે.
રાજસ્થાન-ગુજરાત સરહદ પર આવેલી છાપરી ચેકપોઇન્ટ પર રિકો (RICO) પોલીસે ગેરકાયદેસર માદક દ્રવ્યો વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. કડક નાકાબંધી દરમિયાન એક લક્ઝરી કારમાંથી કરોડો રૂપિયાની કિંમતનું 20.40 કિલોગ્રામ ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાતમાં સપ્લાય કરવાનો પ્લાન હતો પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ચરસનો આ જથ્થો ઉત્તર પ્રદેશના કાનપુરથી લાવીને ગુજરાતના પાલનપુરમાં સપ્લાય કરવાનો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ચરસની કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહીઆ સમગ્ર ઓપરેશન પોલીસ અધિક્ષક પુષ્પેન્દ્ર સિંહ રાઠોડના કડક નિર્દેશો હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે સ્થળ પર આ સફળ કાર્યવાહીનું નેતૃત્વ સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) લક્ષ્મણ સિંહ ચંપાવતે કર્યું હતું. પોલીસ હાલ આ ડ્રગ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે.
ભાવનગર શહેર નજીકના વરતેજ ગામમાં આજરોજ બપોરના સમય દરમિયાન એક મહિલા કરિયાણાની દુકાને વસ્તુ લેવા જતા તેનો ફોટો શખસો પાડ્યો હોવાની આશંકાને લઈ બે સમાજના લોકો આમને-સામને આવી જતા મામલો ગરમાયો હતો અને જુથ અથડામણ સર્જાવા પામી હતી. આ બનાવની જાણ થતાં પોલીસને ધાડેધાડા વરતેજ ગામમાં ઉતરી ગયા હતા. એસ.પી. ભાવનગર ગ્રામ્ય ASP, સીટી DYSP, LCB , SOG અને સ્થાનિક પોલીસે દોડી જઈ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે બનાવના પગલે વરતેજ પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. મારામારીમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડ્યાઆ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર નજીક આવેલ વરતેજ ગામમાં આજરોજ બપોરના અરસા દરમિયાન એક મહિલા અમન પ્રોવિઝન સ્ટોરીની દુકાને વસ્તુ લેવા ગયા હતા ત્યારે એક શખસે મહિલાનો ફોટો પાડ્યો હોવાની આશંકાને લઈ બોલાચાલી થઈ હતી. બાદ મહિલાએ તેના ઘરે જઈ તેના પરિવારજનોને બનાવની જાણ કરતા પરિવારજનો શખસને ઠપકો આપવા પહોચતા સામ સામે શાબ્દિક યુદ્ધ થયા બાદ મામલો બિચક્તા બે સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ થવા પામી હતી અને મારામારી-ઝપાઝપીમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.બે જુથ વચ્ચે થયેલી અથડામણના પગલે ભાવનગર ગ્રામ્યના ASP, સિટી DYSP, SOG PI ,વરતેજ પોલીસ મથકના PI અને LCB PSI સહિતનો મસમોટો કાફલો વરતેજના ઘાંચી ચોકમાં દોડી ગયો હતો. અને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. લોકોના ટોળાઓને સમજાવટથી દૂર કરવામાં આવ્યા હતાઆ બનાવ અંગે સીટી DYSP આર.આર.સિંધાલે જણાવ્યું હતું કે, વરતેજ પોલીસ સ્ટેશનમાં આજે બપોરના એક વાગ્યે અમન પ્રોવિઝન સ્ટોરમાં એક મહિલા આવ્યા અને તેની સાથે અમન પ્રોવિઝનમાં જે કોઈ માણસ હતા તેની સાથે બોલાચાલી થઈ. બાદમાં મહિલા છે તેના ઘરે જઈ અને આ બાબતની વાત તેઓના કુટુંબીજનોને કરતા એ લોકો આવી અને અહીંયા ઝઘડો થયો. તેમાં ત્રણ-ચાર માણસો હતા.બાદમાં વરતેજ ગામના ચોક છે, તેની પાસેના વિસ્તારમાં મુસ્લિમ સમાજનો બીજો અઘટિત પ્રસંગ હતો, જેને હિસાબે પબ્લિક ત્યાં ઘણી જમા હતી. તેઓએ આ જોતા અહીંયા ટોળા થયા હતા.આ બાબતની જાણ પોલીસને થતા વરર્તેજ પોલીસ સ્ટેશનના અધિકારી તથા પોલીસ તેમજ LCB અને SOG પહોંચી હતી અને લોકોના ટોળાઓને સમજાવટથી દૂર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં બનાવ બન્યો છે તે અનુસંધાને ફરિયાદ લેવાનું તજવીજ વરર્તેજ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. આ અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવનાર છે અને બીજો કોઈ બનાવ ન બને તે માટે પોલીસને પોઈન્ટ આપી તૈનાત કરવામાં આવેલ છે.આ બનાવમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થયેલાનું હોસ્પિટલ થી જાણવા મળેલ છે. અહીંયા હિન્દુ-મુસ્લિમનો કોઈ મોટો બનાવ બનેલ નથીમહિલા અમન પ્રોવિઝન સ્ટોરમાં કંઈક લેવા માટે ગયા અને એને માલુમ થયું કે ભાઈ કોઈ ફોટો ખેંચે છે, એ ટાઈમે તેની સાથે બોલાચાલી થઈ કે ભઈ તમે આ રીતે કેમ વ્યવહાર કરો છો. એ બોલાચાલીને હિસાબે તે તેના ઘરે જઈ અને પરિવારને આ બાબતની વાત કરી અને તે લોકો ઠપકો આપવા માટે આવ્યા હતા અને ઉશ્કેરાટનું કારણ છે આ રીતનું બન્યું છે. અહીંયા હિન્દુ-મુસ્લિમનો કોઈ મોટો બનાવ બનેલ નથી પણ જે સાઈડમાં પ્રસંગ હતો તે પ્રસંગમાં ઘણા વ્યક્તિઓ બેસણામાં અને હતા, એ લોકો જોવા માટે આવ્યા અને ભીડ જમા થઈ હતી. હકીકતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ટોટલી અંડર કંટ્રોલ છે અને અહીંયા બીજો ન બનાવ બને તે સાવચેતી માટે પોલીસ તૈનાત કરવામાં આવેલ છે. વાહનો જે છે એમાં જે પ્રસંગમાં હતો તે એરિયામાંથી નીકળતા હોય અને જે છે દૂર જાઓ દૂર જાઓ એ પોઈન્ટ ઓફ વ્યુ એ વાહનને પથ્થર લાગી ગયેલો છે. પણ કોઈ એવી કોઈ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ગંભીર કે એવી છે નહીં, સામાન્ય છે.
ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠે વસતા માછીમારોમાં રાજકીય અવગણના સામે રોષ જોવા મળી રહ્યો છે. નેશનલ એસોસિએશન ઓફ ફિશરમેન ડેવલોપમેન્ટ બોર્ડ (NAFDB) ના સભ્ય ડૉ. ગજેન્દ્ર કિશન ભાંજીએ વલસાડની મુલાકાત દરમિયાન ભાજપને ચીમકી આપી છે. તેમણે જણાવ્યું કે, જો દરિયાકાંઠાના દરેક રાજ્યમાંથી માછીમારોને 2 લોકસભા બેઠકો ફાળવવામાં નહીં આવે, તો આગામી સમયમાં સમાજ ભાજપનો સાથ છોડી દેશે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ડૉ. ભાંજીએ સરકારની નીતિઓ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશના જીડીપીમાં માછીમાર સમાજનો મોટો ફાળો હોવા છતાં, રાજકીય રીતે તેમને હંમેશા અન્યાય થયો છે. લોકસભા કે રાજ્યસભામાં તેમનું કોઈ પ્રતિનિધિત્વ ન હોવાથી કેન્દ્રમાં તેમનો અવાજ પહોંચી શકતો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે માત્ર વચનોથી કામ નહીં ચાલે, તેમને તેમનો હક જોઈએ છે. ડૉ. ભાંજીએ વધુમાં જણાવ્યું કે, અમે સરકારને સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે હવે માછીમારો માત્ર વોટબેંક નથી, પરંતુ સત્તાના સમાન હિસ્સેદાર છે. જો અમારી અવગણના ચાલુ રહેશે તો ભાજપ સાથે છેડો ફાડતા અમને વાર નહીં લાગે. માછીમારોના રોષના મુખ્ય મુદ્દાઓમાં ડીઝલ વેટનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે માછીમારોને મળતા ડીઝલ પરનો વેટ પરત ખેંચ્યો છે, પરંતુ અન્ય રાજ્યોમાં ભાવ વધારો યથાવત છે, જેનાથી માછીમારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સંસદમાં માછીમાર સમાજના પ્રશ્નો ઉઠાવવા માટે સક્ષમ નેતૃત્વનો અભાવ પણ એક મુખ્ય ફરિયાદ છે. તેમની સીધી માંગ છે કે દરિયાકાંઠાના દરેક રાજ્યમાંથી માછીમાર સમાજને 2 લોકસભા બેઠકો ફાળવવામાં આવે. NAFB હવે દેશભરના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકસંપર્ક કરીને ભાજપ વિરુદ્ધ મોરચો માંડવાની તૈયારી કરી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાની અનેક બેઠકો પર માછીમાર મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અત્યાર સુધી આ સમાજ ભાજપનો વફાદાર રહ્યો છે, પરંતુ ડૉ. ભાંજીના આ કડક વલણથી ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. જો માછીમારો સંગઠિત થઈને વિરોધમાં ઉતરશે, તો આગામી ચૂંટણીમાં અનેક બેઠકો પર રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. ડૉ. ગજેન્દ્ર ભાંજી અને અન્ય અગ્રણીઓ હવે પોતાની લડત દિલ્હી સુધી લઈ જવા મક્કમ છે.
સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પાંડેસરામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક ભગવાન જગદીશ ભારતી નામના 25 વર્ષીય આશાસ્પદ યુવાન રવિવારે સાંજે 5 વાગ્યે અગમ્ય કારણોસર રુમમાં પંખા સાથે રસ્સી બાંધી આત્મહત્યા કરી હતી. યુવકને પરિવારજન દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જગદીશે અગમ્ય કારણોસર પંખા સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુંમૂળ રાજસ્થાનના દુદિયા ગામના વતની અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી નગરમાં રહેતા 25 વર્ષીય ભગવાન જગદીશ ભારતી રવિવારે સાંજે 5 વાગ્યાના સુમારે પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. ભગવાન જગદીશ વ્યવસાયે જલેબી બનાવવાનું કામ કરતા હતા અને સખત મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રવિવારની સાંજે જ્યારે પરિવારના અન્ય સભ્યો વ્યસ્ત હતા ત્યારે ભગવાન જગદીશે અગમ્ય કારણોસર પંખા સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ સામ-સાટા લગ્ન પદ્ધતિસૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ આ આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ સામ-સાટા લગ્ન પદ્ધતિ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન અને ગુજરાતના કેટલાક સમાજોમાં હજુ પણ આ પ્રથા અમલી છે, જેમાં બે પરિવારો એકબીજાના સંતાનોના લગ્ન પરસ્પર કરાવે છે. ભગવાન જગદીશના લગ્ન પણ આ જ પદ્ધતિથી થયા હતા. ભગવાનના લગ્ન જે યુવતી સાથે થયા હતા, તેની સામે ભગવાનની પોતાની સગી બહેનના લગ્ન તે યુવતીના ભાઈ સાથે થયા હતા. આ પદ્ધતિમાં એક ઘરની શાંતિ બીજા ઘરના સંબંધો પર નિર્ભર હોય છે. જો તેમની દીકરી સાસરીમાં પરત નહીં આવે તો ભગવાનની પત્નીને પણ તેડાવી લેશેસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા ભગવાનની બહેનને તેના સાસરીમાં (ભગવાનના સાળા સાથે) કોઈ કારણોસર અણબનાવ થયો હતો. વિવાદ એટલો વકર્યો કે તેની બહેન સાસરી છોડીને પિયર પરત આવી ગઈ હતી. આ ઘટના બાદ સાટા પદ્ધતિનો ક્રૂર ચહેરો સામે આવ્યો. જ્યારે બહેન પિયર આવી, ત્યારે ભગવાનના સાસરી પક્ષ તરફથી વળતો પ્રહાર શરૂ થયો. સાસરી પક્ષે ભગવાન પર દબાણ લાવવાનું શરૂ કર્યું કે, જો તેમની દીકરી (ભગવાનની બહેન) સાસરીમાં પરત નહીં આવે, તો તેઓ પણ તેમની દીકરી (ભગવાનની પત્ની) ને તેડાવી લેશે અથવા સંબંધ તોડી નાખશે. માનસિક ખેંચતાણના કારણે આત્મહત્યાનો રસ્તો પસંદ કર્યોભગવાન જગદીશ અને તેની પત્ની વચ્ચે ખૂબ જ સારો તાલમેલ હતો. તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા અને સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા હતા. ભગવાન તેની પત્નીથી અલગ થવા માંગતો ન હતો પરંતુ, બીજી તરફ બહેનનું જીવન પણ જોખમમાં હતું. સાસરી પક્ષના સતત દબાણ અને તારી પત્નીને તેડી જઈશું એવી ધમકીઓએ ભગવાનના મન પર ઊંડી અસર કરી હતી. તે એક એવી કટોકટીમાં મુકાયો હતો જ્યાં એક તરફ બહેનનું ભવિષ્ય હતું અને બીજી તરફ પત્ની સાથેનો સાથ. માનસિક ખેંચતાણ અને સામાજિક દબાણ સહન ન કરી શકતા, અંતે તેણે પત્નીથી અલગ થવાના ડર અને કૌટુંબિક કલેશથી કંટાળી આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ છત્રપતિ શિવાજી નગર ખાતે પહોંચી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પોલીસે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. સત્તાધારી પક્ષ ભાજપને પછાડવા માટે વિરોધ પક્ષ કોંગ્રેસે આ વખતે આક્રમક રણનીતિ અપનાવી છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના શાસનકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાઓને ખુલ્લી પાડવા માટે ભાજપ પાપ ચાર્જશીટ જાહેર કરવામાં આવી છે. આ 20 મુદ્દાની ચાર્જશીટ આગામી ચૂંટણીમાં મુખ્ય પ્રચારાત્મક હથિયાર બનવા જઈ રહી છે. કોંગ્રેસે આ ચાર્જશીટમાં પહેલો પ્રહાર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર કર્યો છે. સુરતને સ્માર્ટ સિટી બનાવવાના નામે કરોડો રૂપિયાના ખર્ચે જે ડસ્ટબિન (કચરાપેટીઓ) મુકવામાં આવી હતી, તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, પર્યાવરણના નામે શરૂ કરાયેલા સાયકલ ઝોન આજે ધૂળ ખાઈ રહ્યા છે અને તેમાં થયેલું રોકાણ જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. કોંગ્રેસે શિક્ષણનું સ્તર કથળ્યું હોવાનું જણાવ્યું શહેરની સૌથી મોટી મનપા સંચાલિત હોસ્પિટલ સ્મીમેરમાં દર્દીઓને અપાતી દવાઓમાં પણ દલાલી થતી હોવાનો ચોંકાવનારો આરોપ ચાર્જશીટમાં છે. આ સાથે જ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાનું અને શાસકો શિક્ષણ વિરોધી માનસ ધરાવતા હોવાનું કોંગ્રેસે ભારપૂર્વક જણાવ્યું છે. મધ્યાહન ભોજનમાં બાળકોના હકનો કોળિયો છીનવી લેવા સુધીનો ગંભીર આક્ષેપ ભાજપ પર કરવામાં આવ્યો છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીના શુદ્ધિકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાન્ટ ક્યાં ગઈ? એવો પ્રશ્ન આ ચાર્જશીટમાં ઉઠાવવામાં આવ્યો છે. ખાડીઓના પુરાણ કરી બિલ્ડરોને ફાયદો કરાવવો અને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ ભાજપના શાસકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સ્મીમેરમાં મેડિકલ કૌભાંડ કરવામાં આવ્યું છેધારાસભ્ય આનંદ પટેલે જણાવ્યું હતું કે, અમારી મુખ્ય માંગણી ભાજપે અત્યાર સુધી જે પણ ભ્રષ્ટાચાર કર્યો છે એની ચાર્જશીટ અને ભાજપે જે સુરતની સુરત બગાડવાની કોશિશ કરી છે ખરેખર આ વિસ્તારમાં પીવાના પાણી ડોહળું મળે છે, આ વિસ્તારમાં તમે PPP ધોરણે વિકાસ કર્યો છે, આ વિસ્તારમાં સ્મીમેરમાં જે મેડિકલ કૌભાંડ કરવામાં આવ્યું છે, જે કચરાનું કૌભાંડ કરવામાં આવ્યું છે એના માટેની ચાર્જશીટ અમે રજૂ કરી છે. આવનારા દિવસમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમે આ ચાર્જશીટ લઈને જઈશું, આવનારા દિવસમાં ચૂંટણી ઢંઢેરો પણ અમે રજૂ કરીશું પરંતુ પ્રજાના પૈસાથી, પ્રજાના ટેક્સના પૈસાથી જે ભ્રષ્ટાચાર કર્યો છે અમે સુરતની પ્રજાને એ ભ્રષ્ટાચાર બતાવીશું. અમે મહેનત કરીને બધી સીટો જીતવાનો પ્રયાસ કરીશું. સુરત કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, આ માત્ર કાગળ પરની ચાર્જશીટ નથી, પરંતુ જનતાનો અવાજ છે. આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો વોર્ડ લેવલે આ 20 મુદ્દાઓની પત્રિકાઓ વહેંચશે. સોશિયલ મીડિયા પર પણ ભાજપના પાપ નામે અભિયાન ચલાવવામાં આવશે.
વલસાડમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા:56 કેન્દ્રો પર 16,500થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
વલસાડ જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાની પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે જિલ્લાના 56 કેન્દ્રો પર કુલ 16,513 વિદ્યાર્થીઓ ભાગ લેશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત, સરકારી કે અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 8 નો અભ્યાસ પૂર્ણ કરનાર અથવા RTE હેઠળ ખાનગી શાળામાં ભણેલા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 ના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. સમગ્ર રાજ્યમાંથી મેરિટના આધારે 25,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. સ્વનિર્ભર (ખાનગી) શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹22,000/- અને ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹25,000/- ની સ્કોલરશીપ મળશે. ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો માટે વાર્ષિક ₹3,000/- અને સંસ્થાને ₹6,000/- ની સહાય અપાશે. વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તમામ 56 કેન્દ્રો પર સરકારી પ્રતિનિધિઓ અને બિલ્ડિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને, સ્થળ સંચાલકોને પીવાના પાણી, લીંબુ પાણી અને છાસની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. વાલીઓ માટે પણ કેમ્પસમાં બેસવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
વલસાડ જિલ્લાના વાપીમાં હરિયા પાર્ક વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે અન્ય કારને ટક્કર મારી હતી. ટક્કર વાગ્યા બાદ બીજી કાર નજીકમાં આવેલા પાનના ગલ્લા તરફ ધસી ગઈ હતી, પરંતુ ત્યાં પાર્ક કરેલી એક બાઇક સાથે અથડાઈને અટકી જતાં મોટી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ, વાપીના હરિયા પાર્ક પાસેના મુખ્ય માર્ગ પર એક કાર ચાલક પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. આ દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પર જતી અન્ય એક કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બીજી કાર ફંગોળાઈને રસ્તાની સાઈડમાં આવેલા પાનના ગલ્લા તરફ ધસી ગઈ હતી. સદનસીબે, પાનના ગલ્લાની બિલકુલ આગળ એક બાઇક પાર્ક કરેલી હતી. ફંગોળાયેલી કાર સીધી આ બાઇક સાથે અથડાઈ હતી. બાઇકના કારણે કારની ગતિ અવરોધાઈ હતી અને તે ગલ્લા સુધી પહોંચતા અટકી ગઈ હતી, જેના કારણે ગલ્લાધારક અને ત્યાં ઉભેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. એક સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, 'જો ત્યાં બાઇક પાર્ક કરેલી ન હોત, તો કાર સીધી ગલ્લા સાથે અથડાત અને ગલ્લા પર ઉભેલા લોકો કે ગલ્લાધારક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ શક્યા હોત.' અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પૂરપાટ ઝડપે વાહન ચલાવનારા ચાલકો સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ઘટનામાં વાહનોને નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
જૂનાગઢ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વિસાવદર શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના ખોડીયાર પરા વિસ્તારમાં બેફામ ગતિએ આવતી બોલેરો પીકઅપ વાનના ચાલકે માસૂમ બાળકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેની ખોપડી તૂટી ગઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને બોલેરો ચાલક પોતાના વાહન સાથે રફુચક્કર થઈ ગયો હતો. વિસાવદરના ખોડીયારપરા વિસ્તારમાં રહેતા પ્રફુલભાઇ ઉર્ફે વિપુલભાઇ રમેશભાઇ ગોહિલનો 8 વર્ષીય પુત્ર ધવલ તેમાં ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલી એક બોલેરો પીકઅપ વાનના ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અથવા તો અત્યંત બેદરકારીપૂર્વક વાહન ચલાવી ધવલને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર સીધી બાળકના માથાના ભાગે વાગતા લોહીની નદીઓ વહી ગઈ હતી અને સ્થળ પર જ માસૂમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોના ટોળા એકઠા થતા જોઈ અને પોતાની ધરપકડના ડરથી બોલેરો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને 108 એમ્બ્યુલન્સને પણ બોલાવી હતી, પરંતુ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે જોનારા લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. બાળકના મૃતદેહને જોઈને પરિવારજનોના આક્રંદથી આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. નિર્દોષ બાળકના મોતના સમાચાર વાયુવેગે વિસાવદર શહેરમાં પ્રસરતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોમાં એવી ચર્ચા છે કે રહેણાંક વિસ્તારોમાં વાહનચાલકો ગમે તેમ વાહનો હંકારે છે, જેના કારણે આવા માસૂમ બાળકો ભોગ બની રહ્યા છે. પ્રફુલભાઇના ઘરે દીકરાના મોતના સમાચાર પહોંચતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જે બાળક થોડી વાર પહેલા ઘર પાસે રમી રહ્યો હતો, તેનું આ રીતે અચાનક મોત થતા માતા-પિતા ભાંગી પડ્યા છે. વિસાવદર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અજાણ્યા બોલેરો પીકઅપ વાનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હીટ એન્ડ રનના કિસ્સાઓ વધી રહ્યા છે. વાહનચાલકોની બેદરકારી અને ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનને કારણે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. વિસાવદરની આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સરકારી ડેન્ટલ કોલેજ પાસે આવેલા સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે 11 દીકરીઓને દીકરી વધામણા કીટ અને આંગણવાડીની બાળકીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કર્યું હતું. કલેક્ટર ઠક્કરે બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કલેક્ટર ઠક્કરે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય લઈ રહેલી મહિલાઓ પાસેથી તેમની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. તેમણે સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલા કાર્યની પ્રશંસા પણ કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે દીકરીઓના વાલીઓને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દરેક દીકરીમાં અનંત શક્તિ સમાયેલી છે અને યોગ્ય માર્ગદર્શન તથા સહયોગથી તેઓ ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. કલેક્ટરે સમાજના દરેક વર્ગને દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે આગળ આવવા અપીલ કરી હતી. તેમણે બાળકીઓ સાથે સમય વિતાવી તેમને જીવનમાં આગળ વધવા માટે આશીર્વાદ પણ આપ્યા હતા. આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી પૂજા ડોડીયા તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ હાજર રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના 20 વર્ષના શાશન બાદ પણ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે તેને લઈને ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચાર્જશીટ જાહેર કરવામાં આવી છે. 20 જેટલી સમસ્યાઓને લઈને નાગરિકો આજે પણ હાલાકી વેઠવી રહ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષના ભાજપના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનમાં શહેરની અને શહેરીજનોની હાલત બદથી બદતર થઈ હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. ચાર્જશીટ જાહેર કરીને કોંગ્રેસે ભાજપના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર ગણાવ્યા છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવાનો દાવો પણ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસ સમિતિ સાથે બેઠક બાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તહોમતનામું જાહેર કર્યુંસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે માટે ઉમેદવારની સેન્સ પ્રક્રિયા પણ ચાલી રહી છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ મતદારને આકર્ષવા માટે મેનિફેસ્ટો પણ નાગરિકો પાસે મંતવ્ય મંગાવ્યા બાદ નક્કી કરવામાં આવશે. પરંતુ તે પહેલા પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે બેઠક બાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તહોમતનામું જાહેર કર્યું છે. નાગરિકો હજુ પણ શું શું સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે તેને લઈને તોહમતનામું જાહેર કરવામાં આવ્યું છે. વિકાસના બદલે માત્ર ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને વિધાસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે દાવો કર્યો છે કે, છેલ્લા 20 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે છતાં વિકાસના બદલે માત્ર ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો છે. રોડ, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સમસ્યાઓ આપવામાં જ સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષમાં નાગરિકો હજુ પણ 20 જેટલી સમસ્યાથી પરેશાન હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. કઈ કઈ સમસ્યાથી નાગરિકો હજુ પણ હલકી વેઠવી રહ્યા છે તેની જાહેરાત પણ કરી છે. શહેરની અને શહેરીજનોની હાલત બદથી બદતર થઈ ગઈ હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ યોગ્ય સુવિધા નાગરિકોને મળતી નથીવિધાનસભા વિપક્ષ ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને 6 મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની શાસન છે. તેમજ 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. તેમજ કેન્દ્રમાં પણ ભાજપનું શાસન છે. પરંતુ ત્રિપલ એન્જિનથી ચાલતી સરકાર કમિશન, કટકી અને કૌભાંડથી કમલમ ચાલે છે. નાગરિકને જે સુવિધાઓની જરૂર છે અને જે સુવિધાઓ આપવી જોઈએ તે અપાતી નથી. અમદાવાદ શહેરમાં 20 વર્ષથી ભાજપનો વહીવટ હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ યોગ્ય સુવિધા નાગરિકોને મળતી નથી. જેને સ્માર્ટ સિટી અને હેરિટેજ સિટીનો એવોર્ડ મળેલો છે. જેથી અલગથી ગ્રાન્ટ પણ શહેરને મળતી હોય છે. 19 હજાર કરોડનું બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે. તેમજ છતાં અમદાવાદ શહેરમાં નાગરિકોને પૂરતું પીવાનું પાણી મળતું નથી. પીવામાં પાણીની ગુણવત્તા પણ ચોંકાવનારી છે. ડેવલોપમેન્ટ બતાવવા માટે થાય છે. અમદાવાદ શહેરમાં રસ્તાઓ ડિસ્કો રોડ બની જાય છેવધુમાં શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલ પર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે ષડયંત્ર ચાલ્યું હતું. જેમાં 300 કરોડ કરતા પણ વધુ રૂપિયાનું કૌભાડ થયું હતું. હાટકેશ્વર બ્રિજ જેટલા રૂપિયામાં બન્યો તેના કરતા વધુ રૂપિયાની કિંમતમાં તેને તોડવામાં આવ્યો છે. નાગરિકોની સેફ્ટી માટે અધિકારીઓ તમામ બ્રિજનું ચેકીંગ પણ કરાવતી નથી. વર્ષો જૂના બ્રીજની હાલત અત્યંત ખરાબ છે. SVP હોસ્પિટલમાં દર્દી કરતા તો વધુ બાઉન્સર જોવા મળે છે. SVP હોસ્પિટલ ખાલી મોટા ઉદ્યોગપતિને મેડિકલ કોલેજ બનાવવા માટે હોસ્પિટલની જરૂર પડે તે માટે બનાવવામાં આવી છે. રિવરફ્રન્ટનું ખાતમુહુર્ત કોંગ્રેસના શાસનમાં થયું હતું. જેમાં બે-ચાર સારા પોઈન્ટ ઊભા કરીને નાગરિકોને તેનું ધ્યાન દોરવામાં આવે છે. એવો દાવો ભાજપે કર્યો હતો કે, રિવરફ્રન્ટ પરથી નીકળશો તો સિંગાપોર જેવો આભાસ થશે પરંતુ, એવું કંઈપણ અત્યારે જોવા મળતું નથી. અમદાવાદ શહેરમાં રસ્તાઓ ડિસ્કો રોડ બની જાય છે. સ્વિમિંગ પૂલ અમદાવાદ શહેર બની જાય છે. સ્ટ્રોંગ ડ્રેનેજ વોટરની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્ટ્રોંગ બેરેજનું બજેટ ક્યાં વપરાયા છે તે સૌથી મોટો સવાલ છે. ચૂંટાયેલા પ્રતિનિધિ ફોન પણ ઉપાડતા નથી નાગરિકોને મળવાની વાત તો દૂર રહીપૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનો વારસો અત્યારે લુપ્ત થઈ રહ્યો છે. પ્રજાલક્ષી સુવિધાઓ નાગરિકોને મળતી જ નથી. વ્હાઇટ ટોપિંગ રોડ સહિતના નામ આપીને સસ્તી પ્રસિદ્ધિ મેળવીને નાગરિકોને ખોટા વચન આપવામાં આવ્યા છે. જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે એક ઇંચ વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. જેના કારણે અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યો છે. રસ્તો પરથી વાહન ચલાવવા પણ મુશ્કેલ બની જાય છે. અમે 18 ટકા વ્યાજ માફી આપીને ટેક્સમાંથી રાહત આપી હતી. કોંગ્રેસે 2000થી 2005 વચ્ચે ઠરાવ કરીને સરકારને મોકલ્યો હતો. જેનો 20 વર્ષ થયા છતાં અમલ થયો નથી અને કરના દરમાં વધારો થયો છે. નાગરિકો સારવાર માટે લાખો રૂપિયાના બિલ ચૂકવી ખાનગી હોસ્પિટલમાં જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચૂંટાયેલા પ્રતિનિધિ ફોન પણ ઉપાડતા નથી નાગરિકોને મળવાની વાત તો દૂર રહી. ભાજપના શાસનમાં 20 વર્ષ બાદ નાગરિકો કઇ-કઈ સમસ્યાઓથી પરેશના થઈ રહ્યા છે તે જાહેર કરી છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં વિદ્યાર્થી આકાશ તિવારીએ કુલપતિ ડૉ. ઉત્પલ જોશીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગ અને કન્વેન્શન બિલ્ડીંગ શિક્ષણનું મંદિર જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલું છે. જે વિદ્યાર્થી નેતાઓ અને રાજકીય પક્ષોના ભ્રષ્ટ તત્વો માટે મિલન સ્થળ બની ગયું હોય તેવું લાગે છે. દર વર્ષે પેપરમાં ગરબડ અને અન્ય ખામીઓ હોય છે. જેથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પૂછવા માંગે છે કે પરીક્ષા વિભાગ કે જ્યાં વિદ્યાર્થીઓના ભવિષ્યનો નિર્ણય લેવામાં આવે છે ત્યાં લુખ્ખાઓનું શું કામ છે? જ્યારે કોઈ સામાન્ય વિદ્યાર્થી પરીક્ષા સંબંધિત પ્રશ્ન પૂછવા માટે આવા વિભાગમાં જાય છે ત્યારે આ વિદ્યાર્થી સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવે છે પરંતુ જ્યારે આવા લુખ્ખાઓ પ્રવેશ કરે છે ત્યારે ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં યુવક અને યુવતી બેઠા હોય ત્યારે સુરક્ષાકર્મી દ્વારા તેમનો ફોટો લેવામાં આવે છે જે ગોપનીયતા અને મુક્ત હિલચાલના અધિકારનું ઉલ્લંઘન છે પરંતુ જ્યારે કેમ્પસમાં દારૂની બોટલો મળી આવે છે ત્યારે કોઈ સુરક્ષા કર્મચારી ધ્યાન આપતું નથી જેથી આ મુદ્દાને ધ્યાનમાં લઈને પગલાં લેવા માટે વિનંતી છે. રાજકોટ મનપાનાં સિવિક સેન્ટરોમાં લાંબી લાઈનો, ચાર દિવસમાં ત્રણ દિવસની રજાને કારણે લોકોનો ધસારો રાજકોટમાં શનિ-રવિની રજા બાદ આજે મનપા કચેરી ખુલી હતી. હવે આવતીકાલે મંગળવારે ફરી જાહેર રજા છે. આમ ચાર દિવસમાં માત્ર એક જ દિવસ જરૂરી કામ થઇ શકે તેમ હોય આજરોજ નાગરિક સુવિધા કેન્દ્રમાં લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી. સિવિક સેન્ટર બહારની બંને તરફ અને સામે પાર્કિંગના ભાગમાં બાળકો સાથે પણ લોકો લાઇનમાં ઉભા રહ્યા હતા. જેમાં ટેકસ વિભાગ, જન્મ-મરણના દાખલા સહિતના કામ માટે લોકો તડકામાં વેઇટીંગમાં રહ્યા હતા. આજે સર્વરનો કોઇ ઇસ્યુ ન હતો પરંતુ રજાઓના કારણે આજે જરૂરી કામ નિપટાવવા લોકોએ લાઇનમાં ઉભુ રહેવું પડયું હતું. હવે ઉનાળામાં તંત્ર દ્વારા છાયડા અને પાણી જેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. બીજીતરફ જન્મ-મરણનાં દાખલા અને આધારકાર્ડ જેવી સેવાઓમાં ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં આવતું ન હોય છુટ્ટા પૈસા માટે પણ ઘણીવાર લોકો હાલાકી ભોગવતા હોય છે. ત્યારે અહીં ઓનલાઈન પેમેન્ટ શરૂ કરવામાં આવે તેવી માંગ પણ લોકોમાં ઉઠી રહી છે. અગાઉ જન્મ-મરણનાં દાખલાની ફી રૂ. 5 હતી. જેની સામે એટલો ચાર્જ લાગતો હોવાથી ઓનલાઈન સુવિધા શરૂ થઈ શકી નહોતી. પરંતુ હાલમાં આ ફી રૂ. 50 કરવામાં આવી હોવાથી ઓનલાઈન પણ શરૂ કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે. જોકે આ માટેની પ્રક્રિયા ચાલુ હોવાનું અને ટૂંક સમયમાં લોકોને ઓનલાઈન સુવિધા મળતી થનાર હોવાનું દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં મનપાનાં અધિકારી પ્રેરિત જોષીએ જણાવ્યું હતું. મિશ્ર ઋતુમાં રોગચાળો વકર્યો, કમળો અને ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગનાં દર્દીઓ સામે આવતા તંત્ર સતર્ક રાજકોટમાં મિશ્રઋતુને કારણે રોગચાળો વકર્યો છે. જેમાં વિવિધ રોગના કુલ 1436 દર્દીઓ છેલ્લા એક સપ્તાહમાં નોંધાયા છે. જોકે અઠવાડિયામાં મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં આવતા ડેન્ગ્યુ, મેલેરિયા કે ચિકનગુનિયાનો 0 કેસ નોંધાયો છે. પરંતુ લાંબા સમય બાદ પાણીજન્ય રોગો કમળો અને ટાઇફોઇડનાં 1-1 દર્દી સામે આવતા જ તંત્ર સતર્ક બન્યું છે. આ સિવાય શરદી-ઉધરસના 645, સામાન્ય તાવના 571, અને ઝાડા-ઉલ્ટીના 218 કેસ નોંધાયા છે. રોગચાળાને ડામવા માટે આરોગ્ય શાખા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ દરમિયાન રહેણાંકના 85 અને કોમર્શિયલ 37 મળી કુલ 122 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 12153 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 371 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત, પાણીજન્ય રોગો અટકાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 906 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. મિશ્ર ઋતુને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન મશીનથી ફોગીંગ અને જનજાગૃતિના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા છે. રાજકોટનાં પોલીસ હેડક્વાર્ટર નજીક રસ્તા પર ઓઇલ ઢોળાતા વાહન ચાલકો લપસ્યા રાજકોટનાં પોલીસ હેડક્વાર્ટર નજીક આજે રસ્તા ઉપર ઓઇલ ઢોળાતા કેટલાક વાહન ચાલકો લપસ્યા હતા. જોકે આ અંગેની જાણ થતાં જ પોલીસ દ્વારા રસ્તામાં બેરીકેડ મૂકી દેવામાં આવ્યા હતા. અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ પર ચાલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટીમો દોડી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી રસ્તો ગણતરીની મિનિટોમાં સાફ કર્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ગંભીર ઇજા થઇ નથી. રાજકોટમાં BAPSનો ભવ્ય 'માનવ ઉત્કર્ષ મહોત્સવ', અંતિમ દિવસે 'લક્ષ્મણ રેખા' વિષય પર વિરાટ મહિલા સંમેલન રાજકોટના રેસકોર્સ મેદાનમાં તા. 11 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા 'માનવ ઉત્કર્ષ મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ રાત્રે 8.30 કલાકે યોજાનારા આ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંત દ્વારા જીવન ઉત્કર્ષના વિવિધ વિષયો પર પ્રેરક ઉદબોધન આપવામાં આવશે. આ એક સપ્તાહ દરમિયાન ભાવિકો માટે પારાયણ, પ્રેરક પ્રદર્શન, પરોપકારી સેવા યજ્ઞ અને પવિત્ર પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવના પ્રારંભ પૂર્વે તા. 10ના શુક્રવારે સાંજે 4.30 થી 6.30 દરમિયાન રેસકોર્સ ખાતે ભવ્ય પોથીયાત્રા નીકળશે. મહોત્સવમાં દરરોજ અલગ-અલગ વિષયો જેવા કે સંકલ્પો સાકાર કરવાના સૂત્રો, સત્ય સનાતન દેશ હૈ મેરા અને 'મોજમાં રહે તે માનવ' પર રસાળ શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. મહોત્સવના અંતિમ દિવસે તા. 17ના શુક્રવારે સાંજે 6 થી 9 દરમિયાન 'લક્ષ્મણ રેખા' વિષય પર વિરાટ મહિલા સંમેલનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કારો, રાષ્ટ્રવાદ અને માનવ ઉત્થાનની પ્રેરણા આપતા આ પ્રસંગમાં વરિષ્ઠ સંતોના આશીર્વાદનો લાભ મળશે. મહોત્સવમાં જોડાવા માટે શહેરના યુવા વર્ગ અને જાહેર જનતાને BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા સાકાર થઈ રહેલા અત્યંત મહત્વકાંક્ષી 'ડુમસ સી-ફેસ' ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હવે રાજકીય અને સામાજિક ચર્ચાઓનું કેન્દ્ર બન્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નિર્મિત થનારી અદ્યતન દુકાનો અને અન્ય વ્યાવસાયિક એકમોની ફાળવણીમાં માત્ર સ્થાનિક રહીશોને જ પ્રથમ પસંદગી આપવામાં આવે એવી માંગ પ્રબળ બની છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ઝંખનાબેન પટેલે આ ગંભીર મુદ્દે સુરત મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી સ્થાનિકોના હિતોનું રક્ષણ કરવા માટે મક્કમપણે રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. લારી-ગલ્લા હટાવવાની કામગીરી બાદ સ્થાનિકોમાં ભારે રોષતાજેતરમાં જ સુરત મહાનગર પાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા ડુમસ સી-ફેસ અને ગણેશ મંદિરની આસપાસના વિસ્તારોમાં આકસ્મિક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન વર્ષોથી ત્યાં નાની-મોટી લારીઓ ચલાવી ગુજરાન ચલાવતા અનેક સ્થાનિક પરિવારોની રોજગારી પર સીધી અસર પડી હતી. પાલિકાની આ કડક કાર્યવાહીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળ્યો હતો. લોકોનો આક્રોશ પારખીને ઝંખનાબેન પટેલે મેદાનમાં આવીને સ્થાનિકોની આજીવિકા બચાવવા માટે વહીવટી તંત્ર સામે આ પ્રશ્ન ઉઠાવ્યો છે. વિકાસમાં સ્થાનિક ગ્રામજનોનો ફાળો સર્વોપરી: ઝંખનાબેનઝંખનાબેન પટેલે કમિશનરને કરેલી રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ડુમસ સી-ફેસ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે ત્યારે ત્યાં ઉભી થનારી તમામ આર્થિક તકો પર પ્રથમ હક સ્થાનિકોનો હોવો જોઈએ. ડુમસ, ભીમપોર અને સુલતાનાબાદ ગામના લોકોએ વર્ષોથી આ વિસ્તારના વિકાસમાં જે સહયોગ આપ્યો છે તેને અવગણી શકાય નહીં. પ્રોજેક્ટના અમલીકરણમાં ગ્રામજનોનો ફાળો પ્રશંસનીય રહ્યો છે, તેથી વળતર સ્વરૂપે તેમને વ્યવસાયિક એકમોની ફાળવણીમાં અગ્રતા આપવી એ નૈતિક રીતે પણ ખૂબ જ અનિવાર્ય છે. આર્થિક સદ્ધરતા માટે ખાસ નીતિ ઘડવાની ઉગ્ર માંગસ્થાનિક યુવાનો અને પરિવારોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે દુકાનોની ફાળવણીમાં 'પ્રાયોરિટી' આપવાની માંગણી કરવામાં આવી છે. ઝંખનાબેનનું માનવું છે કે કોઈપણ વિકાસલક્ષી પ્રોજેક્ટ ત્યારે જ ખરા અર્થમાં સાર્થક ગણાય જ્યારે તેમાં જે તે વિસ્તારના મૂળ રહીશોની સીધી ભાગીદારી હોય. જો બહારના લોકોને બદલે સ્થાનિકોને રોજગારી મળશે તો જ તેમનું જીવનધોરણ સુધરશે. પોતાના જ ગામની જમીન પર બનેલા પ્રોજેક્ટમાં જો સ્થાનિકોને આજીવિકા પ્રાપ્ત નહીં થાય તો વિકાસનો હેતુ અધૂરો રહી જવાની ભીતિ છે. પાલિકા હકારાત્મક નિર્ણય લેશે એવી આશાવિકાસના કામોમાં સ્થાનિકોને અવગણવાને બદલે તેમને પ્રોત્સાહન આપવા માટે ખાસ નીતિ બનાવવી જોઈએ તેવું આ રજૂઆતમાં જણાવાયું છે. ઝંખનાબેન પટેલે અંતમાં આશા વ્યક્ત કરી હતી કે સુરત મહાનગર પાલિકાના સત્તાધીશો આ સંવેદનશીલ મુદ્દે ચોક્કસપણે હકારાત્મક વલણ અપનાવશે. સ્થાનિક ગ્રામજનોના હિતમાં અને તેમની આજીવિકાના રક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર યોગ્ય નીતિવિષયક નિર્ણય લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.
જૂનાગઢમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ખાસ અદાકારી અને બાબા બોલે મેરી જાન ના ડાયલોગ્સ થી લાખો લોકોના દિલ જીતનાર ઇન્ફ્લુએન્સર હવે કાયદાના શકંજામાં આવી ગયો છે. સોશિયલ મીડિયા પર ડાન્સ અને મનોરંજક વીડિયો મૂકીને ખ્યાતિ મેળવનાર આ શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં આ રંગીલા મિજાજ ધરાવતા ઇન્ફ્લુએન્સરની અસલી ઓળખ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી ત્યારે આ મોટી સફળતા હાથ લાગી છે. જિલ્લામાં વધતી જતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને હથિયારોની હેરફેર પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત એસઓજીની ટીમ સતત પેટ્રોલિંગ અને બાતમીદારોના સંપર્કમાં હતી. આ દરમિયાન એસઓજીના જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે સોશિયલ મીડિયા પર જાણીતો બનેલો શબીર ઉર્ફે બાબા મહમદ શેખ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફરે છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી હતી. બાબા તરીકે ઓળખાતો આ શખ્સ જ્યારે જાહેરમાં હથિયાર સાથે હોવાની ખાતરી થઈ ત્યારે પોલીસે તેને દબોચી લેવા માટે છટકું ગોઠવ્યું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે શબીર ઉર્ફે બાબા મહમદ શેખ સોનરખ નદીના કાંઠે શંકાસ્પદ હાલતમાં બેઠો હતો. મજેવડી દરવાજાથી ભરડાવાવ દરવાજા તરફ જતા પ્રથમ વળાંક પાસે નદીના પટમાં પોલીસની ટીમે ઓચિંતી રેડ પાડી હતી. પોલીસને જોઈને આ ઇન્ફ્લુએન્સર ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ જવાનોએ તેને કોર્ડન કરી લીધો હતો. તેની અંગઝડતી લેતા તેના પેન્ટના નેફાના ભાગમાંથી લોડેડ પીસ્તોલ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જાહેરમાં રક્ષણ કે રુઆબ જમાવવા માટે રાખવામાં આવેલું આ હથિયાર ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ શું કરવાનો હતો તે દિશામાં હવે પોલીસે તપાસ તેજ કરી છે. આ કામગીરીમાં ધરપકડ કરાયેલા આરોપીની વિગતવાર માહિતી જોઈએ તો, 40 વર્ષીય શબીર ઉર્ફે બાબા મહમદ શેખ જે જૂનાગઢના જમાલવાડી વિસ્તારમાં લાખાપીરની દરગાહ પાસે રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી 20,000 રૂપિયાની કિંમતની એક નંગ પીસ્તોલ કબજે કરવામાં આવી છે. આ ગુનામાં અન્ય એક આરોપી અલ્ફેજ મેમણ જે જૂનાગઢના સુખનાથ વિસ્તારનો રહેવાસી છે તેનું નામ પણ ખુલ્યું છે, જોકે તે હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. એ ડીવીઝન પોલીસ મથકે આ મામલે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર સફળ ઓપરેશનમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમારના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વિક્રમભાઈ ચાવડા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઈ કુવાડિયા તેમજ હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ શેખવા, મેણસીભાઈ અખેડ અને પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલ, વિશાલભાઈ ઓડેદરા તથા ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ બકોત્રા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને વિક્રમભાઈ ચાવડા અને રોહિતભાઈ ધાધલને મળેલી સંયુક્ત બાતમી સફળ સાબિત થઈ હતી
અમરેલી જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ ટીમે અકસ્માતમાં ઘાયલ દર્દીનો કિંમતી સામાન પ્રામાણિકતાથી પરત કર્યો છે. ખાંભા-ઉના રોડ પર ચકરાવા ગામ નજીક મોટરસાયકલ સ્લીપ થતાં ઉનાના સોહિલ ઈકબાલ શેખ (ઉંમર 32) ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ, જેમાં ઈ.એમ.ટી. જીતેશ કલસરીયા અને પાયલોટ જયદીપ રેણુકાનો સમાવેશ થાય છે, તે ઘટનાસ્થળે ગણતરીની મિનિટોમાં પહોંચી હતી. ટીમે તાત્કાલિક સારવાર આપી ઘાયલ સોહિલને ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દી સાથે કોઈ સગા હાજર ન હોવાથી, 108 ટીમે તેમની પાસે રહેલો કિંમતી સામાન સુરક્ષિત રીતે જાળવી રાખ્યો હતો. બાદમાં દર્દીના પરિવારજનોને જાણ કરી હોસ્પિટલ ખાતે અંદાજિત રૂ. 3080 રોકડ, વિવિધ બેંકના ATM અને ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ બે કિંમતી મોબાઇલ ફોન (આઇફોન અને એન્ડ્રોઇડ) સુરક્ષિત રીતે પરત સોંપ્યા હતા. 108 સેવાના પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકી અને અમરેલી જિલ્લાના અધિકારી અમાનતઅલી નકવીએ આ ફરજનિષ્ઠા અને પ્રામાણિકતાના કાર્ય બદલ ટીમને બિરદાવી હતી. ઘાયલના પરિવારજનોએ પણ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો, જેનાથી સેવા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા સોપાન હાઈટ્સ બિલ્ડીંના સ્વિમિંગ પુલ નજીક રમતાં રમતાં બે બાળકો સ્વિમિંગ પૂલમાં પડી જવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. બનાવ અંગે જાણ થતા બિલ્ડિંગમાં જ સફાઈ કરતા બંને બાળકોના માતા પિતા દોડી આવ્યા હતા અને બન્નેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે બન્ને ભાઈ બહેનના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નેપાળી પરિવાર હજુ માત્ર 14 દિવસથી જ અહીંયા સફાઈ કામ કરવા માટે કામ પર લાગ્યો હતો. 7 અને 5 વર્ષના માસુમ બાળકોના મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની રેલ લાઇન નવ વર્ષના લાંબા ગાળા બાદ ફરી શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, 31 માર્ચના રોજ, ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા MEMU ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી આપશે. આ પહેલા આજે અસારવાથી હિંમતનગર થઈને ખેડબ્રહ્મા સુધી ઇલેક્ટ્રિક લોકોમોટિવનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. આ ટ્રાયલ દરમિયાન, ઇલેક્ટ્રિક એન્જિન હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે ત્રણ વખત દોડાવવામાં આવ્યું હતું અને પરત હિંમતનગર આવ્યું હતું. ભારતીય રેલવેના આધુનિકીકરણ અને ક્ષમતા વિસ્તરણના વિઝનના ભાગરૂપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં રૂ. 891 કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. આ મુખ્ય કાર્યક્રમ વાવ-થરાદ જિલ્લા ખાતે યોજાશે, જ્યાંથી વડાપ્રધાન વર્ચ્યુઅલી ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ રેલવે લાઇન પર પ્રથમ ટ્રેનનું ઈ-લોકાર્પણ કરશે. રેલવે વિભાગ દ્વારા હજુ સુધી ઉદ્ઘાટન કાર્યક્રમના સમય કે નવી MEMU ટ્રેનના સંચાલન સમયપત્રક અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક લોકોની અપેક્ષા છે કે આ ટ્રેન અસારવાથી ખેડબ્રહ્મા અને ખેડબ્રહ્માથી અસારવા સુધી દિવસ દરમિયાન દોડે, જેથી ખેડબ્રહ્માના માતાજીના દર્શને આવતા ભક્તોને સાચા અર્થમાં લાભ મળી શકે.
ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા તંત્રએ આ અંગે સ્પષ્ટતા કરી છે. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વેરાવળ પ્રાંત કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરએ જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે માટે આગોતરું આયોજન મજબૂત બનાવવા સૂચના આપી હતી. તેમણે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર પહોંચે તે માટે તંત્રને વધુ સક્રિય બનવા જણાવ્યું હતું. ગેસ પુરવઠાની સમીક્ષા કરતાં કલેક્ટરએ પાઈપ નેચરલ ગેસ (PNG)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, મધ્યાહન ભોજન કેન્દ્રો અને સામાજિક સંસ્થાઓમાં PNG કનેક્શનને પ્રાથમિકતા આપવા સૂચના અપાઈ હતી. ડબલ કનેક્શન ધરાવતા નાગરિકોને વધારાના LPG સિલિન્ડર સરેન્ડર કરવા પણ અપીલ કરાઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ 21 ગેસ એજન્સીઓ કાર્યરત છે, જ્યાં 6209 સિલિન્ડર ઉપલબ્ધ છે અને 2912 સિલિન્ડરનો સ્ટોક માર્ગમાં છે. આ ઉપરાંત, 125થી વધુ પેટ્રોલપંપ અને 10થી વધુ CNG પંપ દ્વારા ઇંધણનો પુરવઠો સરળતાથી ચાલી રહ્યો છે. તંત્ર દ્વારા રોજિંદા ધોરણે સ્ટોકનું મોનીટરીંગ કરવામાં આવે છે. કલેક્ટરએ નાગરિકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં ગભરાટ સર્જવાને બદલે તંત્ર પર વિશ્વાસ રાખવો જરૂરી છે. સંગ્રહખોરી અને કાળા બજાર સામે તંત્રે કડક વલણ અપનાવ્યું છે. 16 માર્ચથી 26 માર્ચ દરમિયાન દસ દિવસમાં કુલ 71 તપાસણીઓ હાથ ધરાઈ હતી, જેમાં રૂ. 6.14 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગેરરીતિ રોકવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિત ઓઈલ કંપનીઓ, ગેસ એજન્સીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. તંત્રની સજાગ કામગીરીને કારણે હાલ જિલ્લામાં પુરવઠાની સ્થિતિ સ્થિર છે અને નાગરિકોને ગભરાવાની કોઈ જરૂર નથી.
દાહોદ જિલ્લામાં ગેસ, પેટ્રોલ અને ડીઝલ જેવા જીવનજરૂરી ઈંધણનો પુરવઠો ખોરવાય નહીં અને નાગરિકોને હાલાકી ન પડે તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં તાજેતરમાં ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપ સંચાલકો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં ઈંધણના વિતરણને વધુ સુવ્યવસ્થિત કરવા અને છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા. બેઠકમાં કલેક્ટરે ગેસ એજન્સીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે ગ્રાહકોને સિલિન્ડરના વિતરણમાં કોઈપણ પ્રકારનો વિલંબ થવો જોઈએ નહીં. ખાસ કરીને ઈ-કેવાયસી (e-KYC)ની પ્રક્રિયામાં ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સ્થાનિક સ્તરે જ આ કામગીરી પૂર્ણ કરવા જણાવાયું હતું. ગેસ રિફિલિંગ માટે બુકિંગ કર્યા બાદ કેટલા દિવસમાં ડિલિવરી થાય છે તેનું નિયમિત મોનિટરિંગ કરવા અને નવા કનેક્શન લેવા ઈચ્છતા નાગરિકોને કોઈપણ જટિલ પ્રક્રિયા વગર ઝડપથી કનેક્શન આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત ન સર્જાય તે માટે હવે તમામ પેટ્રોલ પંપ સંચાલકોએ તેમના સ્ટોક અંગેનો દૈનિક રિપોર્ટ વહીવટી તંત્રને ફરજિયાત મોકલવો પડશે. આ ઉપરાંત, કેરોસીનના વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરતા જણાવાયું હતું કે હવે માત્ર IOCL (ઇન્ડિયન ઓઇલ) ના પેટ્રોલ પંપો જ કેરોસીન વિતરણ માટે અધિકૃત રહેશે. તમામ તાલુકાના મામલતદારો પાસેથી જરૂરિયાત મુજબની માંગ મંગાવીને જ જથ્થો ફાળવવામાં આવશે. કલેક્ટર યોગેશ નિરગુડેએ ખાસ ભાર મૂક્યો હતો કે જિલ્લામાં ઈંધણની અછત અંગેની ખોટી અફવાઓ ફેલાવતા તત્વો સામે સતર્ક રહેવું. જો અફવાને કારણે પેટ્રોલ પંપ કે ગેસ એજન્સી પર બિનજરૂરી ભીડ ઉભી થાય, તો સંચાલકોએ તાત્કાલિક પોલીસ અથવા વહીવટી તંત્રને જાણ કરવાની રહેશે. આ સાથે સિટી ગેસ પ્રોજેક્ટ હેઠળ પાઇપલાઇન દ્વારા અપાતા કનેક્શનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં જિલ્લામાં ઈંધણનો પુરવઠો સતત જળવાઈ રહે અને સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજનનો છે.
દેવગઢબારિયા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ અને બજેટ મુદ્દે સર્જાયેલી મડાગાંઠનો આખરે સુખદ અંત આવ્યો છે. ગત 20 માર્ચના રોજ જે બજેટને બહુમતીથી ફગાવી દેવામાં આવ્યું હતું, તે જ બજેટ આજે મળેલી ખાસ સામાન્ય સભામાં 24 સભ્યોની સર્વસંમતિ સાથે મંજૂર કરવામાં આવ્યું છે. ₹37 કરોડ ઉપરાંતનું આ બજેટ પસાર થતાની સાથે જ નગરમાં અટકેલા વિકાસના કાર્યોને હવે ગતિ મળશે. રાજકીય નેતાઓની મધ્યસ્થીઉલ્લેખનીય છે કે, 20 માર્ચના રોજ ભાજપના બળવાખોર સભ્યો, અપક્ષો અને કોંગ્રેસના સભ્યોએ એકજૂથ થઈ 16 સભ્યોની બહુમતી સાથે બજેટને ના મંજૂર કર્યું હતું. બજેટ અટવાતા જ 31 માર્ચની ડેડલાઈન પહેલા તેને મંજૂર કરાવવા ભાજપ સક્રિય બન્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા, ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના દિગ્ગજ નેતાઓએ મેદાને આવી બળવાખોર સભ્યો સાથે મેરેથોન ચર્ચાઓ કરી હતી. પ્રદેશ નેતૃત્વના હસ્તક્ષેપ અને સમજાવટ બાદ અંતે બળવાખોરો અને અપક્ષો નગરના હિતમાં બજેટને ટેકો આપવા સહમત થયા હતા. પૂર્વ પ્રમુખ નીલ સોનીનું નિવેદનઆ અંગે પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર નીલ સોનીએ જણાવ્યું હતું કે, નગરના વિકાસ માટે વ્યક્તિગત સ્વાર્થ છોડીને આજે તમામ સભ્યોએ એકતા દર્શાવી છે. નગરજનો લાંબા સમયથી રોડ-રસ્તા, લાઈટ અને સફાઈ જેવી પાયાની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. ખાસ કરીને ખાનગી સોસાયટીઓમાં રસ્તા બનાવવા અને જનહિતના કામો અટકે નહીં તે હેતુથી ધારાસભ્ય અને સાંસદના માર્ગદર્શન હેઠળ આજે બહુમતીથી બજેટ પસાર કરાયું છે. બજેટ મંજૂર, પણ અન્ય મુદ્દાઓ પર વિરોધ યથાવતપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલે માહિતી આપતા જણાવ્યું કે, આજની સભામાં બજેટ સહિત કુલ 9 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જેમાંથી બજેટ તો 24 સભ્યોની સંમતિથી પસાર થઈ ગયું, પરંતુ બાકીના 8 મુદ્દાઓ પર ભાજપના 6 બળવાખોર અને 2 કોંગ્રેસી સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે, ભાજપના 8 વફાદાર સભ્યો, 7 અપક્ષ અને 1 કોંગ્રેસી સભ્યના સમર્થનથી અન્ય તમામ મુદ્દાઓ પણ બહુમતીથી મંજૂર કરી દેવામાં આવ્યા છે. આમ, દેવગઢબારિયામાં ચાલી રહેલા સત્તા સંઘર્ષમાં આખરે વિકાસની જીત થઈ છે.
નવસારી LCBએ ₹22.68 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો:બોરીયાચ ટોલનાકા પાસે આઈસર ટેમ્પોમાંથી 6,276 બોટલો જપ્ત
નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ નેશનલ હાઈવે નંબર-48 પર બોરીયાચ ટોલનાકા પાસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક આઈસર ટેમ્પોમાંથી ₹22.68 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 6,276 નંગ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. LCB ટીમે ₹12.58 લાખની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, વ્હિસ્કી, વોડકા અને બિયરના ટીન ભરેલા 188 પૂંઠાના બોક્સ જપ્ત કર્યા હતા. દારૂના જથ્થા ઉપરાંત, ₹10 લાખનો આઈસર ટેમ્પો (નંબર MH 43 CQ 1036) અને ₹10,000નો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. સુરત વિભાગના આઈજી પ્રેમ વીર સિંહ અને નવસારી એસપી રાહુલ પટેલની સૂચના મુજબ, LCB પીઆઈ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન એએસઆઈ દિગ્વીજયસિંહ અને પીસી મનોજકુમારને મુંબઈથી અમદાવાદ તરફ જતા હાઈવે પર દારૂના મોટા જથ્થાની હેરાફેરી થવાની ગુપ્ત બાતમી મળી હતી. બાતમીના આધારે, પીએસઆઈ એમ.બી. ગામીત અને તેમની ટીમે બોરીયાચ ટોલનાકાથી 150 મીટર દૂર નાકાબંધી ગોઠવી વોચ રાખી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ આઈસર ટેમ્પોને અટકાવી તલાશી લેતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ઉત્તર પ્રદેશના રહેવાસી મેનુદ્દીન અકબાલ નેવાસઅલી સમાની (ઉંમર 32) ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના ભીવંડી ખાતે આવેલા ઇન્ડિયન કમ્પાઉન્ડના ગોડાઉનમાંથી સુરેન્દ્રસિંગ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો. આ જથ્થો સુરત ખાતે કોઈ અજાણ્યા ઈસમને પહોંચાડવાનો હતો. આ કેસમાં ભીવંડી, મહારાષ્ટ્રના સુરેન્દ્રસિંગ (દારૂ ભરાવી આપનાર), સુરેન્દ્રસિંગના બે અજાણ્યા માણસો અને સુરત ખાતે જથ્થો સ્વીકારનાર એક અજાણ્યા ઈસમ સહિત કુલ ચાર આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રમેશ રબારીને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. સસ્પેન્શનના આદેશ બાદ રમેશ રબારીએ સોશિયલ મીડિયા પર ઓડિયો અને વીડિયો વાયરલ કરી જિલ્લા પ્રમુખ કિશોર ચીખલીયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જમીન કૌભાંડ અને ભાજપ સાથેના જોડાણના આક્ષેપોરમેશ રબારી દ્વારા વાઈરલ કરવામાં આવેલા ઓડિયોમાં ટંકારાના એક જમીન કૌભાંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે વીડિયો સંદેશમાં આક્ષેપ કર્યો છે કે, પક્ષમાં રહીને થતા કૌભાંડોને ઉજાગર કરવા તે પક્ષ વિરોધી પ્રવૃત્તિ નથી. રબારીએ પ્રમુખ કિશોર ચીખલીયા પર પ્રહાર કરતા જણાવ્યું કે, ચીખલીયાના પત્ની ભાજપ સાથે જોડાયેલા છે અને તેઓ ભાજપની પ્લેટ ધરાવતી ગાડીનો ઉપયોગ કરે છે. વધુમાં, ભૂતકાળમાં જ્યારે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું, ત્યારે કિશોર ચીખલીયાએ પક્ષ સામે બળવો કરીને પ્રમુખ પદ મેળવ્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. શિસ્તભંગના પગલે કાર્યવાહી: જિલ્લા પ્રમુખઆ વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ જણાવ્યું હતું કે, રમેશ રબારી છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર પક્ષના આગેવાનો વિરુદ્ધ અશોભનીય લખાણો લખતા હતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. મોરબી જિલ્લામાં કોંગ્રેસને નુકસાન ન થાય તે હેતુથી તેમને મહામંત્રી પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે, જોકે પક્ષમાંથી હજુ સસ્પેન્ડ કરાયા નથી. ભૂતકાળના બળવા અંગે ખુલાસોપોતાના પર લાગેલા બળવાખોરીના આક્ષેપો અંગે કિશોર ચીખલીયાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમના ભૂતકાળ વિશે સ્થાનિક સ્તરથી લઈ રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વ સુધીના તમામ લોકો માહિતગાર છે. તેમના પત્ની ગત ટર્મમાં ભાજપમાંથી ચૂંટાયા હોવાની વાત પણ જગજાહેર છે. તેમણે ઉમેર્યું કે, પક્ષમાં શિસ્ત જાળવવા માટે લીધેલા નિર્ણય સામે રમેશ રબારી હતાશામાં પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે.
આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત PM મોદી આવતીકાલે ગુજરાતને 19,800કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે, જેમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ, જૈન વિરાસત મ્યુઝિયમ, રેલવે પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેડિકલ રિપોર્ટમાં પેટ્રોલ નાખ્યું હોવાની પુષ્ટિ નહીં રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવા પર પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખી અત્યાચાર કરવાનો આક્ષેપ કરનાર યુવકનો મેડિકલ રિપોર્ટ આવ્યો. જેમાં આ વાતની પુષ્ટિ નથી થઈ. જો કે જીજ્ઞેશ મેવાણીએ રિપોર્ટ પર ભરોસો ન હોવાનું કહ્યું, તો ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ બાંગરવા સામે ફરિયાદ નોંધી સસ્પેન્ડ કરવાની માગ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 24 કલાકમાં ચાર લોકો નર્મદા કેનાલમાં તણાયા ગાંધીનગરમાંથી પસાર થતી નર્મદા કેનાલે પાછલા 24 કલાકમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો. ભાઈએ કેનાલમાં પડતું મુકતા રોકવા ગયેલો ભાઈ પણ કેનાલમાં ખાબક્યો. તો બે પિતરાઈનો પગ લપસતા તેઓ પણ કેનાલમાં ખાબક્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધર્મના મામાએ 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું પાટણમાં ધર્મના મામાએ 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું.પાંચ મહિનામાં ચાર વાર શારિરિક સંબંધો બાંધતા બાળકીને 4 માસનો ગર્ભ રહ્યો. પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિનિયર ડોક્ટર્સની મનમાનીને લઈને સિવિલ વિવાદમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ વિવાદમાં. લાખોનો પગાર લેતા સિનિયર ડોક્ટરો હાજરી પૂરાવીને રવાના થઈ જતા હોવાનો આક્ષેપ કરાયો છે.. આક્ષેપ કોઈ બીજાએ નહીં સિવિલના જ અન્ય ડોક્ટર્સે કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડ્રાઈવરને ઝોકું આવતા જાનૈયા ભરેલી બસ પલટી ખાઈ ગઈ અમરેલીના લાઠી તાલુકામાં જાનૈયા ભરેલી બસ પલટી ખાઈ ગઈ.જેમાં અંદાજે 40 જાનૈયાઓમાંથી 25 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે.ડ્રાઈવરને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાઈકલ લઈ જઈ રહેલા વૃદ્ધને કારે કચડ્યા વડોદરાના રાજીવનગર વિસ્તારમાં કાર ચાલકે સાયકલ પર જઈ રહેલા વૃદ્ધને કચડ્યા એટલું જ નહીં વૃદ્ધને લગભગ 20 ફૂટ સુધી ઢસડ્યા બાદ કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. વૃદ્ધની હાલત ગંભીર છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરત પોલીસે ઝડપી હની ટ્રેપ ગેંગ સુરતમાંથી ઝડપાઈ હની ટ્રેપ ગેંગ.. કન્સ્ટ્રક્શન સાઈટના સુપરવાઈઝરે ફિમેલ સર્વિસ માધ્યમથી યુવતીને ઘરે બોલાવી. જો કે નકલી પોલીસ તરત જ ત્રાટકી અને યુવક પાસેથી પાંચ લાખ રુ. ખંખેરી લીધા..પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક એલર્ટ થઈ સર્ચ ઓપરેશન શરુ કર્યું.. જો કે લાંબી તપાસ બાદ કંઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતા તંત્રએ હાશકારો લીધો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2જી એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા 2જી એપ્રિલ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર રહી શકે છે. અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે વડોદરાની નંદેસરી GIDC નજીક રાધીયાપુરા ગામે ગૌતમભાઈ પઢીયારના કબ્જાની ખુલ્લી જમીનમાં વિદેશી દારૂના કટીંગ સમયે રેડ કરવામાં આવી હતી. જેમાં 43.46 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 16,669 બોટલ 8 વાહનો, 11 મોબાઈલ ફોન, રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1.40 કરોડથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન એક્ટની વિવિધ કલમો તથા ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચાલી રહી છે. રેડ દરમિયાન મુખ્ય આરોપી ઇજાગ્રસ્ત રેડ દરમિયાન મુખ્ય આરોપી સુનિલ મોતીલાલ ટેલરે પોલીસને જોઈને ટ્રક પરથી કૂદી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેના બંને પગ અને હાથમાં ઇજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ છેલ્લા 3 મહિનાથી સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી હરિયાણા તથા સેલવાસથી ટ્રક અને કન્ટેનર મારફતે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવીને અહીં કટીંગ કરી વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરોને સપ્લાય કરતા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તા. 2 ફેબ્રુઆરી 2026ના રોજ જવાહરનગર વિસ્તારમાં પણ આવી જ કાર્યવાહી કરી રૂપિયા 53.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે કેસમાં વોન્ટેડ રહેલો મુખ્ય આરોપી મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસીંગાની આ રેડ દરમિયાન ઝડપાઈ ગયો છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલા તથા વોન્ટેડ આરોપીઓમાં કેટલાક સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ખાસ કરીને સુનિલ મોતીલાલ ટેલર સામે 110થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અન્ય આરોપીઓ સામે પણ અનેક પ્રોહિબીશન અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કને તોડી પાડવા અને વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. પકડાયેલ 6 આરોપીઓ (1) મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસીંગાની(2) સુનિલ મોતીલાલ ટેલર (દરજી) (3) ધર્મેન્દ્ર ઉર્ફે લાલો સંપતસિંહ ચૌહાણ (4) જીતેન્દ્ર ઉર્ફે જીતુ સંપતસિંહ ચૌહાણ (5) વિક્રમસીંગ દિવાનસીંગ તથા (6) કીર્તિકુમાર નાનાલાલ મીણા તેમજ વોન્ટેડ 10 આરોપીઓ (1) લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હેમંતદાસ ખાનાણી (2) સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઈ કેવલરામાણી (3) મોહિત ઉર્ફે બોબડો દિલીપભાઈ અગ્રવાલ (4) હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપભાઈ અગ્રવાલ (5) કાલુ ઉર્ફે ટોપી સુંદરલાલ તેલવાની (6) સેલવાસ ખાતેથી દારૂનો જથ્થો ભરી આપનાર ગઢવી (7) દિપેન દિનેશભાઈ વાળા (8) વિનોદ વિજયગીરી ગોસ્વામી (9) ગૌતમભાઈ પઢીયાર (10) ટાટા ટ્રક નં.GJ-17-XX-1877નો ડ્રાઈવર આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ :- (1) સુનિલ મોતીલાલ ટેલર (દરજી) :- પ્રોહીબીશન ધારા હેઠળના-107થી વધુ, ગુજસીટોક હેઠળનો-1, ખૂનની કોશીષ તથા આર્મ્સ એક્ટ હેઠળનો-1 તથા અન્ય મળી આશરે 110થી વધુ ગુનાઓ (2) મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસીંગાની :- પ્રોહીબીશન ધારા હેઠળના 8 જ્યારે અન્ય હેડ હેઠળનો 1 મળી કુલ-9 ગુનાઓ (3) લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હેમંતદાસ ખાનાણી :- પ્રોહીબીશન ધારા હેઠળના 39 જ્યારે અન્ય હેડ હેઠળના 5 મળી કુલ-44 ગુનાઓ (4)કાલુ ઉર્ફે ટોપી સુંદરલાલ ટેલવાણી :- પ્રોહીબીશન ધારા હેઠળના 24 ગુનાઓ (5) સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઈ કેવલરામાણી :- પ્રોહીબીશન ધારા હેઠળના 8 જ્યારે અન્ય હેડ હેઠળના 2 મળી કુલ-10 ગુનાઓ (6)મોહિત ઉર્ફે બોબડો દિલીપભાઈ અગ્રવાલ :- પ્રોહીબીશન ધારા હેઠળના 9 ગુનાઓ (7) હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપભાઈ અગ્રવાલ :- પ્રોહીબીશન ધારા હેઠળના 8, જુગારધારા હેઠળના 2 (8) ધર્મેન્દ્ર ઉર્ફે લાલો સંપતસિંહ ચૌહાણ :- પ્રોહીબીશન ધારા હેઠળના ૦૫ ગુનાઓ તથા અન્ય હેડ હેઠળના ૦૨ મળી કુલ-૧૨ ગુનાઓ (9) દિપેન દિનેશભાઈ વાળા :- પ્રોહીબીશન ધારા હેઠળના 4 ગુનાઓ (10) જીતેન્દ્ર ઉર્ફે જીતુ સંપતસિંહ ચૌહાણ :- પ્રોહીબીશન ધારા હેઠળના 3 ગુનાઓ (11) વિનોદ વિજયગીરી ગોસ્વામી :- પ્રોહીબીશન ધારા હેઠળના 2 ગુનાઓ
નવસારીમાં આગામી એપ્રિલ માસમાં 'આદિવાસી પ્રીમિયર લીગ' (APL)નું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી યુવાનોની ખેલ પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને સામાજિક ઉત્થાનના હેતુથી આ લીગ યોજાશે. ગાંધી કોલેજ ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. આદિવાસી પ્રીમિયર લીગનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને સંગઠિત કરવાનો અને તેમના સામાજિક ઉત્થાનનો છે. ટુર્નામેન્ટના વાઇસ ચેરમેન ડૉ. ચિંતન પટેલે જણાવ્યું કે, આ લીગ દ્વારા પ્રાપ્ત થનાર આર્થિક લાભનો ઉપયોગ ગ્લોબલ ગ્રાસરૂટ વિકાસ ટ્રસ્ટ (GGVT) દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્લાસીસ શરૂ કરવા માટે કરવામાં આવશે. તાજેતરમાં નવસારીના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું. જેમાં 320 થી 360 જેટલા ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. આ હરાજી પ્રક્રિયામાં 120 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જેઓ 8 ટીમોમાં વહેંચાઈને મેદાનમાં ઉતરશે. ત્રણ દિવસીય આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ₹66,666 અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. જ્યારે રનર્સ અપ ટીમને ₹44,444 અને ટ્રોફી મળશે. આદિવાસી પ્રીમિયર લીગની મેચો 10, 11 અને 12 એપ્રિલના રોજ ગાંધી કોલેજના મેદાન પર રમાશે. આ આયોજનને સફળ બનાવવા માટે ચેરમેન મનહર દોઢિયા, વાઇસ ચેરમેન ડૉ. ચિંતન પટેલ અને સેક્રેટરી (GGVT કન્વીનર) તેજસ પટેલની આગેવાની હેઠળની ટીમ કાર્યરત છે. આયોજકોએ જણાવ્યું કે, ક્રિકેટના માધ્યમથી આદિવાસી યુવાનોને રમતગમત અને શિક્ષણ બંને ક્ષેત્રે આગળ વધવાનો સંદેશ આપવાનો તેમનો લક્ષ્ય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે એક મોટા દરોડામાં ₹42 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. વાડીમાં 'ખાસ ભોંયરું' બનાવી છુપાવ્યો હતો જથ્થોઆરોપીઓએ પોલીસથી બચવા માટે એક અનોખી તરકીબ અપનાવી હતી. સાંગોઇ ગામની સીમમાં આવેલી વાડીમાં આરોપી રામકુભાઈ ઉર્ફે લાલો શાંતુભાઈ તકમરિયાએ જમીનમાં મોટો ખાડો ખોદી, ભોંયરા જેવું ગુપ્ત સ્થળ બનાવ્યું હતું. આ ભોંયરામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો સ્ટોક છુપાવવામાં આવ્યો હતો, જેથી કોઈને શંકા ન જાય. મુદ્દામાલની વિગતધજાળા પોલીસ સ્ટેશનના PSI એસ.પી. ઝાલા અને તેમની ટીમે હાથ ધરેલી આ કાર્યવાહીમાં નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે: મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂરપોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે મુખ્ય આરોપી રામકુભાઈ તકમરિયા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. સચોટ બાતમી અને પોલીસના સતર્ક પેટ્રોલિંગને કારણે લાખોની કિંમતનો નશીલો પદાર્થ બજારમાં પહોંચે તે પહેલાં જ પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ટેક્સ વ્યાજ માફી યોજના 31 માર્ચે સમાપ્ત થશે:જામનગર મનપા કમિશનરે લાભ લેવા અપીલ કરી
જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ તબક્કામાં કરદાતાઓ માટે ખાસ વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. બાકી પ્રોપર્ટી ટેક્સ ધરાવતા નાગરિકો માટે આ એક સુવર્ણ તક છે, જેનો લાભ 31 માર્ચ, 2026 સુધી લઈ શકાશે. આ યોજનાને નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં આશરે 19,549 કરદાતાઓએ યોજનાનો લાભ લીધો છે. આ અંતર્ગત નાગરિકોને અંદાજે રૂ. 11.89 કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાને પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ. 151.76 કરોડ અને વોટર વર્ક્સ પેટે રૂ. 16.67 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. મનપાના આંકડા મુજબ, હજુ પણ અંદાજે 1.90 લાખ કરદાતાઓનો પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી છે. આ તમામ કરદાતાઓને વ્યાજમાં રાહત મેળવવા અને ભવિષ્યની દંડનીય કાર્યવાહી કે અગવડતાથી બચવા માટે ટેક્સ ભરી દેવા તાકીદ કરવામાં આવી છે. ટેક્સ ભરવાની અંતિમ તારીખ 31મી માર્ચ, 2026 છે, જે રાત્રે 12:00 વાગ્યા સુધી રહેશે. કરદાતાઓ પોતાની અનુકૂળતા મુજબ મહાનગરપાલિકાની કચેરી, વિવિધ સિવિક સેન્ટરો અથવા ઓનલાઇન માધ્યમથી ટેક્સ ભરી શકે છે. મહાનગરપાલિકા દ્વારા તમામ નગરજનોને અપીલ કરવામાં આવી છે કે, છેલ્લા દિવસની ભીડથી બચવા અને વ્યાજ માફીનો મહત્તમ લાભ લેવા માટે વહેલી તકે પોતાનો બાકી ટેક્સ ચૂકવી દેવો.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામે PM કિસાન સન્માન નિધિ યોજનાના ₹2000ની રકમને લઈને થયેલા પારિવારિક ઝઘડામાં 26 વર્ષીય પરિણીતા કોમલબેનનું મૃત્યુ થયું છે. પતિ સાથેની તકરાર બાદ તેમણે ઝેરી દવા પી કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટના ગત 24 માર્ચના રોજ બની હતી. બોરડી ગામના પંકજભાઈ અને તેમના પત્ની કોમલબેન બેંકમાંથી PM કિસાન સહાયના ₹2000 ઉપાડીને ઘરે આવ્યા હતા. આ રકમના ઉપયોગ બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સામાન્ય તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ કોમલબેને સૌ પ્રથમ ઝેરી દવા પી લીધી હતી અને પછી ઘર પાસે આવેલા કૂવામાં ઝંપલાવ્યું હતું. પરિણીતાને તાત્કાલિક કૂવામાંથી બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, 29 માર્ચ મોડી રાતે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ સમગ્ર મામલે શહેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા વિભાગ સેવા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સેવા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવેલા સેવાકાર્યોની ડોક્યુમેન્ટરી વિડીયો ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝા દ્વારા ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટની વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વડવાળા મંદિર દુધરેજના કોઠારી મુકુંદરામજીએ જણાવ્યું હતું કે, શિક્ષક, સંત અને સંઘ તરફ લોકો પ્રેમભાવથી જુએ છે. દેશમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો સેવા કરતા જોવા મળે છે. તેમણે સનાતન હિન્દુ સમાજને એક કરવાનું કાર્ય સંઘ કરી રહ્યું હોવાનું પણ ઉમેર્યું હતું. જાણીતા હાસ્ય કલાકાર અને પદ્મશ્રી ડો. જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં શુદ્ધ સેવા જ હોય છે. સેવામાં અહંકાર ન આવે તે માટે સંઘના નિયમોરૂપી છાપરું માથે રાખવું જોઈએ. તેમણે સેવાના હેવા પાડવા અને 'લેના બેંક' નહીં પણ 'દેના બેંક' બનવા પર ભાર મૂક્યો હતો. ડો. ત્રિવેદીએ કહ્યું કે, આપણી ભાષા, ભૂષા, ભોજન અને ભજન ક્યારેય ન બદલાવા જોઈએ, કારણ કે આ ચાર શબ્દો ન બદલાય તો જ નિસ્વાર્થ સેવાના માર્ગ પર ટકી શકાય છે. તેમણે સ્વયંસેવકને સર્વશ્રેષ્ઠ સેવક ગણાવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, સેવા એ હિન્દુ સમાજનો સહજ સ્વભાવ છે. વ્યાસજીએ કહ્યું છે કે પરોપકાર એ પુણ્ય છે અને બીજાને પીડા આપવી એ પાપ છે. તેમણે સંપૂર્ણ હિન્દુ સમાજમાં કોઈ વંચિત કે પીડિત ન રહેવું જોઈએ તેવી ભાવના વ્યક્ત કરી હતી. સુરેન્દ્રનગર વિભાગ કાર્યવાહ મનસુખભાઈ સભાણીએ માહિતી આપી હતી કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક પૂજનીય ડોક્ટર સાહેબના જન્મ શતાબ્દી વર્ષથી સંઘમાં સેવા વિભાગની શરૂઆત કરવામાં આવી છે. સંઘ દ્વારા સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વાવલંબનમાં સેવાકાર્યો કરવામાં આવે છે. દેશભરમાં 96045 સેવા કાર્યો ચાલી રહ્યા છે અને આ સેવાકીય કાર્યોનો વ્યાપ હજુ પણ વધારવો જોઈએ. સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સદ્ભાવ કાર્યનું કામ સંભાળનાર ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, સનાતન હિન્દુ ધર્મમાં આપણને ગળથૂથીમાં જ સેવાના સંસ્કાર મળે છે. તેમણે મતાંતરણ/ધર્માંતરણ કરાવ્યા વગર શુદ્ધ સાત્વિક સેવા કરવી એ આપણી પરંપરા હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષના પ્રારંભે સોફ્ટવેર મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે આગામી 1 અને 2 એપ્રિલ દરમિયાન મહાનગરપાલિકાની મિલકત વેરાની કામગીરી અને ઓનલાઇન સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મનપાના તમામ સોફ્ટવેરનું મેઇન્ટેનન્સ હોવાથી અન્ય તમામ ઓનલાઇન સુવિધાઓ પણ બંધ રહેશેમિલકત વેરો તા.1/4/2026 અને 2/4/2026ના રોજ મિલકત વેરાના સોફ્ટવેરનું મેઇન્ટેનન્સ હોવાથી કેશ કલેક્શન વિન્ડો (બારી) તેમજ ઓનલાઇન પેમેન્ટની સુવિધા સંપૂર્ણપણે બંધ રહેશે. આ સુવિધા તા.3/4/2026થી રાબેતા મુજબ શરૂ થશે. અન્ય ઓનલાઇન સેવાઓ તા.1/4/2026ના રોજ મનપાના તમામ સોફ્ટવેરનું મેઇન્ટેનન્સ હોવાથી અન્ય તમામ ઓનલાઇન સુવિધાઓ પણ બંધ રહેશે, જે તા.2/4/2026થી ફરી કાર્યરત થશે. જો ટેક્નિકલ કામગીરી નિર્ધારિત સમય કરતા વહેલી પૂર્ણ થશે તો ઓનલાઇન સુવિધાઓ વહેલા શરૂ કરી દેવામાં આવશે. નાગરિકોએ વેરો ભરવા કે અન્ય કામકાજ માટે ધક્કો ન ખાવો પડેમહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગના ઈ.ડી.પી. મેનેજર દ્વારા શહેરના તમામ નાગરિકોને આ ફેરફારની નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે, જેથી નાગરિકોએ વેરો ભરવા કે અન્ય કામકાજ માટે ધક્કો ન ખાવો પડે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એકલેરા ગામની સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ગ્રામપંચાયત કચેરીના મકાનમાં અભ્યાસ કરતા હોવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ફોટામાં વિદ્યાર્થીઓ પંચાયત કચેરીના ટેરેસ પર ભણતા જોવા મળ્યા હતા, જેના કારણે શિક્ષણ જગતમાં ચર્ચા જાગી હતી. આ મામલે વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ડો.રાજેશ્રી ટંડેલે સ્પષ્ટતા કરી છે. DEO ડો.રાજેશ્રી ટંડેલે જણાવ્યું કે એકલેરામાં સરકારી માધ્યમિક શાળાનું અત્યાધુનિક મકાન નિર્માણાધીન છે. તેનું કામ અંતિમ તબક્કામાં છે અને આગામી એક-બે મહિનામાં શિક્ષણ વિભાગને તેનો કબજો મળી જશે. હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વિદ્યાર્થીઓને સુવિધાજનક જગ્યાએ ભણાવવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે શાળાનું મકાન બનવામાં સમય લાગે છે, જે હવે લગભગ તૈયાર છે. કેટલાક તત્વો દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા તેમજ સરકારની છબી ખરડવા માટે આવા ફોટા વાયરલ કરવામાં આવ્યા હોઈ શકે છે. નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ અત્યાધુનિક સુવિધા ધરાવતા નવા મકાનમાં અભ્યાસ કરશે. DEOના જણાવ્યા અનુસાર, શાળાનું મકાન ન હોવાની વાત ખોટી છે. નવું બિલ્ડિંગ નિર્માણ હેઠળ હોવાથી કામચલાઉ વ્યવસ્થા કરાઈ છે. જૂન મહિનાના નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને નવા ઓરડા મળશે. સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાઈટેક સુવિધાઓ સાથે શિક્ષણ આપવા કટિબદ્ધ છે.
દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન પર તેમના દીદાર માટે સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન મુંબઈથી દાહોદ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની મુસાફરીની જાણ થતાં જ ભરૂચમાં વસતા વ્હોરા સમાજના પુરુષો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં પ્લેટફોર્મ પર એકઠા થયા હતા. ટ્રેન નિર્ધારિત સમય કરતાં મોડી આવતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચતા જ સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન ટ્રેનના પાછળના સ્પેશિયલ બોગીમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ કાચની કેબિન નજીક દેખાતા જ હાજર ભીડે ‘મૌલા મૌલા’ના નારા લગાવ્યા હતા અને તેમના દીદાર માટે પડાપડી કરી હતી. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ તેમજ હોમગાર્ડ્સ સ્થળ પર તૈનાત રહ્યા હતા. પોલીસની તકેદારીને કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.
હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં આજે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાએ મોતીપુરાથી સહકારી સુધીના સર્વિસ રોડને પહોળો કરવા, મેડી ટીંબા માધ્યમિક શાળાની જમીન અને મકાનની ગ્રાન્ટ, દેરોલ બ્રિજ, નેશનલ હાઈવે ગાંભોઈ ખાતે ફ્લાયઓવર, શહેરમાં ટ્રાફિક સમસ્યા અને કડોલી ખાતે સાબરમતી નદી પર બ્રિજ જેવા મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ ઉપરાંત, તેમણે ખેડતસિયા રોડ પર રેલવે ફાટક, નવા રોડ પર સાઈન બોર્ડ અને રોડને ચાર માર્ગીય બનાવવા અંગે રજૂઆત કરી હતી. પુરાલ, રણાસન, નવલપુર માર્ગના કામો તેમજ ઘોરવાડા અને કાણીયોલ માઈનોર સિંચાઈ કેનાલ સહિતના લોકહિતના પ્રશ્નો પણ તેમણે રજૂ કર્યા હતા. બેઠકના ભાગ-૨ માં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ અને સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો પર ચર્ચા થઈ હતી. જિલ્લા કલેક્ટરે જળસંચય અભિયાન અને વીજ બચાવ અભિયાન અંતર્ગત દરેક અધિકારીઓને પોતપોતાના વિભાગ અને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર કિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે.પી. પાટીદાર, પ્રાંત અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
'દેશમાંથી કાઢી મૂકો 40,000 અમેરિકન સૈનિકો...', ટ્રમ્પની હરકતોથી નારાજ જર્મનીમાં ઊઠી માગ
Germany vs Trump: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સત્તા આવ્યા બાદ મોટાભાગના સહયોગી દેશ નારાજ જોવા મળ્યો છે. જેમાં નાટો સહિત અનેક સહયોગી દેશો વોશિંગ્ટનનો વિરોધ કરી રહ્યા છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ અમેરિકાના સૌથી મોટા મિત્ર દેશ જર્મનીમાં વોશિંગ્ટનનો વિરોધ યથાવત છે. ત્યાંની દક્ષિણપંથી પાર્ટીએ દેશમાં તૈનાત 40,000 અમેરિકન સૈનિકોને પણ બહાર નીકાળવાની માગ કરી છે. આ સાથે અમેરિકન અને સહયોગી દેશોના બેઝ અને પરમાણુ હથિયારોને પણ દેશમાંથી બહાર કાઢવાની વાત કહેવામાં આવી રહી છે.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’
રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં ગરીબોને મફત અને ત્વરિત સારવાર મળે તે માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં માનવતા નેવે મૂકાઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ગરીબ મહિલા દર્દીને હાથમાં ગંભીર ફ્રેક્ચર હોવા છતાં માત્ર 'આયુષ્માન કાર્ડ' ન હોવાના બહાને ઓપરેશન કરવાની ના પાડી દેવામાં આવી હતી. પાંચ દિવસ સુધી પીડામાં કણસતા દર્દીની વહારે જ્યારે રાજકીય નેતાઓ આવ્યા ત્યારે જ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું. કાર્ડ હોત તો સરકારીમાં શું કામ આવત ?:શાંતાબેન આ સમગ્ર ઘટનાના કેન્દ્રમાં રહેલા પીડિત દર્દી શાંતિબેને પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, હું પડી ગઈ હોવાથી મારા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. ઓપરેશન કરાવવા માટે હું આશા સાથે સિવિલ હોસ્પિટલ આવી હતી. શનિવારે મારો કેસ કાઢવામાં આવ્યો અને મને ખાતરી અપાઈ કે દાખલ કરી દેવામાં આવશે. બે દિવસ સુધી મને હોસ્પિટલમાં રાખવામાં આવી અને કહેવાયું કે બુધવારે ઓપરેશન થશે. પરંતુ જ્યારે બુધવારે હું ઓપરેશન માટે તૈયાર થઈ ત્યારે હોસ્પિટલના સ્ટાફે મને સ્પષ્ટ કહી દીધું કે 'તમારું આયુષ્માન કાર્ડ લઈ આવો તો જ ઓપરેશન થશે'. મારી પાસે કાર્ડ નહોતું, એટલે જ તો હું સરકારી હોસ્પિટલમાં આવી હતી! જો મારી પાસે કાર્ડ કે પૈસા હોત તો મારે અહીં ધક્કા ખાવાની જરૂર જ શું હતી ? ઓપરેશન જેવી કટોકટીની સ્થિતિમાં પણ હોસ્પિટલ તંત્રએ સંવેદના બતાવવાને બદલે માત્ર કાગળ અને કાર્ડનો આગ્રહ રાખ્યો હતો. પાંચ દિવસ સુધી તેઓ અસહ્ય પીડા સાથે હોસ્પિટલના ઉંબરા ઘસતા રહ્યા હતા. વિપક્ષ નેતા લલિત પરસાણાના આકરા પ્રહાર જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આ મામલે હોસ્પિટલ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ કરોડોના ખર્ચે બની છે, છતાં અહીં ડોક્ટરોની મનમાની ચાલે છે. એક ગરીબ બહેનને ફ્રેક્ચર હોવા છતાં કાર્ડ વગર ઓપરેશન ન કરવાની જીદ પકડવી એ શરમજનક છે. સરકારના નિયમ મુજબ સરકારી હોસ્પિટલમાં કોઈ પણ કાર્ડ વગર મફત સારવાર મળવી જોઈએ. આયુષ્માન કાર્ડની જરૂરિયાત ખાનગી હોસ્પિટલોમાં હોવી જોઈએ સરકારીમાં નહીં.જ્યારે અમે હોસ્પિટલના જવાબદાર અધિકારી અગ્રાવત સાહેબને પૂછ્યું કે શું કાર્ડ વગર ઓપરેશન ન કરવાનો કોઈ સરકારી પરિપત્ર (GR) છે ? ત્યારે તેમણે સ્વીકાર્યું કે આવો કોઈ નિયમ નથી. આ તો માત્ર ગરીબોને હેરાન કરવાની અને જવાબદારીમાંથી છટકવાની ડોક્ટરોની રીત છે. આધાર કાર્ડ કે કૂપનમાં નાની ભૂલ હોય તો પણ ગરીબ દર્દીઓને સારવાર આપવાને બદલે ધક્કા ખવડાવવામાં આવે છે. ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે ભૂલ સ્વીકારવાના બદલે PMJAY ના ફાયદા કહ્યા આ વિવાદ વકરતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પીએમજેવાય (PMJAY) યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ પરિવાર દીઠ વાર્ષિક 10 લાખ સુધીની મફત સારવાર મળે છે, જેનો લાભ સિવિલમાં વધુમાં વધુ લેવામાં આવે છે. આ કાર્ડથી આવતા ફંડનો ઉપયોગ હોસ્પિટલની સુવિધાઓ વધારવા માટે થાય છે. જોકે કાર્ડ ન હોય તેવા દર્દીઓ માટે તેમણે સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ દર્દી પાસે કાર્ડ ન હોય તો તેની સારવાર રોકવામાં આવતી નથી. આવી સ્થિતિમાં 'રોગી કલ્યાણ સમિતિ' (RKS) કાર્યરત છે. આ સમિતિ પાસે વિશેષ સત્તા છે કે ગરીબ દર્દીને માનવતાના ધોરણે મફત સારવાર પૂરી પાડવી. દસ્તાવેજોના અભાવે કોઈ પણ દર્દીનું ઓપરેશન અટકવું જોઈએ નહીં. આ કિસ્સામાં પણ અમે હવે ઓપરેશન કરવાની ખાતરી આપી છે અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ગરીબો માટે ' તંત્રની મનમાની' કે 'વહીવટી અરાજકતા'? આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સરકારી કાગળ પરની યોજનાઓ અને જમીની હકીકત વચ્ચે મોટો તફાવત છે. ઓપરેશન જેવી ઈમરજન્સી સેવાઓમાં શું કાર્ડ માનવતા કરતા વધુ કિંમતી બની ગયા છે? જ્યારે રાજકીય દબાણ આવે ત્યારે જ વહીવટી તંત્ર કેમ જાગે છે ? શાંતિબેન જેવા અસંખ્ય દર્દીઓ આજે પણ સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સારવાર માટે વલખા મારી રહ્યા છે. જૂનાગઢ સિવિલની આ ઘટના વહીવટી અરાજકતાનો જીવતો જાગતો પુરાવો છે. જો વિપક્ષના નેતાઓએ દરમિયાનગીરી ન કરી હોત, તો કદાચ શાંતિબેન હજુ પણ પોતાના ભાંગેલા હાથે હોસ્પિટલના પગથિયાં ગણતા હોત. સરકારી હોસ્પિટલોમાં 'કાર્ડ' એ સારવારનો માર્ગ હોવો જોઈએ, અવરોધ નહીં. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ભલે રોગી કલ્યાણ સમિતિના બણગા ફૂંકતા હોય, પણ ગ્રાઉન્ડ લેવલ પર તો ગરીબ દર્દીએ સારવાર માટે સંઘર્ષ જ કરવો પડે છે.
ગાંધીનગર શહેરના કુડાસણ વિસ્તારમાં આવેલી એક જાણીતી જ્વેલરી શોરૂમમાં ઘરના જ દીવાએ ઘર બાળ્યું જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શોરૂમમાં સિનિયર ફેશન કન્સલટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ જ વિશ્વાસઘાત કરીને રૂ.5.04 લાખની કિંમતના સોનાના દાગીના અને સિક્કાઓની ચોરીને અંજામ આપ્યો હોવાનું ઓડિટ દરમિયાન બહાર આવતા ઇન્ફોસિટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જાણીતા જ્વેલરી શોરૂમમાં કર્મચારીએ જ દાગીના ચોર્યામળતી માહિતી અનુસાર, અમદાવાદ ખાતે રહેતો સુનીલ મોચી જીવા સિલ્વર એન્ડ ગોલ્ડ ડાયમન્ડ ઝવેલરી (ઇન્ડી.ઝવેલસ પ્રાઇવેટ લિમિટેડ ઝવેલરી)નામની કુડાસણ પ્રમુખ એવન્યુ કોમ્પલેક્ષ ખાતે આવેલમાં સિનિયર સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 26 માર્ચ 2026ના રોજ તેમના દ્વારા સ્ટોકનું ઓડિટ કરવામાં આવ્યું હતું. ઓડિટ કરતા શોરૂમના કર્મચારીનો ભાંડો ફૂટ્યોઆ ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે, સ્ટોરમાંથી 18 અને 24 કેરેટના સોનાના દાગીના તેમજ સિક્કાઓ ગાયબ છે. જેની તપાસ કરતા ગત 18 ફેબ્રુઆરીથી 26 માર્ચ વચ્ચેના સમયગાળામાં કુલ 5,04,000 રૂપિયાની કિંમતની મિલકતની ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. થેલામાંથી સોનાની બુટ્ટી અને પેન્ડન્ટ મળ્યુંજેના પગલે શંકાના આધારે શોરૂમમાં જ કામ કરતા અને કુડાસણ પીજીમાં રહેતા અભિકુમાર અશોકકુમાર પ્રજાપતિના રૂમની તલાશી લેવામાં આવી હતી. જેના થેલામાંથી કુલ 64 હજારની કિંમતની 1.22 ગ્રામની હીરા જડિત સોનાની બુટ્ટી અને 1.54 ગ્રામનું સોનાનું પેન્ડન્ટ મળી આવ્યું હતું. ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધ્યોમૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો વતની અભિ પ્રજાપતિએ સિનિયર ફેશન કન્સલટન્ટ તરીકે નોકરી કરતો હોવાનો ફાયદો ઉઠાવી ઉક્ત ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બુરખાધારી મહિલાઓ કટલેરીની દુકાનમાંથી ચોરી કરતી ઝડપાઈ:વાપીના ગુંજન વિસ્તારની ઘટના, CCTV ફૂટેજ વાયરલ
વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી એક કટલેરીની દુકાનમાં ચોરીની બે અલગ-અલગ ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પ્રથમ ઘટનામાં, બુરખાધારી મહિલાઓ ખરીદીના બહાને દુકાનમાં પ્રવેશી હતી. તેમણે દુકાનદારની નજર ચૂકવીને કટલેરીના સામાનની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. અન્ય એક વીડિયોમાં, એક પુરુષ અને એક સ્ત્રી પણ આ જ દુકાનમાંથી ચોરી કરતા જોવા મળ્યા હતા. બંનેએ પોતાના ચહેરા છુપાવવા માટે માસ્ક પહેર્યા હતા. તેમણે પણ દુકાનદારનું ધ્યાન ભટકાવીને ચોરીને અંજામ આપ્યો હતો. આ બંને ચોરીની ઘટનાઓ એક જ દુકાનમાં બની છે અને તેના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે. જોકે, પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દુકાનદાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૌગોલિક અને રાજકીય અસ્થિરતાની સીધી અસર હવે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ધરખમ ઉછાળો આવતા ટેક્સટાઇલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. આ કપરા સમયમાં ઉદ્યોગને ટકાવી રાખવા માટે સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા DGVCLના મેનેજિંગ ડિરેક્ટર અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઉદ્યોગકારોએ વીજળીના ફિક્સ ચાર્જમાં 50% સુધીની રાહત આપવા ભારપૂર્વક માંગ કરી છે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને કાચા માલના ભાવમાં તોતિંગ વધારોટેક્સટાઇલ ઉદ્યોગમાં વપરાતું યાર્ન મુખ્યત્વે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાંથી બને છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે યાર્નના ભાવમાં 30થી 35% જેટલો મોટો વધારો નોંધાયો છે. સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના અગ્રણી મહેન્દ્ર રામોલિયાના જણાવ્યા અનુસાર કાચા માલના ભાવ વધ્યા છે પરંતુ, તેની સામે ફિનિશ્ડ ગુડ્સ એટલે કે કાપડના વેચાણ ભાવમાં એક રૂપિયાનો પણ વધારો મળતો નથી. આ વિસંગતતાને કારણે પ્રોડક્શન કોસ્ટ એટલી વધી ગઈ છે કે એકમો ચલાવવા આર્થિક રીતે પોસાય તેમ નથી. ઉદ્યોગ માટે અસ્તિત્વનો સવાલમાત્ર મોંઘવારી જ નહીં, પરંતુ અન્ય પાયાની જરૂરિયાતોના અભાવે પણ ઉદ્યોગ મુશ્કેલીમાં છે. ટેક્સટાઇલ યુનિટોમાં કામ કરતા હજારો શ્રમિકોને રાંધણ ગેસના બોટલ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઉદ્યોગ મંદીમાં હોય અને ઉત્પાદન ખર્ચ વધે ત્યારે સૌથી મોટી અસર રોજગારી પર પડે છે. હાલની સ્થિતિમાં સુરતમાંથી કારીગરો મોટી સંખ્યામાં હિજરત કરી રહ્યા છે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો આગામી દિવસોમાં કુશળ શ્રમિકોની ભારે અછત સર્જાશે, જે ઉદ્યોગ માટે લાંબા ગાળે ઘાતક સાબિત થઈ શકે છે. DGVCLના ફિક્સ ચાર્જનું ભારણ, નાના એકમો પાયમાલઉદ્યોગકારોની મુખ્ય ફરિયાદ DGVCL દ્વારા વસૂલવામાં આવતા ફિક્સ ચાર્જ સામે છે. હાલમાં 99 કિલો વોલ્ટના જોડાણ સામે અંદાજે 12,000 રૂપિયા અને 500 કિલો વોલ્ટના કનેક્શન સામે અંદાજે 62,000 રૂપિયા જેટલો માતબર ફિક્સ ચાર્જ વસૂલવામાં આવે છે. ભલે કારખાનું ઓછું ચાલે કે બંધ રહે, આ ચાર્જ તો ચૂકવવો જ પડે છે. ઉદ્યોગકારોની માંગ છે કે જ્યાં સુધી વૈશ્વિક યુદ્ધની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી LT (લો ટેન્શન) અને HT (હાઈ ટેન્શન) બંને પ્રકારના કનેક્શનના ફિક્સ ચાર્જમાં 50% ની માફી આપવામાં આવે. ઉત્પાદન ખર્ચ ઘટાડવા સરકારના હસ્તક્ષેપની જરૂરિયાતસુરત અને તેની આસપાસના જિલ્લાઓમાં ટેક્સટાઇલના હજારો એકમો કાર્યરત છે. જો સરકાર વીજ દરમાં રાહત જાહેર કરે તો ઉત્પાદન ખર્ચમાં થોડો ઘટાડો થઈ શકે છે. આ રાહત મળવાથી જે એકમો હાલ સંપૂર્ણ બંધ થવાના આરે છે, તેઓ ઓછામાં ઓછી એક પાળી (શિફ્ટ) પણ ચલાવી શકશે. જો એકમો ચાલુ રહેશે તો કારીગરોને કામ મળતું રહેશે અને તેમની હિજરત અટકાવી શકાશે. આ રીતે ઉદ્યોગને સંપૂર્ણ પાયમાલ થતો બચાવવા માટે સરકારી સ્તરે તાત્કાલિક હસ્તક્ષેપ અનિવાર્ય બન્યો છે. ઉદ્યોગકારોની આશા અને અપેક્ષામહેન્દ્ર રામોલિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, અમે સરકાર પાસે માત્ર સર્વાઇવલ (અસ્તિત્વ ટકાવી રાખવા) માટે મદદ માંગી રહ્યા છીએ. જો અમને આ 50% વીજ રાહત મળે, તો અમે આર્થિક નુકસાનીના ખાડામાંથી બહાર આવી શકીએ તેમ છીએ. ટેક્સટાઇલ માર્કેટમાં હાલ જે મંડીનો માહોલ છે, તેને જોતા આર્થિક પેકેજ કે રાહત વગર ઉદ્યોગ ફરી ગતિ પકડે તેવી શક્યતાઓ નહિવત દેખાઈ રહી છે. સુરતની અર્થવ્યવસ્થા સીધી રીતે કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલી હોવાથી આ પ્રશ્ન માત્ર ઉદ્યોગકારોનો જ નહીં પણ સમગ્ર શહેરનો બની ગયો છે.
અમદાવાદ શહેરના દૂધેશ્વર પાસે બજરંગ દળના કાર્યકર્તા પર લઘુમતી સમાજના લોકોએ હુમલો કર્યો છે.બજરંગ દળનો કાર્યકર્તા મંદિરથી દર્શન કરીને જઈ રહ્યો હતો ત્યારે વાહન અથડવાની બાબતે એક વૃદ્ધ સાથે તકરાર થઈ હતી.આ દરમિયાન સ્થાનિક લઘુમતી સમાજના લોકોએ બજરંગદળના કાર્યકર્તાને માર માર્યો હતો.બજરંગ દળના કાર્યકર્તાએ અન્ય કાર્યકર્તાઓને જાણ કરતા અન્ય કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા ત્યારે લઘુમતી સમાજના ટોળાએ બજરંગ દળના અન્ય કાર્યકર્તાને પણ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે, બનાવ સમયે પોલીસ હાજર હતી છતાં પોલીસે પગલા લીધા નહોતા અને ટોળું ભેગુ થતા પોલીસ ત્યાંથી નાસી ગઈ હતી. રસ્તા પર ચાલી રહેલા એક અજાણ્યા વૃદ્ધને એક્ટિવા પાછળથી અડી ગયું હતુંઅમરાઈવાડી વિસ્તારમાં રહેતો 21 વર્ષે આશિષ નાગોરા બજરંગ દળમાં જોડાયેલો છે. રવિવારના રાતના સમયે આશિષ તેના મિત્ર અમન સાથે દૂધેશ્વર મહાકાળી માતાના દર્શન કરવા આવ્યો હતો. દર્શન કરીને આશિષ ઘરે જવા નીકળ્યો ત્યારે રસ્તા પર ચાલી રહેલા એક જ અજાણ્યા વૃદ્ધને આશિષને એક્ટિવા પાછળથી અડી ગયું હતું. આ દરમિયાન બોલાચાલી થઈ ત્યારે આસપાસના કેટલાક સ્થાનિક લઘુમતી સમાજના લોકો ભેગા થયા હતા,જેમણે આશિષને પકડીને માર માર્યો હતો.આશિષના ખીસામાં રહેલા પૈસા પણ ટોળાએ લઈ લીધા હતા.આશિષ આગળ ભાગીને ગયો જે બાદ બજરંગ દળના અન્ય કાર્યકરોને ફોન કરીને બોલાવ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. આ મામલે પોલીસે એક આરોપીની અટકાયત હાથ ધરીપોલીસની ગાડી આવતા બજરંગ દળના કાર્યકર્તા અને આશિષ ઘટના સ્થળે ગયા હતા. ઘટના સ્થળે પહોંચતા ફરી એક વખત લઘુમતી સમાજનું મોટું ટોળું ભેગું થયું અને બજરંગદળના કાર્યકરોને ગાળો બોલવા લાગ્યા હતા. આ દરમિયાન લઘુમતી સમાજના ટોળામાંથી કોઈએ સુનીલ શર્મા નામના બજરંગ દળના કાર્યકર્તાને ધારદાર વસ્તુથી પીઠ પાછળ માર મારતા લોહી નીકળી ગયું હતું. પોલીસ બજરંગ દળના કાર્યકર્તા અને બેસાડીને લઈ ગયા હતા. આ સમગ્ર મામલે માધવપુરા પોલીસે ગુનો નોધી એક આરોપીની અટકાયત કરી છે. બજરંગ દળના કાર્યકર્તા સુનિલ શર્માએ જણાવ્યું હતું કે, મારા મિત્રનો ફોન આવતા અમે સ્થળ પર ગયા હતા ત્યારે ટોળાએ અમારી પર હુમલો કર્યો હતો, જેમાં મને ઇજા પહોંચી છે.આ બનાવ બન્યો ત્યારે પોલીસ હાજર હતી પરંતુ પોલીસ પણ ત્યાંથી જતી રહી હતી. ACP વાણી દુધાતે જણાવ્યું હતું કે, આ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોચી હતી. ટોળું ભેગું થતાં પરિસ્થિતિ બગડે નહીં તે માટે પોલીસ જ ફરિયાદીને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈને આવી હતી. હાલ એક શકમંદની અટકાયત કરી છે, પૂછપરછના આધારે અન્ય આરોપીની ધરકકડ કરવામાં આવશે.
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્યભરમાં એકસાથે 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ની મોટા પાયે બદલી કરવામાં આવી છે. તા. 30 માર્ચ, 2026ના રોજ જાહેર કરાયેલા આ આદેશથી વન વિભાગમાં વ્યાપક પ્રશાસનિક હલચલ જોવા મળી છે. વિવિધ રેન્જના RFOને નવી જગ્યાઓ પર નિમણૂકઆ બદલી આદેશ હેઠળ ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, અમરેલી સહિતના વિવિધ જિલ્લાઓ અને રેન્જમાં ફરજ બજાવતા RFOને નવી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે. ઘણા અધિકારીઓને સામાજિક વનવિભાગ, પ્રોટેક્શન સર્કલ, તેમજ ખાસ પ્રોજેક્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલીનું જુઓ લિસ્ટ કાર્યક્ષમતામાં વધારો લાવવા નિર્ણય કરાયોવિભાગના સૂત્રો મુજબ, લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અધિકારીઓને બદલવાના તેમજ કાર્યક્ષમતામાં વધારો લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે વન સંરક્ષણ, વનવિસ્તાર અને પ્રોજેક્ટ અમલીકરણને વધુ ગતિ મળે તેવો હેતુ પણ રહેલો છે. હાલની ફરજનો ચાર્જ સોંપવા સૂચનાઆદેશમાં તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા અને હાલની ફરજનો ચાર્જ સોંપવા સૂચના આપવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે આ મોટા પાયે થયેલી બદલીથી કાર્યપદ્ધતિમાં પારદર્શિતા વધશે અને મેદાન સ્તરે કામકાજ વધુ અસરકારક બનશે.
સુરત શહેરમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ઉધઈ લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ભેસ્તાન વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 54 ખાતે અંદાજે 3 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું ભવ્ય રેલ ગાર્ડન ઉદ્ઘાટન પહેલા જ દિવાલમાં તરાડ અને બ્લોક ઉખડી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. ગાર્ડનની દીવાલોમાં પડેલી મસમોટી તિરાડો અને ઉખડી રહેલા પેવર બ્લોકે કોન્ટ્રાક્ટર અને મનપાના અધિકારીઓની મિલીભગત સામે અનેક સવાલો ઊભા કર્યા છે. લોકાર્પણ પહેલા જ ગાર્ડનના સ્ટ્રક્ચરમાં ઠેર-ઠેર તિરાડો દેખાવા લાગીદક્ષિણ ઝોન હેઠળ આવતા ભેસ્તાન વિસ્તારના રહીશો માટે મનપા દ્વારા એક આધુનિક અને આકર્ષક રેલ ગાર્ડન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે જેથી સ્થાનિકોને મનોરંજનનું એક ઉત્તમ સ્થળ મળી રહે. જોકે, ગાર્ડનનું કામ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ થવાની શક્યતા હતી, ત્યાં જ ગાર્ડનના સ્ટ્રક્ચરમાં ઠેર-ઠેર તિરાડો દેખાવા લાગી છે. પ્રજાના પરસેવાની કમાણી પાણીમાં ગઈ!સ્થળ પરની સ્થિતિ જોતા એવું પ્રતીત થાય છે કે જાણે આ ગાર્ડન વર્ષો જૂનું હોય. ગાર્ડનની મુખ્ય દીવાલો, બાઉન્ડ્રી વોલ અને બેઠક વ્યવસ્થાના બ્લોકમાં લાંબી અને ઊંડી તિરાડો પડી ગઈ છે. હજુ તો જનતાએ આ ગાર્ડનમાં પગ પણ નથી મૂક્યો ત્યાં જ બાંધકામ ક્ષતિગ્રસ્ત થતા પ્રજાના પરસેવાની કમાણી પાણીમાં ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. પેવર બ્લોક્સ ઉખડવા લાગ્યા, જમીનનું લેવલિંગ પણ નથી કરાયું!ગાર્ડનની મુલાકાત લેતા જાણવા મળ્યું છે કે, જમીન પર લગાવવામાં આવેલા સિમેન્ટના પેવર બ્લોક્સ માત્ર થોડા જ સમયમાં પોતાની જગ્યાએથી બહાર નીકળવા લાગ્યા છે. નવાઈની વાત એ છે કે, આ બ્લોક્સ એટલા નબળા છે કે જો કોઈ વ્યક્તિ હાથથી ખેંચે તો પણ આખાને આખા બ્લોક બહાર આવી જાય છે. બ્લોકની નીચે કરવામાં આવેલું પ્લેટફોર્મ પણ બેસી ગયું હોવાનું દેખાય છે, જે સૂચવે છે કે જમીનનું લેવલિંગ કે ડ્રેસિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. હલકી કક્ષાના મટિરિયલનો ઉપયોગ કર્યાનો આક્ષેપમોટાભાગના બ્લોકમાં તિરાડો જોવા મળી રહી છે, જે સામાન્ય રીતે ગુણવત્તા વગરના રેતી અને સિમેન્ટના મિશ્રણને કારણે થાય છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરે નફો કમાવવાના હેતુથી અત્યંત હલકી કક્ષાના મટિરિયલનો ઉપયોગ કર્યો છે અને સુપરવિઝન કરનાર મનપાના એન્જિનિયરોએ આંખ આડા કાન કર્યા છે. 'બ્લોકથી લઈને દિવાલોથી લઈને બધું ઉખડવા લાગ્યું'સ્થાનિક કાશીનાથભાઈએ જણાવ્યું હતું કે, હવે અમે અહીંયા બે-ત્રણ વર્ષથી અહીંયા રહીએ જ છીએ અને જ્યારે આ ગાર્ડનની કામગીરી ચાલુ થઈ ત્યારથી અમને બહુ ખુશી થઈ કે ભાઈ અહીંયા ગાર્ડન અમારી નજીકમાં જ આવી ગયું છે અને જ્યારે કોન્ટ્રાક્ટરને બધા આવ્યા કે ભાઈ એક વર્ષમાં તમારૂ આ ગાર્ડન અમે ડેવલપ કરીને આપી દઈએ છીએ પણ અત્યારે તો અમને કંઈ જ લાગતું નથી. 'ઉદ્ઘાટન પહેલા આ ગાર્ડનની જે સ્થિતિમાં ભ્રષ્ટાચાર દેખાય છે'સ્થાનિક સુભાષભાઈએ જણાવ્યું હતું કે, ઉદ્ઘાટન પહેલા આ ગાર્ડનની જે સ્થિતિ છે એમાં ટોટલ ભ્રષ્ટાચાર દેખાય છે. ઘણા લોકો ઘણા સમયથી અહીંયા જોવામાં આવે છે, બ્લોકેજ ઉખડે છે, મોટી મોટી તિરાડો પડે છે. લાગતું નથી કે આ ગાર્ડન ટાઈમ ટુ ટાઈમ બનતું હોય. કોન્ટ્રાક્ટર પર જરાક ઓબ્જેક્શન લેવું જોઈએ SMCએ એની તકેદારી કરવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ગાર્ડન બનતા દોઢ વર્ષ જેટલો સમય તો થઈ ગયો છે. અમને કહેવામાં આવેલું કે એક વર્ષની અંદર થઈ જશે, પણ અહીં કંઈ લાગતું નથી. આ પરિસ્થિતિ જોઈને અરીસો દેખાય છે કે આમાં કંઈક ભેળસેળ છે. 'ઉદ્ઘાટન પહેલાં જ બ્લોક નીકળવા લાગ્યા'સ્થાનિક સાગરભાઈએ જણાવ્યું હતું કે, આ ગાર્ડનમાં તમે જ્યાં વોક કરવા જશો, જેટલી પણ દીવાલો છે એ બધી દીવાલોમાં ઓલમોસ્ટ ક્રેક થઈ ગયું છે અને અહિંયાના જે બ્લોક છે એ એમના ઉદ્ઘાટન પહેલાં જ બ્લોક ત્યાંથી નીકળવા લાગ્યા છે. અહિયા SMCએ આ વસ્તુને ધ્યાનમાં રાખીને વ્યવસ્થિત નિરીક્ષણ કરવું જોઈએ. 'તિરાડો પડેલી છે જે બાબતે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે'મનપા અધિકારી ગૌરાંગ ઠુંમરે જણાવ્યું હતું કે, ભેસ્તાનનું ગાર્ડનમાં જે તિરાડો પડી ગઈ છે અને બ્લોક ખસી ગયા છે, જે બાબતે કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપવામાં આવી છે અને સાઈટ પર તાત્કાલિક ધોરણે કામગીરી પૂરી કરવામાં આવશે. ભેસ્તાનમાં ટીપી 54માં ગાર્ડન આવેલું છે અને હજી હોર્ટિકલ્ચર મેન્ટેનન્સનું કામ હજી બાકી છે અને જે તિરાડો પડેલી છે જે બાબતે કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલી છે અને જે માટે કામગીરી તાકીદે પૂરી કરવામાં આવશે. પ્રકાશ ડી. ખેર કોન્ટ્રાક્ટરને કામ સોંપણી કરવામાં આવેલ છે અને કામગીરી હાલ શરૂ છે. નોટિસ બાદ સાઈટ પર રૂબરૂ વિઝિટ કરવામાં આવશે અને તાકીદે કામગીરી વ્યવસ્થિત કરાવવામાં આવશે. મનપા અને કોન્ટ્રાક્ટરની બેદરકારી!સામાન્ય રીતે આવા મોટા પ્રોજેક્ટ્સમાં 'થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન' (TPI) જરૂરી હોય છે. કરોડોના ખર્ચે બનતા ગાર્ડનનું કામ જ્યારે ચાલતું હોય ત્યારે ઝોનલ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરોએ સમયાંતરે મુલાકાત લેવાની હોય છે. છતાં પણ આટલી ગંભીર ક્ષતિઓ રહી ગઈ તે સાબિત કરે છે કે કોન્ટ્રાક્ટરને ખુલ્લો દોર આપવામાં આવ્યો હતો.
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે શરૂ કરાયેલું 'સ્વચ્છતા અભિયાન' નિર્ણાયક તબક્કે પહોંચ્યું છે. પર્યાવરણ માટે જોખમી ગણાતા પ્લાસ્ટિકના નિકાલ માટે પાલિકાએ શહેરમાં વિવિધ સ્થળોએ 'પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન' મૂક્યા છે, જેને સ્થાનિક સંસ્થાઓ અને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ મશીનો દ્વારા પ્લાસ્ટિક બોટલોનો યોગ્ય રીતે નિકાલ કરી શકાય છે, જે પર્યાવરણના જતન માટે એક ક્રાંતિકારી પગલું છે. લોકો દ્વારા પાણી પીધા પછી ગમે ત્યાં ફેંકી દેવાતી બોટલોથી થતી ગંદકી અને પર્યાવરણીય નુકસાનને અટકાવવામાં આ મશીનો મદદરૂપ થશે. ઉત્કર્ષ મંડળ, નવસારીના પ્રમુખ હરેશભાઈ વશીએ પાલિકાની આ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા ચલાવવામાં આવતું સ્વચ્છતા અભિયાન સુવ્યવસ્થિત છે. પ્લાસ્ટિક વર્ષો સુધી જમીનમાં દટાયેલું રહીને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તેથી તેના નિકાલ પર વિશેષ ભાર મૂકવો એ સમયની માંગ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઉત્કર્ષ મંડળ છેલ્લા 16 અઠવાડિયાથી પદયાત્રા દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવા માટે જનજાગૃતિ ફેલાવી રહ્યું છે. પાલિકા દ્વારા પણ આ દિશામાં નક્કર પગલાં લેવામાં આવી રહ્યા હોવાથી, આ કાર્યમાં સહભાગી થવું એ ગૌરવની બાબત છે. સ્થાનિક રહેવાસી વિમલકુમાર પ્રકાશચંદ્ર શાહએ પણ આ પહેલને આવકારી હતી. તેમણે કહ્યું કે, પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનથી કચરાના નિકાલની સમસ્યા હળવી થશે. પ્લાસ્ટિકના કારણે પર્યાવરણને થતું નુકસાન ઘટશે અને શહેર વધુ સ્વચ્છ બનશે. પાલિકાની આ પદ્ધતિ ખૂબ જ પ્રશંસનીય છે. નવસારી મહાનગરપાલિકાના આ આયોજનથી શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા વધી રહી છે અને 'પ્લાસ્ટિક મુક્ત નવસારી'ના સંકલ્પને વેગ મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ, ઇંધણ અને ગેસનો પુરવઠો અવિરત મળી રહે તે હેતુથી કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ જિલ્લા સ્તરીય સમિતિની બેઠકમાં સપ્લાય ચેઈન અવિરત રહે અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે જરૂરી દિશાનિર્દેશો અપાયા હતા. બેઠક દરમિયાન, કલેક્ટરએ ઇંધણ અને ગેસના પુરવઠાની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. એલપીજી સિલિન્ડરના બિનજરૂરી 'પેનિક બુકિંગ'ને રોકવા માટે એજન્સીઓના મોનિટરિંગ વધારવાના આદેશ અપાયા છે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પીએનજી (PNG) નેટવર્કને પ્રાથમિકતા આપવા અને કાર્યરત પીએનજી વિસ્તારોમાં વધારાના એલપીજી સિલિન્ડર સરેન્ડર કરાવવા પણ સૂચના અપાઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરે ખેતી અને ખાદ્ય પુરવઠા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે જિલ્લામાં યુરિયા, ડીએપી અને એનપીકે ખાતરનો પૂરતો સ્ટોક છે. આ ઉપરાંત, સરકારી ગોડાઉનો અને વાજબી ભાવની દુકાનો (FPS) પર ખાદ્ય અન્નનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. કલેક્ટરએ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને તાકીદ કરી હતી કે કોઈપણ ચીજવસ્તુનું ડાયવર્ઝન કે કાળાબજારી ન થાય તે માટે ફિલ્ડમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવે. ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પણ વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા જનતાને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર સત્તાવાર માહિતીને જ અનુસરવા અપીલ કરાઈ હતી. નાગરિકોને પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં સર્વે પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા, હર્ષદીપ આચાર્ય, મેહુલ ભરવાડ, કુલદીપ દેસાઈ, જિલ્લા સ્તરીય સમિતિના અધિકારીઓ અને વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે સરપંચથી સાંસદ સુધીના સુરતની માફક નગરપાલિકાથી લોકસભા સુધી ભાજપનું કમળ ખીલવવા માટે આવનાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આજ રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં રાજકોટ શહેર ખાતે સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર તેમજ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના પદાધિકારી અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ બેઠક પર જીત મેળવવાના લક્ષ્યાંક સાથે કામ કરવા સૂચનાસૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ બેઠકમાં તમામ ધારાસભ્ય ઉપરાંત પ્રમુખ ઉપપ્રમુખ અને પ્રભારીઓને પ્રદેશ અધ્યક્ષે ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં તમામ કાર્યકર્તાઓને એક સાથે ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાઈ જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. કારણ કે આગામી એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવાની છે. ગામે ગામે દરેક ઘર સુધી પહોંચી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ અને સરકારે કરેલા કામો જન જન સુધી પહોંચાડી તમામ બેઠક પર ભવ્ય જીત મેળવવા માટે લક્ષ્યાંક રાખી કામ કરવા સૂચના આપવામાં આવી છે. તમામ પદાધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યુંગુજરાતમાં સૌરાષ્ટ્ર એ હંમેશા રાજનીતિની પાઠશાળા માનવામાં આવે છે, ત્યારે આજ રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજી તમામ પદાધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમયે પ્રભારી અનિરુધ્ધ દવેએ સૌરાષ્ટ્રની તમામ ચૂંટણીઓમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તમામ બેઠક પર ભાજપ ભવ્ય જીત મેળવી જીતનું એક એક કમળ દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અર્પણ કરવાનો દાવો કર્યો હતો. સેન્સ પ્રક્રિયા પણ યોગ્ય રીત કરવામાં આવશેઆગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની અંદર ભાજપમાં જૂથવાદ અંગે પૂછતાં તેઓએ કોઈ જૂથવાદ ન હોવાનું અને ભાજપના સિનિયર નેતાઓ વડીલો બની નવી ટીમને ખભે હાથ મૂકી માર્ગદર્શન પૂરું પાડી આગળ વધવા પ્રેરણા આપતા હોવાની સ્પષ્ટતા કરી હતી અને બધાએ સાથે મળી ચૂંટણીઓ માટે કામે લાગી ગયાનો દાવો કર્યો હતો. જો કે ચૂંટણીમાં ઉમેદવારો માટે ક્રાઈટ એરિયા અંગ કોઈ સ્પષ્ટતા કરી ન હતી અને આગામી દિવસોમાં પાર્ટીનો નિર્ણય ઉમેદવારો માટે જે હશે તે જાહેર કરવામાં આવશે અને સેન્સ પ્રક્રિયા પણ યોગ્ય રીત કરવામાં આવશે તેવો ઉલ્લેખ કર્યો હતો. પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ BAPS મંદિરમાં દર્શન કર્યાઉલ્લેખનીય છે કે, રાજકોટના કાલાવડ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં આવેલ સભાગૃહ ખાતે ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રભારી અનિરુધ્ધભાઈ દવે, ગોરધનભાઈ ઝડફિયા, બાબુભાઇ બોખીરીયા, પ્રશાંત કોરાટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ સહીત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ પહોંચી પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મંદિરમાં દર્શન કર્યા હતા અને બાદમાં સંતો દ્વારા તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાગૃહ ખાતે સૌરાષ્ટ્રના પદાધિકારીઓ સાથે બેઠક શરૂ કરી તમામને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરમાં ટ્રાફિક અને બેફામ ડ્રાઇવિંગના કારણે અકસ્માતોની હારમાળા યથાવત રહી છે. આજે સવારે રાજકોટના મવડી કણકોટ રોડ પર ગણેશ ચોક પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પુરપાટ ઝડપે આવતી કારે બાઇક સવાર આધેડને હડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. ઘટના બાદ કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો, જેને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને પોલીસ સાથે બોલાચાલીનાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અકસ્માત સર્જનાર કાર ઉપર એપીએમસી ચેરમેન લખેલું હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ કાર રાજકોટ યાર્ડનાં ચેરમેન જયેશ બોધરાની હોવાનું ખુલ્યું છે. રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા ફ્લોરા નેસ્ટમાં રહેતા 65 વર્ષીય સંજયભાઈ સવજીભાઈ કાલરીયા આજે સવારે 8 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નિત્યક્રમ મુજબ બાઇક લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. સંજયભાઈ પાન હેલ્થ કેર કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ જ્યારે મવડી કણકોટ રોડ પર હીલસ્ટોન અરીસ્ટો પાસે આવેલા ગણેશ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂર ઝડપે ધસી આવેલી અજાણી કારે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સંજયભાઈ રોડ પર ફંગોળાયા હતા અને તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ તરત જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, અકસ્માત સર્જનાર કાર ચાલક માનવતા નેવે મૂકીને પોતાની કાર સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ગંભીર રીતે ઘાયલ સંજયભાઈને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના તબીબોએ તેમને તપાસ્યા બાદ મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃતક સંજયભાઈને સંતાનમાં 2 દીકરીઓ અને 1 દીકરો છે. ઘરના મોભી અને જવાબદાર પિતાની છત્રછાયા ગુમાવતા સંતાનો અને પત્નીની હાલત કફોડી બની છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલકને પકડવા માટે મવડી અને કણકોટ રોડ પરના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. હેલ્થ કેર કંપનીના મેનેજર જેવા જવાબદાર પદ પર કાર્યરત વ્યક્તિનું અચાનક મોત થતા તેમના મિત્રવર્તુળ અને સાથી કર્મચારીઓમાં પણ શોકની લાગણી જોવા મળી છે. પ્રાથમિક તપાસમાં જે વિગતો બહાર આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. અકસ્માત સર્જનાર સફેદ રંગની કાર નં. જીજે 03 એલએમ 9201ના ડેસબોર્ડ પર ચેરમને એપીએમસીનું બોર્ડ લાગેલું જોવા મળ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ કાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાની છે. અકસ્માત સમયે કાર કોણ ચલાવી રહ્યું હતું અને ચેરમેન પોતે હાજર હતા કે કેમ તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ અંગે સાચી હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જાણી શકાશે. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં માર્કેટિંગ યાર્ડ ચેરમેન જયેશ બોધરાએ જણાવ્યું હતું કે, મારા પિતા આ કાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક બાઇક વચ્ચે આવી જતા તેમણે પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. જોકે હાલ મારા પિતા નિયમ અનુસાર પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે. અને પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે, વારંવાર થતા અકસ્માતો અને ટ્રાફિક નિયમનની નબળી કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારે ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકો અને પોલીસ વચ્ચે આ બાબતે બોલાચાલી પણ થઈ હતી.આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કાર ચાલકને વહેલી તકે ઝડપી લેવામાં આવે તેવી માંગ લોકોએ કરી હતી. હાલ પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હિટ એન્ડ રનના આ કેસમાં કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. જોકે આ બનાવમાં હાઈપ્રોફાઈલ વ્યક્તિની કાર સંડોવાયેલી હોવાથી આ કેસમાં પોલીસની ભૂમિકા પર સૌની નજર ટકેલી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB) દ્વારા ફેબ્રુઆરી/માર્ચ 2026ની ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ હવે પોતાના જવાબોની ચકાસણી કરી શકે છે અને જો કોઈ પ્રશ્ન અંગે શંકા હોય તો વાંધા નોંધાવી શકે છે. આન્સર કી અંગે રજૂઆત કરવી હોય તો માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ રજૂઆતબોર્ડના જણાવ્યા મુજબ આન્સર કી અંગે કોઈ રજૂઆત કરવી હોય તો ઉમેદવારે વેબસાઇટ પર મુકાયેલા નિયત નમૂનામાં વિષયવાર અને માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ રજૂઆત કરવી રહેશે. રજૂઆત ફક્ત ઈ-મેઇલ મારફતે જ સ્વીકારવામાં આવશે અને તે Email ID: gshebsciencekey@gmail.com પર તા. 4 એપ્રિલ 2026 સાંજે 6:00 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે. ત્યારબાદ મોકલાયેલી રજૂઆતો માન્ય ગણાશે નહીં. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ વાંધો નોંધાવવા માટે પ્રશ્નદીઠ રૂ. 500/- ફી ભરવાની રહેશે, જે SBI બેંકમાં ચલણ દ્વારા જમા કરાવવાની રહેશે. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઉમેદવારે રજૂઆત સાથે ભરેલ ચલણની નકલ પણ ઈ-મેઇલ દ્વારા મોકલવી ફરજિયાત રહેશે. બોર્ડે વધુમાં જણાવ્યું છે કે જો ઉમેદવાર દ્વારા કરાયેલ રજૂઆત યોગ્ય અને સાચી ઠરશે તો સંબંધિત પ્રશ્ન માટે ભરેલ ફી ઉમેદવારને પરત આપવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા મૂલ્યાંકનમાં પારદર્શિતા જાળવવા અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ પેદાશો અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા માટે કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા સ્તરીય સમિતિ દ્વારા ચીજવસ્તુઓની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને સંગ્રહખોરી અટકાવવા માટે મોનિટરિંગના આદેશો આપવામાં આવ્યા છે. આ બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લામાં સપ્લાય ચેઈન જાળવી રાખવા અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે કલેક્ટર દ્વારા જરૂરી દિશાનિર્દેશો અપાયા હતા. બેઠક દરમિયાન ઇંધણ અને ગેસના પુરવઠાની સમીક્ષા કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. એલપીજી સિલિન્ડરના કિસ્સામાં જોવા મળતા બિનજરૂરી 'પેનિક બુકિંગ' પર રોક લગાવવા માટે એજન્સીઓનું મોનિટરિંગ વધારવા આદેશ અપાયા છે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પીએનજી (PNG) નેટવર્કને પ્રાથમિકતા આપવા અને કાર્યરત પીએનજી વિસ્તારોમાં વધારાના એલપીજી સિલિન્ડર સરેન્ડર કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરે ખેતી અને ખાદ્ય પુરવઠા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં યુરિયા, ડીએપી અને એનપીકે ખાતરનો પૂરતો સ્ટોક છે. તેમજ સરકારી ગોડાઉનો અને વાજબી ભાવની દુકાનો (FPS) પર ખાદ્ય અન્નનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. કલેક્ટરે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને તાકીદ કરતા કહ્યું હતું કે, કોઈપણ ચીજવસ્તુનું ડાયવર્ઝન કે કાળાબજારી ન થાય તે માટે ફિલ્ડમાં સતત ચેકિંગ હાથ ધરવું. ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે. વધુમાં, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી અફવાઓ પર જનતાએ વિશ્વાસ ન કરવો અને માત્ર સત્તાવાર માહિતીને જ અનુસરવા જણાવાયું હતું. નાગરિકોને પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં સર્વે પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા, હર્ષદીપ આચાર્ય, મેહુલ ભરવાડ, કુલદીપ દેસાઈ, જિલ્લા સ્તરીય સમિતિના અધિકારીઓ તથા વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’માં યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના નિવેદન પર આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું યોગદાન નથી” એવું નિવેદન બેબુનિયાદ, તથ્યહિન અને હલકી કક્ષાનું છે. ગુજરાતીઓના યોગદાનને નકારવું માત્ર ગુજરાતનું નહીં સ્વતંત્રતા સેનાનીઓનું અપમાનગૌતમ ગેડીયાએ કહ્યું કે, આઝાદીની લડત દેશવ્યાપી આંદોલન હતું, જેમાં કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધીના લોકોએ ભાગ લીધો હતો અને લાખો લોકોએ બલિદાન આપ્યું હતું. આવા સમયમાં ગુજરાતીઓના યોગદાનને નકારવું માત્ર ગુજરાતનું નહીં પરંતુ, તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને હુતાત્માઓનું ઘોર અપમાન છે. સત્યાગ્રહ દ્વારા બ્રિટિશ શાસન સામે લડત આપીતેમણે વધુમાં જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને વીર સાવરકર જેવા મહાનુભાવોને આઝાદીની લડતમાંથી દૂર ગણાવવું એ માનસિક વિકૃતિ દર્શાવે છે. ખાસ કરીને સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહ દ્વારા બ્રિટિશ શાસન સામે લડત આપી અને સ્વતંત્રતા પછી 562 રજવાડાઓને એકત્ર કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500થી વધુ આદિવાસીઓએ શહીદી આપી હતીગેડીયાએ માનગઢ હિલની ઘટના યાદ કરાવી હતી, જ્યાં ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500થી વધુ આદિવાસીઓએ શહીદી આપી હતી, જે ગુજરાતના બલિદાનનો જીવંત પુરાવો છે. તેમણે ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ અને વિદેશમાં તિરંગો લહેરાવનાર મેડમ કામા જેવા અનેક ક્રાંતિવીરોના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો. કોંગ્રેસ અને યુપીએને ખુલ્લો પડકાર આપ્યો ભાજપા નેતાએ કોંગ્રેસ અને યુપીએ ગઠબંધન પર પણ નિશાન સાધ્યું હતું અને જણાવ્યું કે, તેમની માનસિકતા હંમેશા ગુજરાત વિરોધી રહી છે. તેમણે કોંગ્રેસ અને યુપીએને ખુલ્લો પડકાર આપ્યો કે તેઓ મહુઆ મોઇત્રાના નિવેદન સાથે સહમત છે કે કેમ તે સ્પષ્ટ કરે. શું આ નિવેદન પણ કોઈ સ્વાર્થ માટે આપવામાં આવ્યું છે?અંતમાં ગેડીયાએ કટાક્ષ કરતા કહ્યું કે, મહુઆ મોઇત્રા ભૂતકાળમાં સંસદમાં સવાલ પૂછવા માટે રૂપિયા લેવાના આરોપોમાં ઘેરાઈ ચૂકી છે ત્યારે શું આ નિવેદન પણ કોઈ સ્વાર્થ માટે આપવામાં આવ્યું છે? તેમણે ઉમેર્યું કે ચૂંટણી સમયે પ્રાંતવાદ અને ભાષાવાદના નામે દેશની એકતા પર પ્રહાર કરવાની માનસિકતાને જનતા ચોક્કસપણે જવાબ આપશે.
દાહોદ શહેરમાં લાંબા સમયથી વણઉકેલ્યા લોકપ્રશ્નો મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામાએ નગરપાલિકા અને ભાજપની નિષ્ક્રિયતા સામે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. તેમણે અન્ન અને જળનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે. શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ, હડકાયા શ્વાનોનો ભય અને પાયાની સુવિધાઓના અભાવે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે કોંગ્રેસ સમિતિ છેલ્લા ૨૨ દિવસથી પ્રતીક ધરણા પ્રદર્શન કરી રહી હતી. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે અધિકારીઓને વારંવાર આવેદનપત્રો અને મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. તંત્ર ૯૦ ટકા કામો પૂર્ણ થયાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવિકતામાં સ્થળ પર શૂન્ય ટકા કામગીરી જોવા મળી રહી છે. શહેરીજનો તૂટેલા ગટરના ઢાંકણા, બંધ સ્ટ્રીટ લાઇટો અને દૂષિત પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યક્ત કરવા માટે આજે જૂની નગરપાલિકા ચોક ખાતેથી ભારતીય જનતા પાર્ટી અને દાહોદ નગરપાલિકાની 'નનામી' કાઢવામાં આવી હતી. 'રામ બોલો ભાઈ રામ'ના નારા સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી પ્રાંત કચેરી ખાતે કૂચ કરી હતી. આ વિરોધ પ્રદર્શન બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાએ આમરણાંત ઉપવાસ પર બેસવાનો નિર્ણય કર્યો. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી શહેરની જનતાને આ નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી તેઓ મક્કમ રહી આંદોલન ચાલુ રાખશે.
20 વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી ઝડપાયો:રાજકોટ રેન્જ ટીમે ભરૂચના અંકલેશ્વરથી દબોચ્યો
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચનાના આધારે, રેન્જ ટીમે છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ આરોપીને ભરૂચના અંકલેશ્વરથી દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી ઇમ્તયાઝ ઉર્ફે ભોલો નુરમામદ દરમદા જામનગર સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન અને મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના (IPC કલમ ૪૦૬, ૪૨૦) ગુનાઓમાં છેલ્લા બે દાયકાથી કાયદાની પકડથી દૂર હતો. તે મૂળ ભરૂચના અંકલેશ્વર સ્થિત હવા મહેલ, ઓપેરા બાજુમાં રહેતો હતો. રાજકોટ રેન્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ, PSI પી.એન. મોરી, બી.સી. મીયાત્રા અને તેમની ટીમે આ આરોપીને પકડવા માટે સતત વોચ રાખી હતી. સ્ટાફના સંદિપસિંહ ઝાલા, મિતેશભાઈ પટેલ અને કમલેશભાઈ રબારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર ખાતે દરોડો પાડી ઇમ્તયાઝને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે જામનગર સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ પોલીસની આ કામગીરીની સરાહના થઈ રહી છે.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. આ વખતે એવા તબીબો પર આંગળી ઉઠી છે, જેઓ સરકાર પાસેથી લાખો રૂપિયાનો પગાર મેળવે છે, પરંતુ ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે ખાનગી હોસ્પિટલોમાં પોતાની તિજોરીઓ ભરવામાં મશગૂલ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં ડોક્ટરોની અનિયમિતતાને કારણે છેવાડાના ગામડાઓથી આવતા દર્દીઓ હાલ બેહાલ થઈ રહ્યા છે. કેટલાક ડોક્ટરો સવારે હાજરી પૂરી રફુચક્કર થઈ જતાના આક્ષેપતાજેતરમાં કરવામાં આવેલા એક નિરીક્ષણ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને મેડિસિન વિભાગમાં ડોક્ટરોની ગેરહાજરીને લઈને અવારનવાર ઘર્ષણના દૃશ્યો સર્જાય છે. નિયમ મુજબ, રેસિડેન્ટ ડોક્ટર અને આસિસ્ટન્ટ પ્રોફેસરોને ઓપીડીની જવાબદારી સોંપવામાં આવે છે, પરંતુ આક્ષેપ છે કે ઘણા ડોક્ટરો માત્ર સવારે હાજરી પુરીને રફુચક્કર થઈ જાય છે. આ વિવાદમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, ખુદ સિવિલના જ અન્ય ડોક્ટરો હવે આ અનિયમિતતા સામે મેદાને આવ્યા છે. દર્દીઓ કલાકોથી લાઈન, છતાં ડોક્ટરના 'દર્શન' દુર્લભજૂનાગઢ સિવિલમાં દરરોજ જૂનાગઢ શહેર ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ જિલ્લાના અંદાજે 492 ગામડામાંથી હજારો દર્દીઓ ભાડું ખર્ચીને સારવારની આશાએ આવે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ જ્યારે ઓપીડીમાં ડોક્ટર હાજર નથી હોતા, ત્યારે દર્દીઓની હાલત કફોડી બની જાય છે. એવો આક્ષેપ છે કે, ડો. ભાવેશ સુરેજા જેવા આસિસ્ટન્ટ પ્રોફેસર અને એચ.ઓ.ડી. કક્ષાના અધિકારીઓ હોસ્પિટલમાં હાજર રહેવાને બદલે પોતાની ખાનગી પ્રેક્ટિસમાં વધુ રસ દાખવે છે. જ્યારે સરકારી ચોંપડે તેમની હાજરી બોલાતી હોય છે, ત્યારે વાસ્તવિકતામાં તેઓ પોતાની ખાનગી કેબિનેટમાં વ્યસ્ત હોવાની ફરિયાદો ઉઠી છે. રેસિડેન્ટ ડોક્ટરનો આક્રોશ, ‘એકલા હાથે 400 દર્દીઓ તપાસવા પડે છે’હોસ્પિટલના જ એમ.ડી. મેડિસિન રેસિડેન્ટ ડોક્ટર આકાશ કોરાટે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, એચ.ઓ.ડી. એટલે કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટના ડોકટર અમને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને ફરજ સોંપી છે. અમારા સિનિયર ડોક્ટરો તો ખાલી રાઉન્ડ લેવા પૂરતા જ આવે છે અને રાઉન્ડ લઈને તરત જ નીકળી જાય છે. અહીં ઓપીડીમાં તો અમારા જેવા જે નવા લાગેલા સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો છે, તેમને જ બેસવાનું હોય છે. બાકીના વિભાગોમાં એ.પી. (આસિસ્ટન્ટ પ્રોફેસર), એસોસિએટ પ્રોફેસર અને એચ.ઓ.ડી. બધા આવતા જ હોય છે, પરંતુ અહીં અમુક ડોક્ટરો કેમ નથી આવતા, તે અમને કેવી રીતે ખબર પડે? તેઓ કઈ જગ્યાએ છે, તેની અમને જાણકારી હોતી નથી. અમે સીનિયર રેસિડેન્ટ એટલે કે નાના કર્મચારી કહેવાઈએ, અમે તેમને એમ ન કહી શકીએ કે તમે કેમ નથી આવતા? ‘જવાબદાર ડોક્ટરો ગેરહાજર રહેતા કામનું ભારણ વધી જાય’ ડોક્ટરોની ગેરહાજરીના લીધે ઓપીડીમાં આવતા દર્દીઓને ચોક્કસપણે તકલીફ પડે છે. નિયમ મુજબ ઓપીડીમાં બધાએ આવવાનું જ હોય છે, છતાં પણ ઘણા આવતા નથી. જોકે, બે-ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસરો નિયમિત આવે પણ છે, પરંતુ જ્યારે અન્ય જવાબદાર ડોક્ટરો ગેરહાજર રહે છે, ત્યારે દર્દીઓની સંખ્યા વધવાથી કામનું ભારણ વધી જાય છે. જ્યારે ઉપર લેવલના ડોક્ટરો સમયસર ન આવે અને માત્ર હાજરી પુરાવીને જતા રહે, ત્યારે તેની અસર કામ કરતા અન્ય ડોક્ટરો પર પણ પડે છે. આવી પરિસ્થિતિમાં કામ કરવાનો કંટાળો આવે અને માનસિક રીતે પણ અસર થાય છે. કારણ કે જે જગ્યાઓ ભરાયેલી છે, તે ડોક્ટરો જો હાજર ન રહે તો પછી છેવટે તો દર્દીઓ અને હોસ્પિટલના વહીવટને જ નુકસાન થાય છે. ‘એચ.ઓ.ડી.ને રજૂઆત કરતા મદદ ન કરી’મેડિસિન વિભાગમાં સવારે 9થી 1 અને સાંજે 4થી 6ની ડ્યુટી હોય છે. અહીં 15થી 17 ડોક્ટરોની નિમણૂક હોવા છતાં કાયમી ડોક્ટરો સમયસર આવે છે કે નહીં? તે મોટો પ્રશ્ન છે. સોમ અને મંગળવારે જ્યારે 400થી વધુ દર્દીઓની ભીડ હોય છે, ત્યારે મારે એકલાએ તપાસ કરવી પડે છે. જ્યારે મેં આ બાબતે એચ.ઓ.ડી. ડો. ભાવેશ સુરેજાને રજૂઆત કરી, ત્યારે તેમણે મદદ કરવાને બદલે સુપ્રિટેન્ડેન્ટ પાસે જવા કહી દીધું હતું. બે પ્રકારના કોન્ટ્રાક્ટ અને પગારનું ગણિતડોક્ટરોની અછતને પહોંચી વળવા સરકાર દ્વારા બે પ્રકારના કરાર કરવામાં આવે છે, જેમાં વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ (WPP) અને વિધાઉટ પ્રાઇવેટ પ્રેક્ટિસ. જે ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ નથી કરતા તેમનો પગાર ખૂબ ઊંચો હોય છે. જ્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોનો પગાર ઓછો હોય છે. જોકે, બંને કિસ્સામાં નક્કી કરેલા સરકારી કલાકો દરમિયાન હોસ્પિટલમાં હાજર રહેવું ફરજિયાત છે. આક્ષેપ છે કે, ઘણા ડોક્ટરો લાખોનો પગાર લેવા છતાં માત્ર રાઉન્ડ લઈને પ્રાઇવેટ હોસ્પિટલે દોડી જાય છે. તબીબોનો બચાવ, આક્ષેપો પાયાવિહોણા છેસામે પક્ષે ડો. ભાવેશ સુરેજા અને ડો. જીગ્નેશ કરંગીયાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ડો. સુરેજાએ જણાવ્યું કે, અમારી જવાબદારી માત્ર ઓપીડી પૂરતી નથી. પ્રોફેસર અને એચ.ઓ.ડી. તરીકે અમારે એકેડેમિક, એડમિનિસ્ટ્રેટિવ અને વોર્ડ ડ્યુટી પણ સંભાળવાની હોય છે. 200 વિદ્યાર્થીની બેચને ભણાવવાની જવાબદારી પણ અમારી છે. ક્યારેક ઓપીડીમાં હાજર ન હોઈએ તેનો અર્થ એ નથી કે, અમે કામ નથી કરતા. અમે તમામ પુરાવા આપવા તૈયાર છીએ. તંત્રએ કહ્યું બાયોમેટ્રિક અને લોકેશન બેઝ્ડ હાજરીની સિસ્ટમમેડિકલ કોલેજના ડીન ડો. હનુમંત આમનેના જણાવ્યા મુજબ, હાલમાં 110 તબીબો કાર્યરત છે. તબીબોની હાજરી પર સીધું મોનિટરિંગ નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા લોકેશન બેઝ્ડ મોબાઈલ એપ અને બાયોમેટ્રિક દ્વારા કરવામાં આવે છે. જો કોઈ તબીબ વિરુદ્ધ લેખિત ફરિયાદ મળશે તો ચોક્કસ પગલાં લેવામાં આવશે. બીજી તરફ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, મેડિસિન વિભાગમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે અને ઇન્ટર્ન ડોક્ટરોની ટર્મ પૂરી થવાને કારણે કામગીરીમાં થોડો વિક્ષેપ પડ્યો હતો, જેનું નિરાકરણ લાવી દેવાયું છે. જનતામાં રોષ: શું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે?સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની આવી મનમાની જોઈને સામાન્ય જનતામાં ભારે રોષ છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ ડોક્ટરોને કોઈ રાજકીય પીઠબળ છે? સફેદ કોટ પહેરીને ફરતા આ ડોક્ટરોની નિયમિતતાની તપાસ કરવા માટે સીસીટીવી ફૂટેજ કેમ તપાસવામાં આવતા નથી? ગરીબ દર્દીઓના હક માટેની આ લડાઈ હવે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે.
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે ગુગલીયાણા ગામે આવેલી કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ખનીજ રોયલ્ટી કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ગુગલીયાણા ખાતેથી ગેરકાયદેસર કોલસાના વેચાણને કાયદેસર દર્શાવવા માટે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા. દરોડા દરમિયાન, ઓફિસમાંથી કુલ 774 ગેરકાયદેસર રોયલ્ટી પાસ મળી આવ્યા હતા, જે તમામ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ રોયલ્ટી પાસ સ્વર્ગસ્થ હસમુખભાઈ કલ્યાણજીભાઈ સચદેવના નામે થાનગઢમાં સર્વે નંબર 209 પૈકીમાં આવેલી લીઝના કાઢવામાં આવતા હતા. મહત્વપૂર્ણ છે કે હસમુખભાઈનું પાંચ વર્ષ પહેલાં, એટલે કે 2021માં અવસાન થયું હોવા છતાં, કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના નામવાળી લીઝ પર રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. આ રીતે ગેરકાયદેસર કોલસાને કાયદેસર સ્વરૂપ આપવામાં આવતું હતું. વધુમાં, એવી પણ માહિતી મળી છે કે સાયલા તાલુકાના ચોરવીરા, ઈશ્વરીયા અને ચિત્રલાંક જેવા ગામોમાંથી ગેરકાયદેસર કુવામાંથી કોલસાનું ખનન કરવામાં આવતું હતું. આ ગેરકાયદેસર કોલસાને કાયદેસર બનાવવા માટે ઉપરોક્ત રોયલ્ટી પાસનો ઉપયોગ થતો હતો. આ સમગ્ર રેકેટ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિકો કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ દ્વારા આ ઓફિસમાંથી ચલાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન સ્થળ પરથી એક જેસીબી, એક લોડર મશીન, ચાર ચારણા, એક ક્રશર પ્લાન્ટ, એક વજન કાંટો અને 200 મેટ્રિક ટન કાર્બોસેલ સહિતની મશીનરી અને મુદ્દામાલ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 78,80,000 (અઠ્યોતેર લાખ એંસી હજાર) આંકવામાં આવી છે. આ અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
50 મહિલાઓએ મેમોગ્રાફી, 42એ પેપ્સમિયર ટેસ્ટ કરાવ્યો:વઢવાણ રોટરી ક્લબ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન
વઢવાણ સિટી રોટરી ક્લબ દ્વારા શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સી.યુ. શાહ મેડિકલ કોલેજના સહયોગથી મહિલાઓ માટે નિઃશુલ્ક પેપ્સમીયર અને મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 50 મહિલાઓએ મેમોગ્રાફી અને 42 મહિલાઓએ પેપ્સમીયર ટેસ્ટનો લાભ લીધો હતો.કેમ્પનું ઉદ્ઘાટન એક લાભાર્થી મહિલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના ડાયરેક્ટર ડો. શ્યામ શાહ, ડો. અશ્વિન ગઢવી, ડો. અનિરુધ ગઢવી, ડો. રીનાબેન ગઢવી સહિત અન્ય ડોક્ટર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.મેમોગ્રાફી એ સ્તન કેન્સરની વહેલી તપાસ માટે અત્યંત મહત્વપૂર્ણ વિશેષ એક્સ-રે સ્ક્રીનિંગ ટેસ્ટ છે. જ્યારે પેપ્સમીયર ટેસ્ટ ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટે કરવામાં આવે છે. આ ટેસ્ટના વહેલા નિદાનથી સારવારની સફળતાની શક્યતા ઘણી વધી જાય છે.ઘણી મહિલાઓ જાગૃતિના અભાવ અથવા આર્થિક કારણોસર આવા મહત્વપૂર્ણ ટેસ્ટ કરાવતી નથી. તેમને જાગૃત કરવા અને મદદ કરવાના ઉદ્દેશ્યથી રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા દર વર્ષે નિયમિતપણે આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના સભ્યો તેમજ હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો.
મોરબીમાં 25 લાખ રૂપિયાની લેતીદેતીના મામલે ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા એક સિરામિક ઉદ્યોગપતિ અને તેમના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ઉદ્યોગપતિ અને તેમના મિત્રને ઇજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના રવાપર રોડ પર રહેતા સિરામિક ઉદ્યોગપતિ શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજા (ઉં.વ. 46) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજયભાઈ મનસુખભાઈ ઉર્ફે પોપટભાઈ લોરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શેખરભાઈએ જણાવ્યું કે તેમણે ઘણા સમય પહેલા અજયભાઈ લોરીયાને હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા. આ પૈસા પાછા મેળવવા માટે શેખરભાઈએ અજયભાઈને ફોન કર્યો હતો. ત્યારબાદ રાત્રિના 11:30 વાગ્યાના સુમારે અજયભાઈએ તેમને સરદાર બાગ પાસે આવેલા ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવ્યા હતા. શેખરભાઈ તેમના મિત્ર જયેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ પાડલીયા સાથે પોતાની ઇનોવા ગાડી લઈને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં અજયભાઈ લોરીયા અને તેમની સાથે એક અજાણ્યો વ્યક્તિ હાજર હતા. અજયભાઈએ પોતાની મર્સિડીઝ ગાડી (નંબર 1414)માંથી નીચે ઉતરીને લોખંડની ખીલીવાળો ધોકો કાઢ્યો હતો. તેમણે શેખરભાઈને ગાળો ભાંડી કેમ પૈસા માંગ માંગ કરે છે તેમ કહી ધોકા વડે શરીર પર આડેધડ માર માર્યો હતો. વચ્ચે છોડાવવા પડેલા મિત્ર જયેશભાઈને પણ માથામાં અને શરીર પર લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જયેશભાઈ ગાડીમાં બેઠા ત્યારે તેમને કાંઠલો પકડીને બહાર કાઢવામાં આવ્યા હતા, અને આ દરમિયાન તેમનો સોનાનો ચેન અને સોનાનું પેન્ડલ પડી ગયું હતું. જયેશભાઈને હાથ-પગ, છાતી અને માથાના ભાગે મૂઢમાર વાગ્યો હતો. હુમલામાં ઇજા પામેલા શેખરભાઈ અને જયેશભાઈને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર બાદ શેખરભાઈ આદ્રોજાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજયભાઈ લોરીયા વિરુદ્ધ ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના નીલાંબર સર્કલ અને સયાજીગંજ વિસ્તારમાં બે બાઇક અકસ્માતની ઘટનાઓ બની હતી. જેમાં ગોત્રી વિસ્તારમાં નશામાં ધૂત થઈને બાઈક ચાલકે કારને ટક્કર મારી હતી. જેમાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો. બીજી તરફ પંડ્યા બ્રિજથી વડોદરા રેલવે સ્ટેશનના રોડ પર બાઈક ચાલક સ્લીપ ખાઇ હતી, જેમાં બાઈક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. બીજી ઘટના વડોદરા શહેરના નીલામ્બર સર્કલ પાસે બની હતી, જ્યાં નશામાં ધૂત બાઇકચાલકે કારને ટક્કર મારી હતી. બનાવ બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી બાઇક (નંબર GJ-06-QR-2630) કબ્જે લીધી હતી. બાઇક ચાલક આકાશ અશ્વિનકુમાર ત્રિવેદી (ઉંમર 35, રહેવાસી. વાસણા ભાયલી રોડ, વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું. તેની બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરતાં દારૂના નશામાં હતો. ગોત્રી પોલીસે આરોપી સામે દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, મુજમહુડા વિસ્તારમાં રહેતા કિશનભાઈ બુધાભાઈ માળીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના સાળા લાલાભાઈ કાળીદાસ માળીનો પંડ્યા બ્રિજ નજીક અકસ્માત થયો હતો. લાલાભાઈ પોતાની બાઇક પર પંડ્યા બ્રિજથી બસ સ્ટેશન તરફ જતા હતા ત્યારે ગફલતભરી અને પૂરઝડપે વાહન ચલાવતા વાહન પરનો કાબૂ ગુમાવી બાઈક સ્લિપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને S.S.G. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ આઈસીયુ વોર્ડમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. આ મામલે સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના 530 જેટલા લઘુ અને મધ્યમ ઉદ્યોગોના પર્યાવરણીય અને આર્થિક હિતોના રક્ષણ માટે તૈયાર કરાયેલો 100 કરોડનો 10 MLD ક્ષમતા ધરાવતો કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વહીવટી વિલંબનો ભોગ બન્યો છે. એક વર્ષ બાદ પણ અંતિમ પરવાનગી ન મળતા આર્થિક નુકસાનના બોજ હેઠળ દબાયેલા ઉદ્યોગકારોએ આજે ગાંધીનગર કલેક્ટરને આવેદન આપી સરકાર સમક્ષ રજૂઆત સાથે ધરણા યોજી આ બાબતનું સત્વરે નિરાકરણ લાવવાની માગ કરવામાં આવી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એક વર્ષ બાદ પણ મંજૂરી નહિઅંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા 100 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 10 MLD ક્ષમતાનો કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટને ઓપરેશનલ મંજૂરી આપવામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા છેલ્લા એક વર્ષથી અનાવશ્યક વિલંબ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ઉદ્યોગપતિ રમેશ દેવજીભાઈ ગાબાણી સહિતના એસોસિએશનના સભ્યોએ ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે, વહીવટી વિલંબને કારણે ઉદ્યોગકારોને આર્થિક ફટકો પડી રહ્યો છે અને સરકારની છબી ખરડાઈ રહી છે. 2019માં રાજ્ય સરકારના હસ્તે ખાતમુહૂર્ત થયું હતુંઃ એસો.આ અંગે એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ છે કે, આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે તેમાં ઇઝરાયેલની પેટન્ટેડ ઓટોમેટેડ કેમોસ્ટેટ બાયોરિએક્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પરંપરાગત શુદ્ધિકરણ પદ્ધતિઓ કરતા ઘણી સસ્તી અને અસરકારક છે. 2019માં રાજ્ય સરકારના હસ્તે જ જેનું ખાતમુહૂર્ત થયું હતું. તે પ્રોજેક્ટ પાછળ અંદાજે 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં ઉદ્યોગકારોની મૂડી ઉપરાંત 70 કરોડની બેંક લોનનો સમાવેશ થાય છે. હાલમાં લોનના હપ્તા શરૂ થઈ ગયા હોવા છતાં પ્લાન્ટ કાર્યરત ન થઈ શકતા આર્થિક નુકસાન વધી રહ્યું છે. પ્લાન્ટથી અંકલેશ્વરના 530 જેટલા ઉદ્યોગોને રાહત મળી શકેએસોસિએશનના જણાવ્યા અનુસાર, માર્ચ 2025થી મંજૂરી મેળવવા માટેની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ એકવાર બોર્ડ દ્વારા અરજી નકારી કાઢવામાં આવ્યા બાદ તમામ ક્ષતિઓ પૂર્ણ કરી ઓક્ટોબર 2025માં ફરીથી અરજી કરવામાં આવી હતી, જે હજુ પણ વિચારણા હેઠળ છે. આ વિલંબને કારણે માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ પર્યાવરણ પર પણ ગંભીર અસર પડી રહી છે. જો આ પ્લાન્ટ શરૂ થાય તો અંકલેશ્વરના 530 જેટલા ઉદ્યોગોને વાર્ષિક 700 કરોડની બચત થઈ શકે તેમ છે અને 1400 મેટ્રિક ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય તેમ છે. અધિકારીઓ દ્વારા થતાં વિલંબથી સરકારની છબી ખરડાઈઉદ્યોગકારોની રજૂઆત છે કે, તમામ જરૂરી દસ્તાવેજો અને ફી જમા કરાવ્યા હોવા છતાં અધિકારીઓ દ્વારા વિલંબ કરવામાં આવતા સરકારની છબી ખરડાઈ રહી છે. આવેદનપત્ર દ્વારા માગ કરવામાં આવી છે કે, જીપીસીબીને યોગ્ય માર્ગદર્શન આપીને આ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે, જેથી નાના એકમોને આર્થિક રાહત મળે અને વાયુ પ્રદૂષણમાં પણ ઘટાડો લાવી શકાય.

28 C